મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે બે દિવસ માટે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી રાજ્યના વિકાસકામો તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ રજૂ કરશે. આ ઉપરાંત દિલ્હીમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે બેઠક કરશે. PMની ગુજરાતની મુલાકાત પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તેવામાં CMની મુલાકાત વિકાસ, ગવર્નન્સ અને સંગઠન મુદ્દે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હીની યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ હાજરી આપશે.
મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ પુનઃ ચર્ચા શરૂ
ગુજરાતમાં ઘણાં સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં મુખ્યમંત્રી સહિત 18નું મંત્રીમંડળ છે. વિધાનસભા બેઠકોના 15 ટકા પ્રમાણે હજુ 10 મંત્રીઓનો સમાવેશ થઈ શકે તેમ છે. ભાજપના આંતરિક સૂત્રોના મતે 17 મંત્રીઓમાંથી 5 થી 6 મંત્રીઓનું પરફોર્મન્સ સારૂ છે. જ્યારે 11 જેટલાં મંત્રીઓનું પરફોર્મન્સ નબળું છે. નબળા પરફોર્મન્સવાળા મંત્રીઓને છૂટા કરી મંત્રીમંડળમાં નવા ચહેરાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જૂન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને મંત્રી બનાવાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાંથી કેટલાંક મંત્રીઓને પડતા મૂકી નવા ચહેરાનો સમાવેશ કરાય તેવી પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક મંત્રીનું કદ ઘટાડી નવા ચહેરાને સ્થાન મળી શકે તેમ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો કરી વિસ્તારનું બેલેન્સ કરી જાતિ સમીકરણ ગોઠવવા માટે નવા નામો અંગે ચર્ચા થવાની સંભાવના છે.
નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક વિલંબિત
ભાજપના સંગઠનની સંરચના અંતર્ગત શહેર, તાલુકા અને જિલ્લાના પ્રમુખોની વરણી કરી દેવામાં આવી છે. જ્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણી પાંચ માસથી વિલંબિત થઈ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા હોવાથી મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખના નવા નામ અંગે ચર્ચા થવાની સંભાવના છે. વડાપ્રધાન 26, 27 મેના રોજ ગુજરાતના પ્રવાસે રહેશે. તેમના પ્રવાસ બાદ રાજકીય ગતિવિધિઓ ઝડપ પકડી શકે તેમ છે અને મંત્રીમંડળના વિસ્તરણ સહિત સંગઠનમાં ફેરફારની જાહેરાત થવાની ભાજપના કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ છે.
દિલ્હી પ્રવાસના તાત્કાલિક એજન્ડા ઉપરાંત મુખ્યમંત્રી વડાપ્રધાન અને અમિત શાહ સાથે મુલાકાત કરીને રાજ્યના રાજકીય પરિપ્રેક્ષ્યમાં આગળના નિર્ણયો માટે માર્ગદર્શન મેળવે તેવી શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં મંત્રીમંડળનું પુનર્ગઠન અને સંગઠનમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે.