Bachu Khabad Fire Fighter Bungalow Cleaning: ગુજરાત સરકારના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને દેવગઢબારિયાના સ્થાનિક ધારાસભ્ય બચુ ખાબડ ફરી એકવાર ભારે રાજકીય વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. ઈમરજન્સી સેવાઓ માટે ફાળવવામાં આવેલા દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર ફાઈટરનો ઉપયોગ વીઆઈપી નેતાજીના ખાનગી બંગલાની સફાઈ માટે કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જનતાના ટેક્સના નાણાંથી ચાલતી સકારી ગાડી અને હજારો લીટર પાણી વડે પૂર્વ મંત્રીના નિવાસસ્થાનને ચમકાવવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પ્રદેશમાં વિરોધનો સૂર ઊઠ્યો છે.
ધારાસભ્યના ફોન પર રવાના કરાયું ફાયર ફાઈટર
મળતી વિગતો અનુસાર, ધારાસભ્ય બચુભાઈ ખાબડે પોતે જ નગરપાલિકામાં ઈમરજન્સી કોલ કરીને ફાયર ફાઈટરની ટીમ બોલાવી હતી. સ્થાનિક ધારાસભ્યનો સીધો ફોન હોવાના કારણે પાલિકાના તંત્રે કોઈપણ પ્રાથમિક તપાસ કે ખરાઈ કર્યા વિના તાત્કાલિક ગાડી તેમના બંગલે રવાના કરી દીધી હતી. ત્યાં પહોંચીને ફાયર ટીમે નેતાજીના ઘરની સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. આ બાબત સ્થાનિક રહીશો અને મીડિયાના ધ્યાને આવતાં રાજકીય વર્તુળોમાં તીવ્ર આક્રોશ ફેલાયો હતો.
પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સ્પષ્ટતા
આ વિવાદ અંગે દેવગઢબારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ફાયર વિભાગમાં ઈમરજન્સી કોલ આવે ત્યારે તાત્કાલિક ગાડી મોકલવામાં આવે છે. ધારાસભ્યનો ફોન હોવાથી કર્મચારીઓએ વધુ પૂછપરછ કરી નહોતી, પરંતુ બંગલામાં સરકારી પાણીના છંટકાવનો મામલો પ્રકાશમાં આવતાં જ કામગીરી તરત જ અટકાવી દેવામાં આવી હતી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, બંગલો ધોવા માટે વાહન બોલાવવામાં આવ્યું હોવાની તેમને પૂર્વ જાણ નહોતી. મામલાની ગંભીરતા જોઈને વાહન પરત બોલાવી લેવાયું હતું અને સરકારી વાહનના ગેરઉપયોગ બદલ પૂર્વ મંત્રી પાસેથી રૂ. 2,750 નો દંડ વસૂલવામાં આવ્યો છે.
મનરેગા યોજનાના કૌભાંડમાં પુત્રોની ધરપકડથી ઘેરાયેલું ખાબડ પરિવાર
બચુ ખાબડ અને તેમનો પરિવાર અગાઉ પણ ગંભીર વિવાદોમાં સપડાયેલો છે. ગત વર્ષે દાહોદ જિલ્લામાં મનરેગા (MGNREGA) યોજના હેઠળ સરકારી ગ્રાન્ટમાં આશરે રૂ. 71 કરોડની કથિત ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ હાઇપ્રોફાઇલ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન મોટા રાજકીય આકાઓની સંડોવણી ખુલ્લી પડી હતી, જેમાં પોલીસે કાર્યવાહી કરીને બચુ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની પણ ધરપકડ કરી હતી.
મામૂલી દંડની રકમ સામે પ્રજામાં વિરોધ
મનરેગા કૌભાંડના વિવાદો હજુ શમ્યા નહોતા ત્યાં જ હવે સરકારી ફાયર ફાઈટર અને હજારો લીટર સરકારી પાણીના વ્યયનો નવો મામલો સામે આવતાં બચુ ખાબડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હજારો લીટર પાણીના બેફામ વેડફાટ અને સત્તાના કથિત દુરુપયોગ સામે નગરપાલિકા દ્વારા માત્ર રૂ. 2,750 નો મામૂલી દંડ વસૂલવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષો અને નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય નાગરિકો માટેના સરકારી સાધનોનો આ રીતે ખાનગી ઉપયોગ કરનારા લોકપ્રતિનિધિઓ સામે કડક કાનૂની કાર્યવાહી ક્યારે થશે?