મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી, મોટા બદલાવની શક્યતા!
ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં રાજ્યપાલ નવા મંત્રીમંડળને લેવડાવશે શપથ

સ્વર્ણિમ સંકુલ-1 અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સ્વર્ણિમ સંકુલ-1 અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં ઘણાં સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોનો આજે અંત આવ્યો છે. આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિરમાં ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. સવારે 11:30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં હવે કોણ કપાશે અને કોણ મંત્રી બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલની ઉપસ્થિતિમાં મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. મંત્રીમંડળના વિસ્તરણ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે. મંત્રીમંડળના વિસ્તરણ સમયે કેન્દ્રીય નેતાઓ હાજર રહેતા નથી. પરંતુ, સરકારમાં મોટાપાયે બદલાવ થાય તેવા સંકેત મળી રહ્યા છે.
શપથ સમારોહના આયોજન પહેલાં ભાજપના ધારાસભ્યોને ગુરૂવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી હતી. જેના પગલે અંતરિયાળ વિસ્તારના ધારાસભ્યો ગાંધીનગર આવવા રવાના થયાં છે. દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. હવે માત્ર ઔપચારિક્તા બાકી બાકી છે. મંત્રી બનવાના સપના સેવતા ભાજપના ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મંત્રીપદ માટે તેમને ફોન આવે છે.
મંત્રીઓનો શપથ સમારોહને લઈને સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં બુધવારે સાંજથી સફાઈ શરૂ કરવામાં આવી છે. મંત્રી મંડળનું કદ 20 થી 25નું હોઇ શકે છે. જેના કારણે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે 5 થી 6 ઓફિસોની સફાઇ શરૂ કરવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામાં આપી દેશે. દર બુધવારે મળતી કેબિનેટની બેઠક ગુરૂવારે મળનાર હતી. પરંતુ કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ બેઠક મળે તેવી શક્યતા છે.
નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. ચાર મહિલા ધારાસભ્યો, ચાર લેઉવા અને બે કડવા પાટીદાર, 2 એસટી, 2 એસસી ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે છે. ચાર ઠાકોર-કોળી, બે બ્રાહ્મણ, બે ક્ષત્રિય ધારાસભ્યો મંત્રી બની શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાંથી એક મંત્રી બની શકે. કચ્છ- સૌરાષ્ટ્રમાંથી ચાર કેબિનેટ, ત્રણ રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી બે કેબિનેટ, બે કરતાં વધુ રાજ્યમંત્રી, દ.ગુજરાતમાંથી ત્રણ કેબિનેટ, ચાર રાજ્યમંત્રી મળી શકે છે.
ગુજરાત સરકારમાં હંમેશા ઉત્તર ગુજરાતનું રાજકીય મહત્વ રહેતું હતું. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ સરકારમાં ઉત્તર ગુજરાતનું રાજકીય કદ વધારે જોવા મળતું હતું. તે વિજય રૂપાણીની સરકાર બાદ ઘટી ગયુ છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતને મહત્વ મળે છે કે કેમ તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર મંડાઈ છે. ઉત્તર ગુજરાતમાંથી કડવા પાટીદાર અને ઠાકોર સમાજને મહત્વ નહી મળે તો પક્ષમાં અસંતોષ વધે તેવી શક્યતા છે.
કોની દિવાળી બગડશે?
કેબિનેટ મંત્રીઓમાં નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાની દિવાળી બગડશે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની પણ દિવાળી બગડશે.
કોની દિવાળી સુધરશે?
જયેશ રાદડિયા, શંકર ચૌધરી, અમિત ઠાકર, અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, શંભુનાથ ટુંડિયા, ઈશ્વરસિંહ પટેલ, નિમિષા સુથાર, જીતુ વાઘાણી, કિરીટસિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, હીરા સોલંકી, નરેશ પટેલ(ગણદેવી), જીતુ ચૌધરી કેબિનેટમાં સ્થાન પામી શકે છે.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં મહેશ કસવાલા, સી.કે.રાઉલજી, ચૈતન્ય ઝાલા અથવા કેયુર રોકડિયા, ઉદય કાનગડ, રિવાબા જાડેજા, કચ્છમાંથી અનિરુદ્ધ દવે અથવા કેશુ પટેલ, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, પી.સી.બરંડા, અલ્પેશ ઠાકોર, ભગવાનજી કરગટિયા, લવિંગજી ઠાકોર સહિતના ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તો દિવાળી સુધરે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?