ભાજપના જ ધારાસભ્યએ સરકારી તંત્રની પોલ ખોલી!
ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવા CM, આરોગ્ય મંત્રી અને વિધાનસભામાં કરી હતી રજૂઆત

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયુ છે. હવે દરેક ખાદ્ય ચીજોમાં ભેળસેળ પકડાઈ રહી છે. ભેળસેળ કરીને ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેમ છતાં સરકારી તંત્ર જાણે કે મૂક પ્રેક્ષક બનીને નામ પૂરતી કાર્યવાહી કરી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને સરકારી તંત્રની બેદરકારી પોલ ઉઘાડી પાડી છે.
તાજેતરમાં રાજ્ય કક્ષાના મંત્રીમાંથી બઢતી પામીને કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી બનેલા પ્રફુલ પાનસેરિયા ઉપર વિશ્વાસ રાખી કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. ખાદ્ય પ્રદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું હોવાનો દાવો કરી નકલી દવા અને ખાદ્ય ચીજો બનાવનારા ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે.
નકલી દવા બનાવનારા, વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેળ કરી નકલી ખાદ્ય પ્રદાર્થ બનાવનાર અને વેચનાર સામે કડક કાયદો બનાવી તેનો અમલ કરવા રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે લાંબા સમયથી રજૂઆત કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ભેળસેળિયા તત્વો સામે મુખ્યમંત્રી, તત્કાલિન આરોગ્ય મંત્રી અને વિધાનસભામાં અગાઉ રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો દાવો કર્યો છે.
કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું છે?
ધારાસભ્ય કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડાં કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. જેમ કે, નકલી દવાઓ બનાવવી, વેચવી તેમજ ખાદ્યપદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવા અંગે કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી. કારણકે, તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ કડક કાયદો નથી. આવા લોકો સામે તપાસ થાય, સેમ્પલ લેવામાં આવે, રિપોર્ટ આવે, નકલી હોય, અખાદ્ય હોય તો સામાન્ય બે-પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય અને પછી ધંધો ચાલુ રહે છે.
તેમણે ઉમેર્યુ કે, કોઈ વ્યક્તિની હત્યા થાય તો આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે. સામુહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ. પરંતુ, નકલી દવા બનાવી-વેચી ખાદ્યપદાર્થ નકલી બનાવી, ભેળસેળ કરી ધંધો કરનાર લોકો, લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ ડર કે ભય વગર બેફામ લોકોને મારી રહ્યાં છે. આવા લોકોને ડામવા અત્યંત જરૂરી હોવાથી તેવા લોકો સામે કડક કાયદો બને. કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી છે.
વધુમાં જણાવ્યું કે, આ પહેલા મારા દ્વારા મુખ્યમંત્રી તેમજ તત્કાલિન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ વિધાનસભાના ગૃહમાં રજૂઆત કરી છે. આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે. કારણકે, તમે આરોગ્ય મંત્રી બન્યા છો. સ્વતંત્ર હવાલો છે. તમે ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો. તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો. એટલે આ કામ તમે કરી શકો તેમ છો. આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અને મારી માંગણી અને લાગણી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં નકલી ઘી, પનીર, તમાકુ, મેગી મસાલા, મસાલા, તેલ સહિતની ચીજવસ્તુ પકડાઈ ચૂક્યા છે. ભેળસેળિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરિયાણા-ડેરી ઉપર તેનું વેચાણ કરે છે અને તે લોકોના ઘર સુધી પહોંચે છે. એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર, શ્વાસોશ્વસની તકલીફ, પેટ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો મોત પણ થઈ શકે છે. પરંતુ તે જવાબદાર અધિકારીઓ સાબિત નહી કરી શકતાં ભેળસેળિયા તત્વો ટૂંકા ગાળામાં છૂટીને ફરીથી અખાદ્ય ચીજોનું વેચાણ શરૂ કરી દે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?