મંત્રીમંડળ વિસ્તરણઃ કોની દિવાળી સુધરશે કે બગડશે?
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી CM પરત ફર્યા

કોનું પત્તુ કપાશે અને ક્યા મંત્રીને બઢતી મળશે તેની ચર્ચા, બે દિવસમાં વિસ્તરણની શક્યતા

કોનું પત્તુ કપાશે અને ક્યા મંત્રીને બઢતી મળશે તેની ચર્ચા, બે દિવસમાં વિસ્તરણની શક્યતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં બેઠક કરીને પરત ફર્યા છે. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે સોમવારે રાત્રે મેરેથોન બેઠક કરી હતી. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોનું પત્તુ કપાશે અને કોની દિવાળી સુધરશે તેની સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાતમાં ઘણાં સમયથી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ અને બનાવોને ધ્યાને લઈને વિસ્તરણમાં ઘણાં મંત્રીઓની સાફસૂફી કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંત્રી મંડળમાંથી કોની હકાલપટ્ટી કરવી અને કોને લેવા તે અંગે નિર્ણય લઈ લીધો છે. તેની સત્તાવાર જાહેરાત બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવાયના તમામ મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોટાભાગના મંત્રીઓની યુવા ધારાસભ્યોમાંથી પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જેવી રીતે સ્થાનિક સ્વરાજ અને 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના ફેક્ટરને ધ્યાનમા રાખીને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી શક્યતા છે.
કોનું પત્તું કપાઈ શકે?
કેબિનેટ મંત્રીઓ નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાનું પત્તુ કપાઈ શકે છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિની હકાલપટ્ટી થઈ શકે છે.
કોની દિવાળી સુધરશે?
ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની દિવાળી સુધરી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાની શક્યતા છે. નવા મંત્રીમંડળમાં વર્તમાન મંત્રીમંડળના પાંચ જેટલાં મંત્રીઓને જાળવી રાખવામાં આવશે. કોંગ્રેસના આયાતી નેતાઓમાંથી માત્ર અર્જુન મોઢવાડિયાને સાચવી લેવાશે. બે મહિલા ધારાસભ્યોમાં રિવાબા જાડેજા ઉપરાંત સંગીતા પાટીલનું નામ ચર્ચામાં છે.
સૌરાષ્ટ્ર અને પાટીદાર ફેક્ટરને બેલેન્સ કરાશે
વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા જે રીતે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવીને લોકોનું સમર્થન મેળવી રહ્યા છે. લેઉવા પાટીદાર સમાજના લોકોમાં ઈટાલિયા લોકપ્રિય બની રહ્યા છે. તેની ભાજપના શીર્ષ નેતૃત્વએ નોંધ લીધી છે. તેમાં પણ બોટાદના વિવાદે ઘી હોમ્યુ છે. તેથી મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્ર અને લેઉવા પાટીદાર ફેક્ટરને બેલેન્સ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા ઉપરાંત અમરેલી, જૂનાગઢમાંથી લેઉવા પાટીદાર સમાજના ધારાસભ્યને મંત્રીપદ આપી બેલેન્સ કરવામાં આવશે. જ્યારે આહીર સમાજના ઉદય કાનગડ, ક્ષત્રિય સમાજના રિવાબા જાડેજાને લઈ ઓબીસી અને ક્ષત્રિય સમાજનું જાતિગત સમીકરણ સાચવી લેવામાં આવશે.
જાતિ અને પ્રાદેશિક સંતુલનનો પ્રયાસ
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો ઉપર વિજય મેળવ્યા બાદ મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી. તાજેતરમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતા જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરી છે. પાટીદાર મુખ્યમંત્રી હોવાથી ઓબીસી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરીને ભાજપે જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીમાં મંત્રીમંડળમાં ફેરફાર, મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનના માળખાની રચના અને મહત્વના પદો પર નેતાઓની નિમણૂક જેવા મુદ્દાઓની દિલ્હીમાં ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેથી મંત્રીમંડળમાં ફેરબદલનો હેતુ જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો છે.
