અમૂલ ચૂંટણીઃ મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારીથી BJPમાં ડખો
ઉમરેઠના BJP MLA ગોવિંદ પરમારે મેન્ટેડ નહી મળે તો અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી
આણંદ બ્લોકમાં સાંસદના ખાસ માણસ ભરત પટેલે મેન્ડેટ વગર ઉમેદવારી પત્ર ભર્યુ
આણંદ બ્લોકમાં સાંસદના ખાસ માણસ ભરત પટેલે મેન્ડેટ વગર ઉમેદવારી પત્ર ભર્યુ
આણંદ-ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થયો. અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ બ્લોકમાં સાંસદના સમર્થક ગણાતા ભરત પટેલે ઉમેદવારી કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે. જ્યારે ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પણ મેન્ડેટ નહી મળે તો પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં ભાજપના સહકારી આગેવાનો આમને સામને આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવાર સુધીમાં ભાજપના 4 ઉમેદવારો સહિત 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-આણંદ(અમૂલ ડેરી) ના નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણી અંતર્ગત 10 સપ્ટેમ્બરે મતદાન થશે. 20 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં મંગળવાર સુધીમાં 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 28 ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે.
ભાજપે અત્યાર સુધી 4 બેઠકો માટે મેન્ડેટ આપ્યો
ભાજપે 12 બેઠકો પૈકી 4 બેઠકો માટે મેન્ડેટ જાહેર કર્યા છે. જેમાં ઠાસરા બેઠક માટે પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધુ પ્રિયા કૃણાલસિંહ પરમાર, બાલાસિનોર બેઠક માટે રાજેશ ગજાનંદ પાઠક, નડિયાદ બેઠક માટે વર્તમાન ચેરમેન વિપુલ કાંતિભાઈ પટેલ અને વિરપુર બેઠક માટે સાભેસિંહ મોંઘાભાઈ પરમારને મેન્ડેટ આપ્યા છે. જ્યારે 8 બેઠકો માટે હજુ પણ મેન્ડેટ જાહેર કરાયા નથી. આણંદ સહિતની 8 બેઠકો માટે ભાજપે મેન્ડેટ જાહેર નહી કરતાં ભાજપના આગેવાનો અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેના કારણે આણંદ અને ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે.
આણંદના સાંસદ મિતેષ પટેલની પરોક્ષ ઉમેદવારી
અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર ભાજપના સાંસદ મિતેષ પટેલના ખાસ માણસ ગણાતા ભરત પટેલે મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. ભરત પટેલની ઉમેદવારીએ આણંદ અને ખેડા જિલ્લામાં ખાસ્સી ચર્ચા જગાવી છે. આણંદ બેઠક ઉપર ભાજપ વર્તમાન વાઈસ ચેરમેન કાંતિ સોઢા પરમારને મેન્ડેટ આપે તેવી શક્યતા છે. તેવા સમયે ભરત પટેલે ઉમેદવારી કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.
ભરત પટેલે કાંતિ સોઢા પરમારને એક મતે હરાવ્યા હતા
ખેડા ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં ભરત પટેલ અને કાંતિ સોઢા પરમાર વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભરત પટેલે કાંતિ સોઢા પરમારને 1 મતે હરાવ્યા હતા. કાંતિ સોઢા પરમાર અમૂલ ડેરીના વાઈસ ચેરમેન છે. જ્યારે ભરત પટેલ સાંસદ મિતેષ પટેલના ખાસ માણસ ગણાય છે.
ભાજપના ધારાસભ્યની બળવો કરવાની ચીમકી
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર બળવાના મૂડમાં છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે કહ્યું છે કે, ભાજપ મેન્ડેટ નહી આપે તો તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી ભ્રષ્ટાચારને રોકવા ચૂંટણીમાં ઝંપલાવશે. અમૂલ ડેરીની ગત ચૂંટણીમાં ગોવિંદ પરમાર માત્ર બે મતે હારી ગયા હતા. આ વખતે તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે. અમૂલ ડેરીમાં ભાજપ કોંગ્રેસની નહીં પણ સહકારની ચૂંટણી હોવાનું કહી રહ્યા છે.
આણંદ બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના
આણંદ બેઠક પર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અને અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર બેમાંથી કોની પસંદગી કોની કરવી તે અંગે ભાજપમાં અવઢવ છે. સાંસદના ખાસ માણસ ભરત પટેલે ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપ કાંતિ સોઢા પરમારને મેન્ડેટ આપે તેવી શક્યતા છે. જ્યારે ગોવિંદ પરમારે મેન્ડેટ ન મળે તો પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં આણંદ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.
ભાજપ સામે વિપક્ષ પણ પેનલ ઉતારશે
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપની પેનલ સામે વિપક્ષ તરફથી પણ પેનલ ઉતારવામાં આવનાર છે. વિપક્ષની પેનલમાં નટવરસિંહ મહીડા, રાજેન્દ્રસિંહ પરમાર, કેસરીસિંહ સોલંકી સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વિપક્ષી ઉમેદવારો ભાજપને સત્તામાંથી બહાર કરવાનો દાવો કરી રહ્યા છે.
ક્ષત્રિય સમાજની અવગણનાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ ક્ષત્રિય સમાજની અવગણના કરી વર્ગ વિગ્રહનું રાજકારણ રમી રહ્યો હોવાનો પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે. બાલાસિનોર બેઠક ઉપર ભાજપના રાજેશ પાઠકના પુત્રની ઉમેદવારી મામલે શિસ્તભંગના પગલાં ન લેવા બાબતે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ભાજપ દ્વારા કપડવંજ અને નડિયાદ બેઠકમાં સમાજના નામે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજના ચેરમેનવાળી 11 મંડળીઓને ‘ક’ વર્ગમાં મૂકી દઈ ક્ષત્રિય સમાજની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી હોવાનો વીડિયોમાં આક્ષેપ કર્યો છે. છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 બ્લોક તેમજ એક વ્યક્તિગત વિભાગની ચૂંટણી અંતર્ગત 1210 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 112 મતદારો કપડવંજ બેઠકમાં અને સૌથી ઓછા 89 મતદારો પેટલાદ બેઠકમાં નોંધાયા છે. 13 મી બેઠક તરીકે વ્યક્તિગત સભાસદ વિભાગમાં 23 મતદારો નોંધાયા છે. પેટલાદ અને ઠાસરા બ્લોક મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. 28 ઓગસ્ટ ફોર્મ ભરી શકાશે. 29 ઓગસ્ટે ફોર્મ ચકાસણી કરાશે. 30 ઓગસ્ટે ફોર્મ પરત ખેંચી શકાશે. તે જ દિવસે હરીફ ઉમેદવારની આખરી યાદી જાહેર કરાશે. 10 સપ્ટેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 12 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મત ગણતરી યોજાશે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.