વહીવટીતંત્ર સામે વધુ એક BJP MLAના ગંભીર આક્ષેપ!
સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાની મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિત ફરિયાદ

અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકતોના અભિપ્રાય વગરના હુકમો રદ કરવા માંગ

અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકતોના અભિપ્રાય વગરના હુકમો રદ કરવા માંગ
ગુજરાતમાં કેટલાક સમયથી અધિકારીઓના મનસ્વી વલણ સામે ભાજપના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણી બાદ સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારાના અમલ મુદ્દે અધિકારીઓની કાર્ય પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિને લેખિત ફરિયાદ કરી તબદિલ થયેલી મિલકતોની ફાઈલો રિઓપન કરી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા માંગ કરી છે.
આ ફરિયાદમાં તેમણે અશાંતધારાના નિયમોનો ઉલાળીયો કરી, વિધર્મીઓને હકારાત્મક રિપોર્ટ આપવા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિધર્મીઓએ ખરીદ કરેલી મિલકતોના અભિપ્રાય વગરના હુકમો રદ કરી નવી ગાઈડલાઈન અને SOP બનાવવા રજૂઆત કરી છે.
સુરતમાં ભાજપના વધુ એક ધારાસભ્યએ સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અશાંતધારાના અમલ મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિને ફરિયાદ કરી છે.
સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિને કરેલી ફરિયાદમાં સ્થાનિક પોલીસ, મામલતદાર અને પ્રાંત અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ હિન્દુઓ પાસેથી ખરીદ કરેલી મિલકતો અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી નવી ગાઈડલાઈન અને SOP બનાવવા માંગ કરી છે.
અરવિંદ રાણાએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ છે કે, મારો વિધાનસભા વિસ્તાર 100 ટકા અશાંતધારામાં આવી જાય છે. જેમાં પોલીસ અને મામલતદાર તંત્ર સ્થાનિક લોકોની જાણ બહાર હકારાત્મક અભિપ્રાય આપી તેમજ પ્રાંત અધિકારી કાયદાના મૂળભૂત હેતુનો છેદ ઉડાડી, ભ્રષ્ટાચાર આચરી એકતરફી મંજૂરી આપી રહ્યા છે. જેના કારણે 80 થી 90 ટકા હિન્દુ વસતી ધરાવતા વિસ્તારોમાંથી હિન્દુઓ સસ્તામાં મિલકત વેચીને હિજરત કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, અશાંતધારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહી જળવાતા તેમજ કાયદા દ્વારા નાગરિકોને રક્ષણ આપવાના બદલે મહેસૂલ વિભાગ દ્વારા સ્થાનિક લોકોના અભિપ્રાય વગર આડેધડ રીતે એકતરફી મંજૂરી આપવાના કારણે હિન્દુ વસતી હિજરત કરવા મજબૂર બની છે. અશાંતધારાના કાયદાની આડમાં ખોટી રીતે મંજૂરી મળવાથી ચોક્કસ સમુદાયની વ્યક્તિઓનું તે વિસ્તારમાં ધ્રુવીકરણ થાય છે. હિન્દુ કે મુસ્લિમ પરિવારો લઘુમતીમાં આવી જતાં કોમી એખલાસનું વાતાવરણ જળવાતું નથી. તેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર વિપરિત અસરો થવા પામી છે.
રાણાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, પોલીસ તંત્ર દ્વારા સ્થળ વિઝિટ કરીને અભિપ્રાય આપ્યા બાદ મહેસૂલી અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ તપાસ થતી નથી. મિલકતની આજુબાજુ કે સામે રહેનારા લોકોને અંધારામાં રાખી ભ્રષ્ટાચાર આચરીને મિલકતોની તબદિલીને મંજૂરી આપી દેવામાં આવે છે.
સીટી પ્રાંત અધિકારીની માહિતી મુજબ 4 જૂન 2024 થી 5 જુલાઈ 2025 ના સુધીમાં હિન્દુ ટુ મુસ્લિમ અને મુસ્લિમ ટુ હિન્દુ તેમ વિધર્મી મિલકતોની તબદિલીમાં 423 મિલકતોમાંથી 311 મિલકતોની તબદિલીને મંજૂરી આપવામાં આવી છે. જે પોલીસ તંત્રના નેગેટિવ અભિપ્રાય હોવા છતાં એકતરફી મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યુ કે. અશાંતધારા વિસ્તારમાં આડેધડ મંજૂરીઓના કારણે સેન્ટ્રલ ઝોનમાં વસતીનું ધ્રુવીકરણ થયું છે. હિન્દુ વસતી ઘરબાર છોડીને હિજરત કરતાં સૈયદપુરા વિસ્તારમાં 80 ટકા હિન્દુ વસતી હતી. તેની જગ્યાએ હાલમાં 80 ટકા વસતી મુસ્લિમોની થઈ ગઈ છે. જેના કારણે મુસ્લિમોના કાર્યક્રમો દરમિયાન થોડા ઘણા રહેલાં હિન્દુ પરિવારો ભયભીત થઈ રહ્યા છે.
આ સમગ્ર બાબતોને ધ્યાને લઈ વર્ષ 2022 થી 2025 સુધીની હિન્દુ પરિવારોની મિલકતો તબદિલી થયાના કિસ્સામાં સ્થાનિક લોકોના અભિપ્રાય વગરના હુકમો તમામ હુકમો રદ કરવામાં આવે. આ ઉપરાંત હિન્દુ ટુ મુસ્લિમ તબદિલ થયેલી તમામ મિલકતોની ફાઈલો રિઓપન કરી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?