નવસારી જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ, 50થી વધુ રાજીનામા
સી.આર. પાટીલ અને આર.સી. પટેલ જૂથ વચ્ચે તણાવ વધતા સંગઠનમાં અસંતોષ ફાટી નીકળ્યો

જલાલપોર તાલુકા પંચાયતના હોદ્દેદારોએ જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચી રાજીનામા આપ્યા હતા

જલાલપોર તાલુકા પંચાયતના હોદ્દેદારોએ જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચી રાજીનામા આપ્યા હતા
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના ગઢમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલના જૂથ વચ્ચે સંગઠનને લઈ ખેંચતાણ શરૂ થતાં નવસારી જિલ્લા ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. જિલ્લા ભાજપના સંગઠનની સંરચનામાં અન્યાયને લઈ રાજીનામાનો દોર શરૂ થયો છે. પહેલાં જલાલપોર અને હવે નવસારી તાલુકાના મળીને 50 થી વધુ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. બીજી તરફ પ્રદેશ ભાજપના નેતાઓ બધુ સમુસૂતરૂ હોવાનો રાગ આલાપી રહ્યા છે.
નવસારી જિલ્લા ભાજપમાં સંગઠન રચનાને લઈને હોદ્દેદારોમાં અસંતોષની આગ ભડકી છે. જલાલપોર વિધાનસભા મત વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાના મુદ્દે અગાઉ વિજલપોર શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં હતા. હવે અસંતોષની આગ નવસારી વિધાનસભા મત વિસ્તારમાં પહોંચતા 8 જેટલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે.
નવસારી વિધાનસભા મત વિસ્તારમાં આવતાં નવસારી તાલુકા ભાજપના વધુ 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ રવિ સોની, ઉપપ્રમુખ ચેતન પટેલ અને ઈશ્વર હળપતિ, મહામંત્રી કમલેશ નાયક, મંત્રી રવિ વશી અને પ્રણવ ઠાકરે, શક્તિ કેન્દ્રના પ્રમુખ નરેન્દ્ર ઠાકોર તેમજ આદિવાસી મોરચા પ્રમુખ અર્જુન હળપતિનો સમાવેશ થાય છે.
આ મામલે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રાજીનામાના દોરને લઈ રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં પક્ષમાંથી કેવો નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર મંડાઈ છે.
થોડા દિવસો અગાઉ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. તેમણે કહ્યું કે, તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું. વિજલપોર વિસ્તારમાં પ્રાચીન મઠપુરી માતાજી મંદિર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા માટેના શિલાન્યાસ સમારોહમાં નિવેદન કર્યુ હતું.
આર.સી.પટેલે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પર કટાક્ષ કરી તેમને કડક શબ્દોમાં ઠપકો આપતી અનેક વાતો કરી હતી. તેમણે વિજલપોરમાં પોતાના વર્ચસ્વનો સંકેત આપતા જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહને કહ્યું, “તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું.” આર.સી. પટેલના નિવેદન પર ભાજપ સંગઠને પણ નારાજગી વ્યક્ત કરી હતી.
જલાલપોર અને કોળી સમાજની અવગણના
જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર અને નવસારી તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ત્યાંથી કોઈ કોળી કાર્યકરને મહામંત્રી ન બનાવતા 'અન્યાય'ની લાગણી જન્મી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે.
રાજીનામાનો આંકડો 100ને પાર જવાની શક્યતા
નવસારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રવિ સોની સહિતના હોદ્દેદારોએ અગાઉ રાજીનામાં આપ્યા હતા. હવે આ યાદીમાં જલાલપોર તાલુકાના વધુ 50 સભ્યો ઉમેરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આંકડો 100ને પાર કરી શકે છે. નારાજ કાર્યકરોએ 'કમલમ' ખાતે જઈને સામૂહિક રાજીનામાં ધર્યા હતા.
સી.આર.પાટીલ V/S જગદીશ વિશ્વકર્મા?
નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આવી સ્થિતિ ક્યારેય જોવા મળી નહોતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમમાં નવસારી જિલ્લામાં શરૂ થયેલો વિખવાદ હવે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ પ્રસરી રહ્યો છે.
ભાજપનો વિખવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નડશે
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ સભાઓ ગજવીને મતદારોને આકર્ષી રહ્યા છે. તેવામાં ભાજપના આંતરિક વિખવાદનો વહેલી તકે અંત નહીં આવે તો વિપક્ષને બેઠો થવાની તક મળી શકે છે. જિલ્લા સંગઠન આ મામલે મૌન છે, પરંતુ કાર્યકરોનો રોષ સાતમા આસમાને છે.
સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું
સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં વ્યથા ઠાલવી છે. પત્રમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2009 થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહ્યા હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા સહકાર આપવામાં આવતો નથી. સંગઠન દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
ગણપત રાઠોડે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમના વિસ્તારમાં રૂ. 11.45 લાખના વિકાસકામો પૂર્ણ થવા છતાં સત્તાધીશો દ્વારા બિલ મંજૂર કરીને નાણાં અપાવવામાં આવ્યા નથી. જેના કારણે નવા કામોમાં અવરોધ ઊભો થયો છે. આ પરિસ્થિતિ માટે તેમણે સીધા તાલુકા પંચાયત અને તાલુકા સંગઠનના હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?