કોંગ્રેસી ગોત્રવાળાને શું મળશે?
કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરનારા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. તેમાં અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું નામ મોખરે છે. મોઢવાડિયા સૌરાષ્ટ્રમાંથી અને સી. જે. ચાવડા ઉત્તર ગુજરાતમાંથી આવે છે. ભાજપ બંનેને મંત્રી પદ આપે તેવી શક્યતા ઓછી છે. પોરબંદર જિલ્લામાંથી અર્જુન મોઢવાડિયાનો હરીફ નહી હોવાથી તેમને મંત્રીપદ મળી શકે છે. જ્યારે મહેસાણામાંથી ઋષિકેશ પટેલની કામગીરી સારી હોવાથી તેમની બાદબાકીની શક્યતા ઓછી હોવાના કારણે સી.જે.ચાવડાએ મંત્રી પદ માટે રાહ જોવી પડી શકે છે.
વિરમગામના ધારાસભ્ચ હાર્દિક પટેલ કરતાં અન્ય કડવા પાટીદાર સમાજના નેતાઓ સક્ષમ હોવાથી સામાજીક સમીકરણમાં તેઓ ફિટ બેસી શકે તેમ નથી. તેના કારણે હાર્દિક પટેલને મંત્રીપદ મળવાની શક્યતા ઓછી છે. તેમનું જમાપાસુ એક જ છે. તેઓ અમિત શાહની નજીક હોવાથી મંત્રીપદ મળી જાય તો આશ્ચર્ય હશે. જ્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લાંબા સમયથી મંત્રીપદની રાહ જોઈ રહ્યા છે. તેમના સમાજના વરિષ્ઠ નેતાઓની દાવેદારી મજબૂત હોવાથી તક મળવા અંગે સસ્પેન્સ જળવાયેલો છે. નવા મંત્રીઓની ચર્ચામાં અલ્પેશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાના નામ સામેલ છે. પરંતુ, હાર્દિક પટેલનું નામ દૂર દૂર સુધી ચર્ચામાં નથી. થોડા સમય પહેલા હાર્દિક પટેલે સરકાર સામે કરેલી બગાવત કારણભૂત બની શકે છે.
ભાજપ સામે પડકાર
મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપને મોટો પડકાર એ છે કે, પક્ષપલટુ નેતાઓને સ્થાન આપતાં જૂના અને વફાદાર ધારાસભ્યો નારાજ થાય તેમ છે.. તેથી પ્રાદેશિક, જાતિગત અને વરિષ્ઠ ધારાસભ્યોના તમામ સમીકરણોને સંતુલિત રાખીને કેબિનેટમાં ફેરફાર કરવા પડે તેમ છે. આ વખતે જૂના કોંગ્રેસી નેતાઓને મંત્રી મંડળમાંથી રવાના કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સૌરાષ્ટ્રમા લેઉવા પટેલ અને કોળી પટેલ ફેક્ટર ધ્યાનમા રાખવા પડશે. મધ્ય ગુજરાતમાં જનરલ જ્ઞાતિના ધારાસભ્યને સ્થાન મળી શકે. સૌરાષ્ટ્ર પર આ વખતે વધુ ફોકસ રહેશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાથી આદિવાસી અને મહિલા ધારાસભ્યને પ્રાધાન્ય આપવામા આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે.
મોહન ભાગવતની સૂચક મુલાકાત
RSSના વડા મોહન ભાગવત મંગળવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેવા સમયે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત અને મોહન ભાગવતની ગુજરાત મુલાકાત પણ સૂચક માનવામાં આવી રહી છે. સંઘ અને ભાજપ વચ્ચે સંકલન શરૂ થઈ ગયું હોવાનો આ પુરાવો છે. દિલ્હીમાં ચર્ચા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?