સુમુલ ડેરીમાં ભાજપની ભાંજગડઃ કસ્ટોડિયનની નિમણૂક
રૂપિયા 1 હજાર કરોડનું કૌભાંડ, બહારથી દૂધ લાવવા તેમજ ઓડિયો ક્લીપનો થયો હતો વિવાદ
ડેરીમાં સત્તા ગુમાવવાના ડરે રાજ્ય સરકારે ચૂંટણી ટાળી કસ્ટોડિયનની નિમણૂક કરી હોવાની ચર્ચા
ડેરીમાં સત્તા ગુમાવવાના ડરે રાજ્ય સરકારે ચૂંટણી ટાળી કસ્ટોડિયનની નિમણૂક કરી હોવાની ચર્ચા
ભાજપ શાસિત સુમુલ ડેરીના નિયામક મંડળની મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે કસ્ટોડિયનની નિમણૂક કરી છે. ભાજપના બે જૂથોએ સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવી દીધો હોવાથી ચૂંટણી કરાવવાના બદલે કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ચેરમેન અને વાઈસ ચેરમેનના આંતરિક વિખવાદના કારણે સુમુલ ડેરી હંમેશા ચર્ચામાં રહી હતી. જ્યારે સુમુલ ડેરીમાં રૂપિયા 1 હજાર કરોડનું કૌભાંડ થયાનો કોંગ્રેસના નેતાએ આક્ષેપ કરી મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને પત્ર લખતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
સહકાર વિભાગે સુમુલ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરી છે. જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર.પટેલની નિમણૂક કરાતા તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે. ડેરીમાં ચૂંટાયેલા 16 અને સરકારી પ્રતિનિધિ ત્રણ મળીને કુલ 19 ડિરેક્ટરોની મુદત હવે પૂર્ણ થઈ છે. ડેરીમાં ભાજપના બે જૂથોની લડાઈના કારણે સુમુલ ડેરીનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક થઈ છે.
કોંગ્રેસના પ્રદેશ મંત્રી દર્શન નાયકે જણાવ્યુ કે, ડેરીમાં પાંચ વર્ષમાં ભાજપના સત્તાધીશોએ રૂપિયા 1 હજાર કરોડનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડને લઈ સહકાર મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સહકાર મંત્રીએ ચેરમેન અને વાઈસ ચેરમેનની ગાંધીનગર બોલાવ્યા હતા. બાદમાં કૌભાંડ સંદર્ભે સહકાર વિભાગે તપાસ હાથ ધરી હતી. જો કે, ભાજપના આંતરિક વિખવાદના કારણે સત્તા ગુમાવવી પડે તેમ હોવાથી ચૂંટણી કરાવવાના બદલે 75 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કસ્ટોડિયનની નિમણૂક કરી છે. કસ્ટોડિયનની નિમણૂક થઈ ગઈ છે ત્યારે સુમુલ ડેરીના ભ્રષ્ટાચારની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કર્યા બાદ ચૂંટણી જાહેર કરાય તેવી મારી માંગ છે.
વર્ષ 1951માં ધી સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની (સુમુલ) સ્થાપના થયા બાદ 75 વર્ષમાં પ્રથમ વખત સમયસર ચૂંટણી થઇ શકી નથી. તેના કારણે ગુજરાત રાજય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડયાએ સહકારી મંડળીઓ અધિનિયમ 1961ની કલમ 74 (d) થી મળેલી સત્તાની રૂએ સુમુલના તમામ વ્યવસ્થાપક સમિતિના સ્થાને કસ્ટોડીયન તરીકે સંયુકત રજિસ્ટ્રાર નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અંથતંત્રના એચ.આર.પટેલની સુમુલના કસ્ટોડીન તરીકે નિમણૂક કરી છે. તમામ 19 ડિરેકટરો ઘર ભેગા થતાં સુમુલનો 7 હજાર કરોડનો વહીવટ હવે કસ્ટોડીયન સંભાળશે.
સુમુલ ડેરીમાં પાંચ વર્ષ અગાઉ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચે સમાધાન કરી ચૂંટણી લડતાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકના જૂથના સરખા સભ્ય ચૂંટાયા હતા. ભાજપ મોવડી મંડળે મેન્ડેટ આપીને ચેરમેનપદે માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેનપદે રાજુ પાઠકની વરણી કરી હતી. પાંચ વર્ષ દરમિયાન પશુપાલકોની ચિંતા કરવાના બદલે બંને જૂથ વચ્ચે રાજકીય લડાઈ અને વહીવટી ખેંચતાણ રહી છે. તેના કારણે પશુપાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.
સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથ વચ્ચે લડાઈ નિશ્ચિત છે. પાર્ટી મેન્ડેટ આપે તો પણ એક જૂથ બગાવત કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પણ સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝુકાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તાજેતરમાં વિપક્ષના નેતા તરીકે વરાયલા ડૉ.તુષાર ચૌધરીએ બેઠક કરીને જાહેર કર્યું છે. તેથી સુમુલ ડેરીની ચૂંટણી થાય તો ભાજપ સત્તા ગુમાવે તેમ હોવાથી ભાજપ મોવડી મંડળે ચૂંટણી ટાળવા કસ્ટોડિયનની નિમણૂક કરી હોવાની ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુમુલ ડેરીમાં દૈનિક 14 લાખ લિટર દૂધની આવક થાય છે. 1200 મંડળીઓના 2.50 લાખથી વધારે પશુપાલકો દૂધ ભરાવે છે. ડેરીની વર્ષ 2020 થી 2025 સુધીના બોર્ડની મુદત 9 ઓગસ્ટે પૂર્ણ થઈ હતી. ચૂંટણી માટેની દરખાસ્ત કલેક્ટરને મોકલવાની હોય છે. જેમાં વિલંબ થયો હોવાનું અથવા જાણી જોઈને વિલંબ કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે.
વન રાજ્ય મંત્રી મુકેશ પટેલે પણ કર્યા હતા ગંભીર આક્ષેપ
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે સુમુલ સાથે સંકળાયેલી કેટલીક મંડળીઓ બહારથી દૂધ મંગાવી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. ડેરીના ડિરેક્ટરો નફાકારક ધંધો ચલાવી રહ્યા હોવાનો તેમજ પોતાની અંગત કમાણી માટે દૂધ વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. મુકેશ પટેલના જણાવ્યા અનુસાર કેટલાક ડિરેક્ટરો કારોબારમાં પરસ્પર જોડાયેલા છે. તેઓ પોતાનો નફાકારક વ્યવસાય ચલાવી રહ્યા છે. ડિરેક્ટરો પોતાની કમાણી માટે સમગ્ર વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. આના કારણે સામાન્ય સભાસદોને કોઈ લાભ મળતો નથી. બહારથી દૂધ લાવવાનું ચાલુ રહેશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.
ઓડિયો વિવાદ મામલે ડિરેક્ટરોના નિવેદન લેવાયા હતા
સુમુલ ડેરીના બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થવા મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર ડિરેક્ટરોને નિવેદન માટે નોટિસ પાઠવી હતી. નિઝરના ડિરેક્ટર ભરત પટેલ અને માંડવીના રેસા ચૌધરીએ ક્રાઈમ બ્રાન્ચમાં નિવેદન પણ નોંધાવ્યું હતું. બંને ડિરેક્ટરો આદિવાસી સમાજની રેલીમાં જોડાયા હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો જે તે સમયે ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વિવાદની શરૂઆત 12મી જુલાઈના રોજ મળેલી સુમુલ ડેરીની બોર્ડ બેઠકથી થઈ હતી. આ બેઠકમાં બહારથી દૂધ લાવી વેચતી સહકારી મંડળીઓને ફટકારેલા દંડ મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકનું 2 કલાક અને 7 મિનિટનું રેકોર્ડિંગ વાયરલ થતાં મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે પોલીસમાં અરજી આપતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સોનગઢના કાંતિ ગામીત, માંડવીના રેસા ચૌધરી, નિઝરના ભરત પટેલ અને ઉચ્છલના સુનિલ ગામીતને નોટિસ આપીને નિવેદન માટે બોલાવ્યા હતા. ચારેય ડિરેક્ટરોએ તેમની પાસે ઓડિયો હોવાની વાત સ્વીકારી હતી.
1 હજાર કરોડના કથિત કૌભાંડ સંદર્ભે તપાસ કરાઈ હતી
સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયકે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વર્ષ 2021માં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસ કરવા માંગ કરી હતી. સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાંનો વર્તમાન ચેરમેન માનસિંગ પટેલે આક્ષેપ કર્યો હતો. આ કેસમાં સ્પેશિયલ ઓડિટર (મિલ્ક) મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચને તપાસ સોંપાતા તપાસ કરવામાં આવી હતી.
બહારથી દૂધ લાવવાનો પણ વિવાદ થયો હતો
સુરત અને તાપી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓ મહારાષ્ટ્રથી દૂધ લાવી સુમુલ ડેરીમાં ભરાવતાં હોવાનો વિવાદ થયો હતો. આ વિવાદ મુદ્દે વાઈસ ચેરમેન રાજુ પાઠકે MD પર હાથ ઉગામ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે રાજુ પાઠક વિરૂદ્ધ સચિવને ફરિયાદ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી દૂધ લાવતી દૂધ મંડળીઓને સુમુલ ડેરીએ રૂપિયા 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. દંડ માફ કરી દેવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા રાજુ પાઠકની હરકતથી ડિરેક્ટરો ડઘાઈ ગયા હતા.
બહારથી દૂધ લાવવાનો મામલો શું હતો?
સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 દૂધ મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં ભરાવતી હોવાનું રેકેટ રંગેહાથ ઝડપાયું હતું. અન્ય જિલ્લા કે રાજ્યમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરી સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં નોંધાયેલી મંડળીઓ અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડું દૂધ સુમુલ ડેરીને પધરાવતી હતી.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.