કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 19 જૂને મતદાન
મતદાન પૂર્વે 48 કલાક માટે દરેક પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવાયો

કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાનમાઃ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ

કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાનમાઃ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ
ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આજે(17 જૂન) સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાન પૂર્વે 48 કલાક માટે દરેક પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. 19 જૂનના રોજ મતદાન હોવાથી સાંજે 5 વાગ્યા બાદ પ્રતિબંધ અમલી બનશે. આવતીકાલે દરેક ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.
ચૂંટણી પ્રચારના પ્રતિબંધનો અમલ શરૂ થતાં મત વિસ્તારની હદ બહારથી આવેલા રાજકીય કાર્યકરો કે પક્ષના પ્રચારકોને વિસ્તારમાંથી તાત્કાલિક બહાર જવાનું હોય છે. વહીવટીતંત્રએ મોનિટરિંગ અને સઘન તપાસ કરવાનો દાવો કર્યો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ-126 અનુસાર મતદાન પૂર્વના 48 કલાક દરમિયાન ટેલિવિઝન, રેડિયો, પત્રિકા, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમ મારફતે ચૂંટણી પ્રચાર કે મતદારોને પ્રભાવિત કરતી જાહેરાતો આપવી કે પ્રસારીત કરી શકાતી નથી.
કડી બેઠક ઉપર આઠ ઉમેદવારો મેદાનમાં...
1. ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ આમ આદમી પાર્ટી
2. રમેશભાઈ મગનભાઈ ચાવડા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
3. રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડા ભારતીય જનતા પાર્ટી
4. ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડીયા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
5. જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ રાઈટ ટુ રીકોલ પાર્ટી
6. પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ભારતીય જન પરિષદ
7. મકવાણા કમલેશભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
8. મકવાણા દશરથભાઈ ગણપતભાઈ આપકી આવાઝ પાર્ટી
વિસાવદર બેઠક ઉપર 16 ઉમેદવારો મેદાનમાં...
1. ઈટાલીયા ગોપાલ આમ આદમી પાર્ટી
2. કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટી
3. નીતીન રાણપરીયા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
4. કિશોરભાઈ કાનકડ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
5. તુલસી લાલૈયા અપક્ષ
6. નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષ
7. પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈ અપક્ષ
8. પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ અપક્ષ
9. નારીગરા ભરતભાઈ એસ. પ્રજાપતિ અપક્ષ
10. યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી અપક્ષ
11. રજનીકાંત વાધાણી અપક્ષ
12. રાજ પ્રજાપતિ અપક્ષ
13. સુરેશ માલવીયા અપક્ષ
14. સોલંકી રોહિત બધાભાઈ અપક્ષ
15. સંજય હિતેષભાઈ ટાંક અપક્ષ
16. હીતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા અપક્ષ
વિસાવદર બેઠક ઉપર લેઉવા પાટીદારના મતદારો નિર્ણાયક
વિસાવદર બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ બેઠક ઉપર સૌથી વધુ લેઉવા પાટીદાર સમાજના મતદારો છે. લેઉવા પાટીદાર મતદારો જે ઉમેદવાર તરફ ઢળે તેની જીત પાક્કી હોય છે. આ બેઠક પર વર્ષ 2007ની ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી ત્યારે પણ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને 7,063 મતે હરાવ્યા હતા. વિસાવદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાતો રહ્યો છે. ભૂપત ભાયાણી વર્ષ 2023માં ધારાસભ્યપદેથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેથી બેઠક ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
વિસાવદર વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967 માં સ્વતંત્ર પક્ષના કુરજી ભેંસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા. 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરજી ભેંસણીયા જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજ રિબડીયા વિજયી બન્યા હતા. 1995માં ભાજપને પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપમાંથી 1995 અને 1998માં અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2022 પહેલા હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કનુ ભાલાળા વિજયી બન્યા હતા. વર્ષ 2007 બાદ વિસાવદર બેઠક પર વિરોધપક્ષના ઉમેદવારોને મતદારો જીતાડતા આવ્યા છે.
કડી બેઠક ઉપર ઓછી લીડથી વિજેતા બને છે ઉમેદવાર
કડી બેઠક ઉપર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કડી બેઠક વર્ષ 2012ના નવા સીમાંકન બાદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થઈ છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના હિતુ કનોડિયાને 1,217 મતે હરાવ્યા હતા. 2017 અને 2022માં ભાજપના કરસન સોલંકીએ 2017માં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને 2017માં પ્રવિણ પરમારને હરાવી વિજય હાંસલ કર્યો હતો. અનામત બેઠક પહેલા કડી સામાન્ય બેઠક હતી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 1990 થી 2007 સુધીમાં ચાર વખત વિજયી બન્યા હતા. જ્યારે 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોરે નીતિન પટેલને હરાવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા ભાજપના કરસન સોલંકીનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
કડી બેઠકનો રાજકીય ઈતિહાસ
કડી બેઠક પર જાતિવાદનું રાજકારણ ઘણી અસર કરે છે. આ બેઠક પર સૌથી વધુ પાટીદાર અને ઠાકોર મતદારો છે. અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા પણ વિશેષ છે. કડી બેઠક 1975માં ભારતીય જનસંઘે જીતી હતી. 1990માં ભાજપે પહેલી વાર કડી બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો. ભાજપના નીતિન પટેલ કડી વિધાનસભા બેઠક પરથી 1990, 1995, 1998 અને 2007 એમ ચાર વખત વિજયી બન્યા છે. ગોધરાકાંડ બાદ 2002માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર વિજેતા થયા હતા. જ્યારે 2007માં ભાજપના નીતિન પટેલ વિજયી બન્યા હતા. 2012ના નવા સીમાંકન બાદ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતા નીતિન પટેલને મહેસાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી. આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે. 2012માં હિતુ કનોડિયાને કોંગ્રેસના રમેશ ચાવડાએ 1,217 મતે હરાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.