ગુજરાતમાં PAAS-1ની સફળતા બાદ હવે PAAS-2 રિલિઝ થશેઃ મોરબીમાં ઘડાશે રણનીતિ
પાટીદાર અનામત આંદોલન બાદ હવે મફત શિક્ષણ માટે ચળવળ શરૂ કરવામાં આવશે

અનામત આંદોલનના એપી સેન્ટર મહેસાણામાં જાહેરસભાથી આંદોલનની શરૂઆત કરાશે

અનામત આંદોલનના એપી સેન્ટર મહેસાણામાં જાહેરસભાથી આંદોલનની શરૂઆત કરાશે
ગુજરાતમાં વર્ષ 2015 થી 2017 સુધી અનામત આંદોલન ચલાવી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS-1) એ બિન અનામત વર્ગ માટે 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ કરાવી હતી. PAAS-1ની સફળતા બાદ 15 જૂન 2025ને રવિવારના રોજ મોરબીમાં બેઠક કરી PAAS-2 ટીમ જાહેર કરવામાં આવનાર છે. PAAS-2 કમિટી બનાવી મફત શિક્ષણ માટે ચળવળ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. PAAS-2 કમિટી જાહેર કરી તમામ સમાજને સાથે રાખી મફત શિક્ષણ માટે સમગ્ર રાજ્યમાં આંદોલન છેડશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS-1)ના કન્વીનરોએ નવી ચળવળ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2015 થી 2017 સુધી અનામત આંદોલન ચલાવીને બિન અનામત વર્ગ માટે 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ કરાવી મહદઅંશે સફળતા મેળવી હતી. મોરબીમાં આગામી 15 જૂનને રવિવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિએ સરકારી શિક્ષણ ચિંતન શિબિરનું આયોજન કર્યુ છે.
મહેસાણાના PAAS કન્વીનર સતીષ પટેલે બેનિફિટ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોરબીમાં યોજાનાર શિબિરમાં રાજ્યના તમામ જિલ્લામાંથી 300 થી વધુ કન્વીનરો ભાગ લેશે. જેમાં ગુજરાતની PAAS-2 ટીમ જાહેર કરવામાં આવશે. શિબિરમાં પ્લે હાઉસથી લઈને પીએચડી સુધી દરેક વિદ્યાર્થીને માળખાકીય અને ટેક્નોલોજીકલ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ મળે તે માટે શરૂ કરવામાં આવનાર આંદોલનનો મુખ્ય મુદ્દો રહેશે. 11 સભ્યોની કોર કમિટી બનાવી મફત શિક્ષણ માટેના આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિ જોડાઈ શકે છે. પરંતુ જ્યારે સરકાર અને સમાજની વાત આવે ત્યારે સમાજ સાથે રહેનાર વ્યક્તિને વધારે પસંદ કરાશે.
તેમણે ઉમેર્યુ કે, મોરબીમાં મફત શિક્ષણ અંગે મંથન કરી આંદોલન અંગે રણનીતિ ઘડવામાં આવશે. ગ્રામ પંચાયતો તેમજ કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ મહેસાણામાં જાહેર સભા યોજવામાં આવશે. જેમાં સર્વ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનની માફક મહેસાણાથી મફત શિક્ષણ માટે આંદોલનનો પ્રારંભ કરવામાં આવશે.
મહેસાણાના PAAS કન્વીનર સુરેશ પટેલ ઉર્ફે ઠાકરેએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યું કે, હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે. શિક્ષણ દિન-પ્રતિદિન મોંઘુ થઈ રહ્યું છે. સરકારી શાળાઓ વધવાના બદલે ઘટી રહી છે અને પ્રાઈવેટ શાળાઓ વધી રહી છે. પ્રાઈવેટ શાળાઓનું શિક્ષણ ઘણું મોંઘુ થઈ જતાં ગરીબ પરિવારનો બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમ નથી. જ્યારે રાજકારણીઓ પ્રાઈવેટ શાળાઓ શરૂ કરીને શિક્ષણને વેપાર બનાવી રહ્યા છે. મોરબીમાં મફત શિક્ષણ મુદ્દે મંથન કરીને આંદોલન અંગે રણનીતિ ઘડાશે.
