અમૂલ ડેરીઃ સિંહોલ દૂધ મંડળીના ઓડિટનો વિવાદ વકર્યો!
સિંહોલ દૂધ મંડળીમાં ગેરરીતિના ઓડિટ સમયે ચેરમેન અને સેક્રેટરી હાજર નહી રહેતાં તર્કવિતર્ક
પેટલાદ બ્લોકના ઉમેદવાર રશ્મિબેન જાદવના સગા છે સિંહોલ દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી
પેટલાદ બ્લોકના ઉમેદવાર રશ્મિબેન જાદવના સગા છે સિંહોલ દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી
અમૂલ ડેરીની ચૂંટણી અંતર્ગત 10 સપ્ટેમ્બરના રોજ મતદાન છે. ત્યારે પેટલાદ બ્લોકના ઉમેદવારના પતિ જે દૂધ મંડળીના ચેરમેન છે તે સિંહોલ દૂધ મંડળીમાં ઓડિટનો વિવાદ વકર્યો છે. સિંહોલના બે અરજદારોએ કરેલી ફરિયાદના અનુસંધાને ઓડિટ કરવા ગયેલી ટીમને સહકાર ન આપીને ચેરમેન તેમજ સેક્રેટરી ગેરહાજર રહેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પેટલાદ તાલુકાના સિંહોલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી અને કમિટીના સભ્યો સામે નાણાકીય ઉચાપત અને ગંભીર પ્રકારની વહીવટી ગેરરીતિ અંગે ગામના બે રહીશો દ્વારા મંડળીના સેક્રેટરી અને કમિટી સભ્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક, પેટલાદ ડીવાયએસપી અને જિલ્લા રજીસ્ટ્રાર તથા સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસને લેખિતમાં રજૂઆત કરી હતી.
સિંહોલ ગામના કનુભાઇ જાદવ અને સંજયભાઇ જાદવે સિંહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી અને કમિટી સભ્યો સામે ઉચાપત અને ગંભીર વહીવટી ગેરરીતિ અંગે આક્ષેપો કર્ચા છે. જેમાં મંડળીના સેક્રેટરીએ રૂપિયા 5 લાખની સિલકની ઉચાપત કરવા અંગે કમિટી સભ્યોની રૂબરૂમાં 21 જૂન 2025 ના રોજ નિવેદન આપ્યુ હતું. 10 દિવસમાં ખૂટતી સિલક જમા કરાવવાની બાંહેધરી આપી હોવા છતાં આજદિન સુધી સિલક જમા કરાવી નથી. મંડળીમાં 21 જૂન 2025ના રોજ થયેલા સુપરવિઝન દરમિયાન મંડળીમા દૂધની ઘટ અને દૂધની ગુણવત્તા બાબતે ખામી જણાઇ આવી હતી. આ બાબતે મંડળીના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.
કર્મચારીઓએ ચેરમેન અને સેક્રેટરીના સગા સંબંધી હોય તે સભાસદોના દૂધમાં ખામી નીકળી હતી. મંડળીમાં રઇબેન જાદવ, હેતલ જાદલ અને લીલાબેન જાદવના નામમાં સામેલ સ્ટેટમેન્ટ મુજબ એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન દૂધ ભરવામાં આવ્યું હતું તે પ્રમાણે દૂધ મંડળીમાં દૂધ આવ્યું નહોતું અને તપાસ કરતાં દૂધમાં પાણીનું મિશ્રણ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી સુપરવિઝન દરમિયાન દૂધમાં પાણીની ભેળસેળના લીધે મંડળીને સાડા પાંચ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. મંડળીના કર્મચારીઓએ કમિટીના સભ્યો અને અમૂલ ડેરીના સુપરવાઇઝરને રૂબરૂ લેખિતમાં આપતાં તમામ નાણાં પરત જમા કરવાની ખાતરી આપી હતી. જે પૈકી સાડા ત્રણ લાખ જમા કરાવ્યા હતા પરંતુ બાકીના બે લાખ મંડળીમાં જમા કરાવ્યા નથી.
