ભાજપ નેતા જવાહર ચાવડાનો બીજો લેટર બોમ્બઃ જૂનાગઢ ભાજપ કાર્યાલયનું ગેરકાયદે બાંધકામ
વર્ષ 2017માં કલેક્ટરને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહી

Illegal construction of Junagadh BJP office

Illegal construction of Junagadh BJP office
ગાંધીનગર: પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડ્યો છે. જૂનાગઢની ખામધ્રોળ ચોકડી પર ગેરકાયદે જિલ્લા ભાજપ કાર્યાલયનું બાંધકામ કરાયુ હોવાનો ધડાકો કર્યો છે. વર્ષ 2017માં તત્કાલીન કલેક્ટરને પત્ર લખીને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે મોરચો શરૂ કરી જવાહર ચાવડાએ પહેલાં પત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરી બીજા પત્રમાં જિલ્લા ભાજપ કાર્યાલયના અનઅધિકૃત બાંધકામનો મુદ્દો ઉઠાવતાં ભાજપની આંતરિક હૂંસાતૂંસી બહાર આવી છે. આ ઉપરાંત વર્ષ 2019માં માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદ્દેદારો અંગે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહી કરીને શિરપાવ આપવામાં આવી રહ્યો હોવાનો પત્ર જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે.
જવાહર ચાવડાએ બે દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કરતો વડાપ્રધાનને લખેલો પત્ર જાહેર કરી ચર્ચા જગાવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખે વોકળા પર દબાણ કરી ક્રિષ્ના આર્કેડનું ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલો હજુ શાંત થયો નથી તેવામાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાનો બીજો લેટર બોમ્બ ફોડ્યો છે.
જવાહર ચાવડાએ 2017માં કલેકટરને લખેલો પત્ર જાહેર કર્યો છે. જૂનાગઢની ખામધ્રોળ ચોકડી પર શરતભંગ થયેલી જમીન પર મંજૂરી મેળવ્યા વગર દીનદયાળ ભવન નામે ભાજપ કાર્યાલયનું ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની કલેક્ટરને જાણ કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી, મંત્રી કે અન્ય કોઇ મહાનુભાવ દ્વારા ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં ન આવે તે માટે કલેક્ટરને અવગત કરી તકેદારી રાખવા વિનંતી કરી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યુ હતુ
જૂનાગઢ જિલ્લા ભાજપના ગેરકાયદે બિલ્ડીંગનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 ઓગષ્ટ 2017ના રોજ કર્યુ હતુ. ખામધ્રોળ ચોકડી પર બનેલા જિલ્લા ભાજપ કાર્યાલયના બિલ્ડીંગનું બાંધકામ નિયમોને નેવે મૂકી અનઅધિકૃત રીતે કર્યુ હોવાના સનસનીખેજ આક્ષેપ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કર્યા છે. જવાહર ચાવડાના પત્રથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ મંત્રીએ ઉદ્ઘાટન પહેલા લખેલા પત્રમાં તત્કાલીન કલેક્ટરનું ધ્યાન દોરવા છતાં મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યુ હતુ.
ભાજપ કાર્યાલયના ગેરકાયદે બાંધકામના મુદ્દા જાહેર કર્યા
જવાહર ચાવડાએ ભાજપ કાર્યાલયના બાંધકામમાં થયેલા શરતભંગ અંગે કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ 9 જેટલા મુદ્દા રજૂ કરીને જાણ કરી હોવા છતાં આજદિન સુધી કાર્યવાહી કરાઈ નથી. કલેક્ટરને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યુ છે કે,
1. માત્ર રહેણાંકના ઉપયોગ માટે બિનખેતી થઇ હોવા છતાં મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરી ભાજપ કાર્યાલય ઉભું કરી દીધું.
2. લે-આઉટ મુજબ પ્લોટની બાકીની જગ્યા ખુલ્લી મૂક્યા બાદ બાંધકામ કરવાનું હોય છે. તેને બદલે માર્જીન મૂકવામાં આવ્યું નથી.
