એટ્રોસિટી કેસો માટે તકેદારી અને મોનિટરીંગ કમિટીની નિયમિત બેઠક ન મળતી હોવાનો આક્ષેપ
વર્ષમાં ઓછામાં ઓછા બે વખત કમિટીની બેઠક મળવાની જોગવાઈનું ઉલ્લંઘનઃ અમિત ચાવડા

ઉત્સવો કરવા સમય મળે પણ કમિટીની બેઠક બોલાવવા મુખ્યમંત્રીને સમય નથીઃ અમિત ચાવડા

ઉત્સવો કરવા સમય મળે પણ કમિટીની બેઠક બોલાવવા મુખ્યમંત્રીને સમય નથીઃ અમિત ચાવડા
રાજ્યમાં ભાજપ સરકાર "સબકા સાથ, સબકા વિકાસ"ના સૂત્રો આપે છે પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોના રક્ષણ માટે રાજ્ય સરકારે બનાવેલી તકેદારી અને મોનિટરીંગ કમિટીની નિયમિત બેઠક ન મળતી હોવાનો વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. સરકારી કાર્યક્રમો અને ઉત્સવો કરવા સમય મળે છે પરંતુ, કમિટીના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીને બેઠક કરવાનો સમય નહી મળતો હોવાનો વિપક્ષના નેતાએ ગંભીર આક્ષેપ કર્યો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમિત ચાવડાએ એટ્રોસિટી એક્ટના અમલ માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ એટ્રોસિટી એક્ટના અમલવારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર "સબકા સાથ, સબકા વિકાસ"ના સૂત્રો આપે છે. પરંતુ, સાચા અર્થમાં સમાજના નબળા વર્ગો અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના પરિવારો વારંવાર હુમલા થાય અને તેમના અધિકારોનું હનન થાય છે. કાયદાકીય રક્ષણ ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે. રાજ્યમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે. કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ વિજીલન્સ અને મોનિટરીંગ કમિટી બનાવવામાં આવેલ છે. કાયદાની જોગવાઈ મુજબ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી હોય છે.
મુખ્યમંત્રી એટલા માટે હોય છે કે રાજ્યમાં આવી જે ફરિયાદો, બનાવો, પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરીંગ થાય. સર્વોચ્ચ કક્ષાએ એના માટે આદેશો થાય તે આ કમિટીનો મુખ્ય હેતુ છે. કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કમિટી બોલાવવી ફરજીયાત છે. પરંતુ, હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. નરેન્દ્ર મોદીની સરકાર વખતથી આ કમિટીની મિટીંગ નિયમિત મળતી નથી. સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહિ બોલાવવાના કારણે અમારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મિટીંગ બોલાવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે અમે પ્રશ્નોત્તરી કાળમાં પૂછ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કેટલી મીટીંગ બોલાવી? બે વર્ષમાં ફક્ત એક જ મિટીંગ બોલાવવામાં આવી છે અને એ મીટીંગ બોલાવ્યે પણ છ મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં બીજી મીટીંગ બોલાવવામાં આવી નથી. અમે જવાબ માંગ્યો કે એટ્રોસિટીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. અસ્પૃશ્યતા નિવારણ માટે સરકારે ડ્રાઈવ કરાવવી જોઈએ. જે પ્રાયોરિટીમાં હોવું જોઈએ એ લેવામાં નથી આવતું. ગુજરાતમાં ઘણાં બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડીજીપી પાસે લેખિત રજૂઆતો છે. અરજદારોએ પણ રજૂઆતો કરી હતી કે અમારી જાનને જોખમ છે. અમને પોલીસ પ્રોટેક્શન આપો. એમની અરજીને ધ્યાનમાં ન લેતાં અમે સરકારનું ધ્યાન દોર્યું હતુ. તેમ છતાં પણ કાર્યવાહી ન થઈ અને છ લોકોની હત્યાઓ થઇ હતી.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં 20 હજાર વીઘા કરતાં સાંથણીની જમીનો પર ગેરકાયદે કબજો છે. દલિત સમાજની જમીનોનો કબજો અપાવવા સરકારમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. ગુજરાતમાં સફાઈ કામદારોને કાયદાની વિરૂદ્ધ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે. તેમના મૃત્યુ થાય છે. પણ તેમના અધિકારો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
એટ્રોસિટીના કેસો વધતાં હોવા છતાં, નિવારણ માટેનો કાયદો હોવા છતાં, સ્ટેટ લેવલની વિજીલન્સ અને મોનીટરીંગ કમિટી બનાવી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીને કમિટીની મીટીંગ બોલાવવાનો સમય નથી. મુખ્યમંત્રીને હોળી-ધૂળેટી રમતા જોઈએ છીએ. ક્યાંક ક્રિકેટમાં બોલિંગ-બેટિંગ કરતા જોઈએ છીએ. પણ એસ.સી. અને એસ.ટી.સમાજના જે પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો, તેમના પર થતાં અત્યાચારો, અધિકારોના હનન મામલે મોનીટરીંગ કરવા કમિટી બોલાવવાનો સમય નથી.
વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો એટલે તાત્કાલિક મીટીંગ બોલાવવાની તજવીજ કરી. પણ અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે વર્ષમાં બે વખત ફરજીયાત મીટીંગ બોલાવવાની કાયદામાં જોગવાઈ છે. કોઈ સભ્ય આવે કે ના આવે મુખ્યમંત્રીએ મીટીંગ બોલાવીને કાર્યવાહી કરવાની હોય છે. તેમ છતાં કાયદાનો અમલ કરવામાં નથી આવતો. એસ.સી., એસ.ટી. સમાજના ન્યાય માટે સરકાર નિયમિત મિટીંગ બોલાવે અને ગુજરાતમાં એટ્રોસિટીના કેસો વધી રહ્યા છે તેને કાબૂમાં લેવાની અમે માગણી કરીએ છીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!