બિટકોઈન કેસ: ભાજપના પૂર્વ MLA નલિન કોટડીયા દોષિત
અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ, તત્કાલિન LCB PI અનંત પટેલ સહિત 14 આરોપી દોષિત
બિટકોઈન કેસમાં ધારાસભ્ય નલિન કોટડિયાની "ફિક્સર" તરીકે ભૂમિકા હોવાનો આરોપ મૂકાયો હતો
બિટકોઈન કેસમાં ધારાસભ્ય નલિન કોટડિયાની "ફિક્સર" તરીકે ભૂમિકા હોવાનો આરોપ મૂકાયો હતો
વર્ષ 2018ના બીટકોઈન કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ, તત્કાલિન LCB PI અનંત પટેલ સહિત 14 આરોપીઓ કસુરવાર ઠર્યા છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને બિટકોઈનની ખંડણીના કેસમાં ચુકાદો આવ્યો છે. ચુકાદાથી ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત 14 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. અમરેલી ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ અનંત પટેલની ટીમે અપહરણ કર્યું હતું. અપહરણકારોએ ગાંધીનગર નજીક લઈ જઈને તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી.
સુરતમાં બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યાનો આરોપ હતો. ત્યારબાદ એક દિવસ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદની વિગતો મુજબ અપહરણકારો શૈલેષ ભટ્ટને એક ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. તત્કાલિન અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર આરોપ લાગ્યો હતો. જેમણે ધમકાવીને રૂપિયા 12 કરોડના બિટકોઈન તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત અનંત પટેલે 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂપિયા 32 કરોડ મંગાવવાનું કહેતા શૈલેષ ભટ્ટને છોડી મૂકવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે સમગ્ર ઘટના મામલે ગૃહ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી.
અમરેલીના તત્કાલિન LCB પીઆઈ અનંત પટેલ સહિતની ટીમે સરકારી વાહનોનો ઉપયોગ કરી શૈલષ ભટ્ટનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની પાસે ખંડણી માંગી હતી. આ દરમિયાન સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સમયાંતરે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નલિન કોટડિયાની ભૂમિકા શું હતી?
આ કેસમાં નલિન કોટડિયાની ભૂમિકા "ફિક્સર" તરીકેની હોવાનો આરોપ મૂકાયો હતો. તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી ધરપકડથી બચવા ફરાર થઈ ગયા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ હતું. ત્યારબાદ તેઓને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. કોર્ટમાં તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. મે 2019માં ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા હતા.
15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, તત્કાલિન અમરેલી એસપી જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, CBI ઈન્સ્પેક્ટર સુનિલ નાયર, કિરીટ પાલડીયા, વકીલ કેતન પટેલ તેમજ પોલીસ કર્મચારીઓ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં હતી. આ કેસ અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલી ACB ની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી.
બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે શું આરોપ હતો?
શૈલેષ ભટ્ટ ઉપર આરોપ હતો કે, તેમણે 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરી 2021 બીટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. બીટ કનેક્ટ કંપનીમાં અંદાજે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા શૈલેષ ભટ્ટે પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા.
શૈલેષ ભટ્ટે અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમનું અપહરણ કરી તેમની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBI ના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર વિરુદ્ધ કરી હતી. સુનિલ નાયરે શૈલેષ ભટ્ટને ED અને આયકર વિભાગની બીક બતાવીને 10 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જેની ડીલ પાંચ કરોડમાં નક્કી કરવામાં આવ્યા બાદ 4.60 કરોડ ચુકવવામાં આવ્યા હતા.
આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત 14 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.