PAAS કમિટીનો ભાજપ સરકારને થઈ ચુક્યો છે કડવો અનુભવ
ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનો કડવો અનુભવ ભાજપ સરકારને મળી ચુક્યો છે. પાટીદાર સમાજે વર્ષ 2015માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં તેમજ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં સરકાર સામે મતદાન કરતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ભાજપની બેઠકો ઘટીને 99 ઉપર આવી ગઈ હતી. તેની સ્થિતિમાં પાટીદાર સમાજ અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિને સાચવી લેવામાં રાજ્ય સરકારે ઘણા પ્રયાસ કર્યા છે અને તેમાં સફળતા મળી છે.
વર્ષ 2015માં થઈ હતી પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી સમયે મહેસાણાના સુરેશ પટેલ ઉર્ફ ઠાકરે અને ડો.પી.ડી.પટેલે પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાટીદાર સમાજના લોકોને જાગૃત કર્યા હતા. ત્યારબાદ સરદાર પટેલ ગૃપ(SPG)એ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતુ. એસપીજીની આગેવાની હેઠળ મહેસાણામાં 6 જુલાઈ 2015ના રોજ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ત્યારબાદ એસપીજીએ પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી હતી. તે સમયે જ્યારે 23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલય ઉપર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી. આ સમયે PAAS કન્વીનર તરીકે હાર્દિક પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ પાટીદાર યુવા નેતાઓ PAASમાં જોડાયા હતા. બાદમાં પાટીદાર અનામત આંદોલન ઉપર હાર્દિક પટેલે સંપૂર્ણ કબજો મેળવી લેતા હાર્દિક પટેલને એસપીજીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
પાટીદાર અનામત આંદોલનમાં 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી
પાટીદાર અનામત આંદોલન વખતે અલગ અલગ શહેરોમાં પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. મોટાભાગની ફરિયાદો રદ કરવામાં તેમજ પરત કરવામાં આવી છે. વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ દરમિયાન થયેલા આંદોલન વખતે હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત પણ થયા હતા. પાટીદાર અનામત આંદોલન પાછળ સૌથી પહેલા ભાજપના નેતાઓએ ટેકો આપ્યો હતો. પાટીદાર નેતાઓએ આંદોલનને વેગવંતુ બનાવવા પબ્લીક એકઠી કરવામાં મદદ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ પણ મદદ કરી હતી. આંદોલન દરમિયાન પાટીદાર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ સક્રિય રીતે ફાળો આપ્યો હતો. પાટીદાર અનામતમાં પાટીદાર અધિકારીઓએ પણ ટેકો આપી યુવા સંગઠનને ગાઇડ કરી અનામતની માંગ ઉગ્ર બનાવવા મદદ કરી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી થાળી-વેલણ વગાડી વિરોધ કરાયો હતો.
ભાજપ સરકારની પાટીદાર રાજનીતિ સામે શરણાગતિ
ગુજરાતમાં કડવા અને લેઉવા પાટીદારોની આશરે 15 ટકા વસતી છે. વર્ષ 2012માં 182 ધારાસભ્યોમાંથી 50 પાટીદાર ધારાસભ્યો હતા. જેમાંથી 36 ધારસભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયા અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં વધારો થયો હતો. વર્ષ 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો વિજયી બન્યા. જેમાંથી 11 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. વર્ષ 2022માં 182માંથી 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા છે. જ્યારે લોકસભાની 26 બેઠકોમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકોમાથી 3 સાંસદો પાટીદાર સમાજના છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર
વર્ષ 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર હતી. જેના કારણે કોંગ્રેસે અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કોંગ્રેસે 77 બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના નેતાઓ તરીકે ઉભરી આવ્યા અને બાદમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા હતા. ગુજરાતમાં પાટીદાર સમાજના સંગઠનના કારણે સત્તા ઉપર ભારે પકડ રહી છે. તેઓ ધારે ત્યારે સત્તા પરિવર્તન લાવી શકે છે. રાજ્યમાં 50 બેઠક ઉપર પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.