ભાજપના ધારાસભ્યે રાજ્ય સરકારની દબાણ હટાવ ઝુંબેશની પોલ ખોલતાં ખળભળાટ
દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ગરીબ માણસોને પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ

કચ્છના અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર

કચ્છના અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર
રાજ્ય સરકારે દબાણ હટાવ ઝુંબેશ દ્વારા પોતાની વાહવાહી શરૂ કરી છે. પરંતુ, સરકારની વાહવાહીની ભાજપના જ ધારાસભ્યે પોલ ખોલી નાખી છે. અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રભારી મંત્રીને પત્ર લખીને માત્ર ગરીબ માણસોને પરેશાન કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ ચલાવાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અધિકારીઓ ગરીબ માણસોને હેરાન કરતાં હોવાનો ઉલ્લેખ કરી તેમના મત વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ મુલતવી રાખવા ધારાસભ્યએ માગ કરી છે. જ્યારે બિલ્ડરો અને ભૂમાફિયાઓએ પચાવી પાડેલી જમીનોને પહેલાં ખુલ્લી કરાવવાની માગ કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
બેટ દ્વારકા, સોમનાથથી લઈને અમદાવાદના ચંડોળા તળાવમા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. દબાણ હટાવ ઝુંબેશ સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને દબાણ હટાવ ઝુંબેશ સામે સવાલ ઉઠાવતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં તેમણે અધિકારીઓ ધારાસભ્યની રજૂઆત પણ સંભાળતા નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં અધિકારી રાજ ચાલતું હોવાથી નાના માણસોના દબાણો દૂર ન કરી દબાણ હટાવ ઝુંબેશ મુલતવી રાખવા માગ કરી છે.
ધારાસભ્યએ ઉમેર્યુ કે, મોટા શહેરોમાં કિંમતી જમીન ઉપર દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવે તે યોગ્ય છે. પરંતુ, અબડાસા વિધાનસભા વિસ્તારમાં નાના માણસોના દબાણો દૂર કરવાની બાબત મોટા શહેરો કરતાં અલગ બાબત છે. અબડાસા સરહદી વિસ્તાર હોવાથી નાના લોકોના દબાણ તોડવામાં આવશે તો લોકો પલાયન કરશે અને બોર્ડર ખાલી થઈ જશે.
રાજ્ય સરકારની નીતિઓ બાબતે સવાલ ઉઠાવતાં તેમણે જણાવ્યુ કે, ગુનેગારોનું દબાણ હટાવવું તે યોગ્ય છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેસ થયો હોય અને હાલમાં કોઈ કેસ બાકી ન હોવાથી સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવી માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી.
ખનીજ ચોરી અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી અંગે સરકારની બેવડી નીતિની પોલ ખોલતા જાડેજાએ કહ્યુ છે કે, મોટા ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી ખનીજ ચોરી બંધ કરાવવા વારંવાર રજૂઆતો કરી છે. તે બંધ કરાવવા અને મોટા બિલ્ડરો અને ભૂમાફીયાઓએ બિલ્ડિંગો બનાવી દબાણ કર્યા છે તે જમીન ખુલ્લી કરાવવી જરૂરી છે. વન વિભાગની જમીનમાં મોટા ઉદ્યોગો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યા છે. સરકારી જમીનો ઉપર દબાણ કરી પાસ કરાવીને વેચાણ કરતાં હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
જાડેજાએ પત્રમાં લખ્યુ છે કે, ખોટી રીતે નોટીસો આપીને લોકોને માનસિક ત્રાસ ન આપવા અને જ્યારે વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું. કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા નાના માણસોને કનડગત કરે છે. નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય અને અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે. અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં મંજૂર થયેલા વિકાસ કામો અંગે મીટીંગો થઇ ચૂકી હોવા છતાં પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે તે બાબતે મારી સખત નારાજગી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!