સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાંથી ભાજપે 62 નગરપાલિકા કબજે કરી છે. જ્યારે જામનગરની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે અને પોરબંદરની કુતિયાણા તેમજ રાણાવાવમાં સમાજવાદી પાર્ટીએ સત્તા મેળવી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો મેળવીને ભાજપે સત્તા જાળવી રાખી છે. જૂનાગઢ મનપામાં ભાજપ નેતા ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. જ્યારે ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હારી જતાં મોટો ઉલટફેર થયો છે.
ત્રણ નગરપાલિકામાં સ્થિતિ અસ્પષ્ટ
કુલ 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા મળી છે. સલાયા નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 15 બેઠકો ઉપર કોંગ્રેસ અને 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજયી બની છે. પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા સમાજવાદી પાર્ટીએ કબજે કરી છે. છોટાઉદેપુર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપ 8, કોંગ્રેસ 1, 4 અપક્ષો ઉપરાંત 15 બેઠકો ઉપર એસપી, બીએસપી સહિતના અન્ય પક્ષોના ઉમેદવાર વિજયી થતાં સ્થિતિ અસ્પષ્ટ છે. ખેડાની ડાકોર નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો ઉપર ભાજપ અને 14 બેઠકો ઉપર અપક્ષો વિજયી બનતાં ટાઈ પડી છે. અમદાવાદની બાવળા નગરપાલિકામાં કુલ 28 બેઠકો પૈકી 14 ઉપર ભાજપ, 13 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. તેથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સમર્થન કરે તે પક્ષ બાવળા નગરપાલિકામાં સત્તા મેળવે તેવી સંભાવના છે.
પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાનું વર્ચસ્વ
પોરબંદર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાનું વર્ચસ્વ યથાવત રહ્યુ છે. કાંધલ જાડેજાના પક્ષ સમાજવાદી પાર્ટીએ કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં બહુમતીથી સત્તા મેળવી છે. કુતિયાણા નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 14 અને ભાજપને 10 બેઠકો મળી છે. કુતિયાણા નગરપાલિકામાં વર્ષ 1995થી પ્રમુખપદ સંભાળતા ઢેલીબેન ઓડેદરાના શાસનનો 30 વર્ષે અંત આવ્યો છે. જ્યારે રાણાવાવ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 બેઠકો મેળવી છે.
નગરપાલિકામાં 72 ટકા બેઠકો ભાજપે મેળવી
66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 1911 બેઠકો પૈકી ભાજપે 1386 બેઠકો, કોંગ્રેસે 262 બેઠકો, સમાજવાદી પાર્ટીએ 47 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 23, આમ આદમી પાર્ટીએ 18 અને અન્ય પક્ષોએ 8 બેઠકો મેળવી છે. જ્યારે 167 બેઠકો ઉપર અપક્ષો મેદાન મારી ગયા છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 72 ટકા, કોંગ્રેસે 14 ટકા અને બાકીની 14 ટકા અન્ય પક્ષોએ બેઠકો મેળવી છે.
ત્રણ તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા મેળવી
ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ત્રણેય તાલુકા પંચાયતો કબજે કરી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં 28 બેઠકોમાંથી ભાજપે 20 અને કોંગ્રેસે 8 બેઠકો મેળવી છે. કપડવંજ તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18, કોંગ્રેસે 6 અને અપક્ષે 2 બેઠકો મેળવી છે. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ 17, કોંગ્રેસ 3 અને અપક્ષો 4 બેઠકો ઉપર વિજયી થયા છે.