3. બિનખેતીના પરવાનગી હુકમ મુજબ 6 માસમાં બાંધકામ મંજૂરી મેળવી 3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું હોય છે. પરંતુ સમય મર્યાદા વીતી ગયા બાદ બાંધકામ કર્યું છે.
4. બાંધકામ શરૂ કરતા પહેલા તલાટી મારફત મામલતદારને 1 માસમાં જાણ કરવાની હોય છે. પરંતુ જાણ નહી કરીને શરતભંગ કર્યો હતો.
5. મહાનગરપાલિકાની મંજૂરી વિના બાંધકામ કરી શકાય નહિ. તેમ છતાં મંજૂરી મેળવ્યા વિના નિયમ વિરૂદ્ધ બાંધકામ કરાયું હોવાથી બિનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.
6. ખુલ્લી જગ્યામાં 500 વૃક્ષ વાવવાની જોગવાઈનું પાલન કરવામાં આવ્યુ નથી. આવા એકપણનું વૃક્ષારોપણ કરાયુ હોવાનો શરત ભંગ થતા બિનખેતીની મંજૂરી રદ થવી જોઇએ.
7. બિનખેતીની શરતો મુજબ બાંધકામ ન કરવાની શરતોની જોગવાઈનો ભંગ કરી બાંધકામ મંજૂરી મેળવી નહી હોવાથી બિનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.
8. વરસાદી પાણીના ભૂગર્ભ વહન માટે પરકોલેટીવ બોરવેલની વ્યવસ્થા કરવાની જોગવાઈનો શરત ભંગ કર્યો હોવાથી બિનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.
9. રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી હોવાથી હાઇ-વેની મધ્યરેખાથી 24 મીટર બાંધકામ રેખા મૂકી પ્લાન મંજૂર કરાવવાની જોગવાઈ છે. પરંતુ 24 મીટર બાદ બાંધકામ કરાયું નથી.
પક્ષવિરોધી પ્રવૃત્તિ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખને લખેલો પત્ર પણ જાહેર કર્યો
કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2019માં માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ જવાહર ચાવડાએ માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ભાજપના હોદ્દેદારો અંગે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે માણાવદર અને વંથલી તાલુકાના ભાજપના આગેવાનો સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે રજૂઆત કરી હતી. જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કરતો પત્ર જાહેર કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલયના ગેરકાયદે બાંધકામનો લેટર બોમ્બ ફોડ્યો છે. તેવામાં ભાજપના હોદ્દેદારોની પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે પ્રદેશ પ્રમુખને લખેલો પત્ર જાહેર કરતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ક્યાં આગેવાનોની પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે રજૂઆત કરી હતી?
વંથલી તાલુકાના ભાજપના આગેવાન દિનેશ ખટારિયા
વંથલી તાલુકાના ભાજપના આગેવાન ટીનુ ફડદુ
જૂનાગઢ શહેર ભાજપ અગ્રણી નિલેશ ધુલેસિયા
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ
વર્ષ 2017ની માણાવદર વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ
જવાહર ચાવડાએ વર્ષ 2017માં માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તે સમયે હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, પૂર્વ મંત્રી રતિ સુરેજા, પૂર્વ સંસદિય સચિવ એલ.ટી.રાજાણી અને વંથલીના આગેવાન દિનેશ ખટારિયાએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. તે સમયના ભાજપના ઉમેદવાર નીતિન (ટીનુ) ફળદુએ ફરિયાદ પણ કરી હોવાનો જવાહર ચાવડાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2017 અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવા છતાં અને તેમના વિરૂદ્ધ રજૂઆતો કરી હોવા છતાં તેવા ભાજપના આગેવાનો આજે હોદ્દા ભોગવી રહ્યા હોવાનો જવાહર ચાવડાએ આક્ષેપ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?