સિંહોલ દૂધ મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલમાં મંડળીના 17 કમિટી સભ્યો છે. જેમાં ચેરમેન દિલીપ જાદવના પત્નિ રશ્મિબેન જાદવનું નામ ના હોવા છતાં અમૂલ ડેરીની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ સામેલ કરવાના હેતુથી અલગ વાર્ષિક અહેવાલ તૈયાર કરી તેમાં રશ્મિબેન જાદવનું કમિટી સભ્ય તરીકે નામ દર્શાવીને મતદાર યાદીમાં નામ દાખલ કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળીના કમિટી સભ્યોએ સભાસદો અને સરકારી અધિકારીઓ સમક્ષ ખોટી માહિતી રજૂ કરીને ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અરજદારોએ માંગ કરી છે.
આ ઉપરાંત મંડળીના કર્મચારીઓ ચેરમેન અને સેક્રેટરીના સગા હોય એક જ કુટુંબના વ્યક્તિઓ મંડળી પર ખોટો કબજો જમાવીને અંગત સ્વાર્થ સાધી રહ્યા હોવાની પર ફરિયાદ થઈ છે. દૂધમાં પાણી ભેળવવામાં બાબતે ચોંકાવનારી વિગત સામે આવી છે. ટેન્કરના કર્મચારીને એક લિટર દૂધ સામે રૂપિયા 10નું કમિશન આપવામાં આવતુ હોવાનું ટેન્કરના કર્મચારીએ અમૂલ ડેરીના સુપરવાઇઝર તથા વ્યવસ્થાપક કમિટીની રૂબરૂમાં કબુલાત કરી છે. દૂધ મંડળીમાં ઓડિટ દરમિયાન ખામીઓ જણાઇ આવી હોવા છતાં પૂરેપૂરા માર્કસ આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં સ્પેશિયલ ઓડિટર સમક્ષ રીઓડિટ કરવાની માંગણી કરવામાં આવી છે. જેથી નાણાકીય ઉચાપત અને ગંભીર પ્રકારની વહીવટી ગેરરીતિ કરનાર સામે કાયદાકીય પગલાં લેવા બાબતે અરજી કરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સિંહોલ દૂધ મંડળીમાં ચેરમેન-સેક્રેટરીના કારણે ઓડિટની કામગીરી અટકી
સિંહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂપિયા પાંચ લાખની ઉચાપત કરનાર સેક્રેટરી રમેશ જાદવ હવે ઓડિટની કામગીરીમાં સહકાર આપી રહ્યા નથી. બુધવારે સ્પેશિયલ ઓડિટરની કચેરીથી સિંહોલ દૂધ મંડળીમાં ઓડિટ માટે પહોંચેલા ઓડિટર અને સબ ઓડિટરને દિવસ દરમિયાન ગલ્લા તલ્લા કરીને સાંજ સુધી હાજર નહીં થનાર સેક્રેટરી રમેશ જાદવે સાંજના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. દિવસ દરમિયાન સેક્રેટરી રમેશ જાદવે ગલ્લા તલ્લા કરીને મંડળીમાં હાજર ના થતાં ઓડિટની કામગીરી થઇ શકી નહોતી.
બીજા દિવસે પણ ચેરમેન દિલીપ જાદવે ઓડિટરને દૂધ મંડળીમાંથી નીકળી જવાનું કહીને ઓડિટની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સેક્રેટરી પાંચ મિનિટમાં આવું છું કહીને મંડળીથી નીકળી ગયા હાજર થયા નહોતા. સિંહોલ દૂધ મંડળીમાંથી રશ્મિબેન જાદવ અમૂલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોવાથી ઓડિટની કામગીરીને અટકાવવા ધમપછાડા થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સિંહોલ દૂધ મંડળીના ચેરમેન દિલીપ જાદવ પેટલાદ બ્લોકના ઉમેદવાર રશ્મિબેન જાદવના પત્ની અને સેક્રેટરી રમેશ જાદવ તેમના કાકા હોવાનું જાણવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા