વલસાડમાં વહીવટીતંત્ર સામે ભાજપના નેતાઓએ બાયો ચઢાવી
કલેક્ટર અને સાંસદે આપેલી સૂચના બાદ ખાડા રિપેર નહી થતાં ભાજપના નેતાઓનું આંદોલન

જિલ્લા પંચાયત પ્રમુખ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખે રસ્તા ઉપર ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ

જિલ્લા પંચાયત પ્રમુખ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખે રસ્તા ઉપર ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ
વલસાડ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટીને 10 દિવસમાં ખાડા રિપેર કરવાની આપેલી સૂચનાનું સૂરસૂરીયું થઈ ગયુ છે. કલેક્ટરની સૂચના આપ્યાને 20 દિવસ કરતાં વધુ સમય થવા છતાં ખાડા રિપેર કરાયા નથી. ભાજપ સાંસદે પણ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી હતી. તેમ છતાં ખાડા રિપેર નહીં થતાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખે હાઈવે ઉપર ખાડાઓમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેના કારણે કલેક્ટરે આપેલી ખાડાઓ પૂરવાની સૂચનાની પોલ ઉઘાડી પડી હતી. ભાજપના સાંસદ અને ભાજપની સરકાર સામે ભાજપના નેતાઓએ બાયો ચઢાવતાં વલસાડ પંથકમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં નાગરિકો સોશિયલ મીડિયામાં ખાડાઓની જગ્યાએ રસ્તો ક્યાં છે તે શોધવાનું જણાવી સાંસદ, ધારાસભ્યો અને નેતાઓની ઠેકડી ઉડાવી રહ્યા છે. તેવા સમયે ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલને કપરાડા જતાં સમયે રસ્તામાં ખાડાઓના કારણે પસાર થવામાં તકલીફ પડી હતી.
હાઈવે ઉપર ખાડાઓથી ત્રસ્ત બનેલાં ભાજપ શાસિત કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને ભાજપી કાર્યકરોએ પણ રોષ ઠાલવ્યો હતો. મનહર પટેલે હાઇવે ઓથોરિટીના મહિલા ઓએસને ફોન કર્યો હતો. સામેથી ઉડાઉ જવાબ મળતાં તેમનો પિત્તો ગયો હતો અને હાજર કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ભાજપ કાર્યકરો સાથે નેશનલ હાઇવે નંબર 848 પર ખાડાઓ વચ્ચે બેસી વિરોધ કર્યો હતો. ખાડાઓ રિપેર નહી થાય ત્યાં સુધી આંદોલન કરવાની બંને નેતાએ ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ કલેક્ટર ભવ્ય વર્માએ 20 દિવસ અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીને નોટિસ આપી 10 દિવસમાં તમામ ખાડાઓ રિપેર કરવાની સૂચના આપી હતી. 10નાં બમણાં દિવસો થવા છતાં રસ્તાઓની હાલત પહેલાં કરતાં વધારે બદતર થઇ ગઈ છે. ભાજપનાં જિ.પં.ના પ્રમુખ અને કપરાડા તા.પં.ના પ્રમુખે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી તેમના પક્ષની ભાજપ સરકાર સામે ખાડાઓ વચ્ચે બેસીને વિરોધ કરતાં ભાજપ સરકારની પોલ ઉઘાડી પડી છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે, સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાડાઓ પૂરી રસ્તાઓ વ્યવસ્થિત કરવાં સૂચનાઓ આપી હતી તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી.
કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન પી મહાલાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં હાલત ખરાબ થઇ છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં મરામત થઈ નથી. ઘણાં અકસ્માતો થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોના જાન જઈ રહ્યા છે. તેમ છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીને ફોન કરીએ તો તેઓ ફોન ઉચકતા નથી.
આ પણ વાંચોઃ
ભાવનગર ભાજપમાં ભડકોઃ મેયરની આત્મવિલોપનની ચીમકી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?