માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા સંકટમાં
ભાજપના આંતરિક અસંતોષ અને કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તથી માંગરોળ પાલિકામાં રાજકીય ઉથલપાથલ

બસપાના સમર્થનથી સત્તા મેળવનાર ભાજપના શાસકો સામે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત

બસપાના સમર્થનથી સત્તા મેળવનાર ભાજપના શાસકો સામે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં બે દાયકા બાદ મેળવેલી સત્તા ભાજપ ગુમાવે તેવા એંધાણ છે. બસપાના ચાર સભ્યોના સમર્થનથી ચાલતી સત્તા સામે ભાજપના 8 કોર્પોરેટરો નારાજ હોવાનું જાણવા મળ્યું છે. આ તકનો લાભ લઈને કોંગ્રેસે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. તેના કારણે માંગરોળ નગરપાલિકામાં ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા છે.
માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા વિરુદ્ધ કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વહીવટી અણઆવડત, નગરપાલિકાનું ફર્નિચર જપ્ત થવાની શરમજનક સ્થિતિ અને આર્થિક તંત્ર ખાડે ગયુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ભાજપના 8 સભ્યો નારાજ હોવાથી કોંગ્રેસે મૂકેલી અવિશ્વાસની દરખાસ્તથી કડકડતી ઠંડી વચ્ચે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
માંગરોળ નગરપાલિકામાં 20 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી હતી. ભાજપની આ સત્તાનો આનંદ એક વર્ષમાં ઓસરી ગયો છે. નગરપાલિકાના કુલ 36 સભ્યોના સંખ્યાબળમાં ભાજપ અને કોંગ્રેસે 15-15 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે બસપાના 4 તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષના 1-1 સભ્ય જીત્યા હતા. ભાજપે બસપાના ચાર સભ્યોના સમર્થનથી સત્તા મેળવી હતી. પરંતુ ભાજપના આંતરિક વિખવાદ અને સત્તાધીશોની કામગીરીથી નારાજ 8 સભ્યોએ બળવો કરતાં કોંગ્રેસને મેદાન મારવાની તક મળી છે.
કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત માટે રજૂ કરેલાં પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં પાલિકાના મુખ્ય નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વહીવટી અણઆવડતના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે.
આર્થિક તંત્ર સંપૂર્ણપણે ડામાડોળ બની ગયું છે. તાજેતરમાં કોર્ટ દ્વારા પાલિકાની મિલકતો જેવી કે ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાનો આદેશ કરાતાં પાલિકાની આબરૂ માટે મોટો ફટકો સાબિત થયો છે. પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.
માંગરોળ નગરપાલિકામાં ભાજપ પાસે 15 સભ્યો હોવા છતાં 8 સભ્યોની નારાજગી લઘુમતીમાં લાવી શકે છે. કોંગ્રેસના 15 સભ્યોને ભાજપના નારાજ 8 સભ્યોનો ટેકો મળી જાય તો બે દાયકા બાદ મેળવેલી સત્તા ભાજપ ગુમાવી શકે તેમ છે.
કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકાના નારાજ કોર્પોરેટરો 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. કોંગ્રેસે રજૂ કરેલી દરખાસ્ત બાદ ચીફ ઓફિસર અને કલેક્ટર દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન કરવાની નોબત આવે તો ભાજપની બંધ મુઠ્ઠી ખુલી જાય તેમ છે. તેથી ભાજપે પણ નારાજ સભ્યોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પલટો કરવામાં સફળ થાય છે કે કેમ તે ભાજપના નારાજ સભ્યોની ચાલ ઉપરથી ખબર પડી જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!