ABVPના કોષાધ્યક્ષ સામે ₹1.50 કરોડ માગવાનો આક્ષેપ!
ગુજરાત યુનવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાએ બે પ્રોફેસરોને ધમકી આપી નાણાં માગ્યાં
વિવાદ વકરતાં રાજીનામુ લઈ લેવાયું, રાજ્ય સરકાર દ્વારા શ્વેતલ સુતરીયાની કરાઈ હતી નિયુક્તિ
વિવાદ વકરતાં રાજીનામુ લઈ લેવાયું, રાજ્ય સરકાર દ્વારા શ્વેતલ સુતરીયાની કરાઈ હતી નિયુક્તિ
રાજ્યમાં બે વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓના વિવાદ બહાર આવી રહ્યાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલાં સિન્ડિકેટ સભ્ય અને ABVPના કોષાધ્યક્ષ શ્વેતલ સૂતરિયાનો વિવાદ વકર્યો છે. યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટરને ધમકી આપીને રૂપિયા 75 લાખ માગવાનો આક્ષેપ કરાયો છે. જો કે, યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં શ્વેતલ સુતરિયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
શ્વેતલ સૂતરિયાએ HRDCના ડાયરેક્ટરને જ નહીં, પરંતુ સરકારી ભરતી પરીક્ષા લેતા સેક્શન અધિકારીને પણ ધમકી આપીને રૂપિયા 75 લાખની માગણી કરી હોવાનો ઘટસ્ફોટ થતાં બે પ્રોફેસરો પાસેથી 1.50 કરોડની માગણી કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત તેની પત્નીને સરકારી ભરતીની પરીક્ષામાં પાસ કરાવવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપ અને RSSની ભગિની સંસ્થા ABVPમાં વર્ષોથી રહેલા અને ગુજરાત યુનિવર્સિટીના બીજી ટર્મના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થયેલા શ્વેતલ સૂતરિયાએ યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર જગદીશ જોશીને પોતાની ઓફિસ બોલાવીને રૂપિયા 75 લાખની માગણી કરી હતી. સરકારની ગ્રાન્ટમાંથી જે રકમ આવે છે તેમાંથી પૈસા આપવા પડશે તેવું કહ્યું હતું.
પૈસા ના આપે તો જગદીશ જોશી અને તેમના વિભાગ વિરુદ્ધ એક ફરિયાદ કરીને તપાસ કમિટી બનાવી જગદીશ જોશીને ઘર ભેગા કરવાની ધમકી આપી હતી. જગદીશ જોશીએ યુનિવર્સિટીના કુલપતિને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. તેથી કુલપતિએ તપાસ પણ કરાવી હતી. તપાસને અંતે લાંબો સમય વિવાદ થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો કે, મીડિયામાં મામલો સામે આવતાં શ્વેતલ સૂતરિયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
શ્વેતલ સુતરિયાએ યુનિવર્સિટીના સેક્શન ઓફિસર અને સ્પર્ધાત્મક સરકારી ભરતીની પરીક્ષાની કામગીરી સંભાળી રહેલા OSD ધર્મેન્દ્ર ચાવડા પાસે પણ રૂપિયા 75 લાખની માગણી કરી હતી. પરીક્ષામાં થતી આવકમાંથી 75 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તેમની સામે પણ ફરિયાદ કરવાની તેમજ તપાસ કમિટીમાં પોતે તથા અન્ય સિન્ડિકેટ સભ્યોને સાથે રાખીને ધર્મેન્દ્ર ચાવડાને ઘર ભેગા કરી દેવાની ધમકી આપી હતી.
શ્વેતલ સુતરિયાની પત્ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીની પરીક્ષા આપવા માટે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં ગયા હતાં. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા ધર્મેન્દ્ર ચાવડાની અધ્યક્ષતામાં લેવામાં આવી હતી. આ સમયે શ્વેતલ સૂતરિયા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયો હતો. પોતાની પત્નીને પાસ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેને પ્રયત્નોમાં સફળતા મળી ન હતી. ધર્મેન્દ્ર ચાવડા અને અન્ય લોકોએ મનાઈ કરતાં તે પરત ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ યુનિવર્સિટીને પુરાવા તરીકે આપવામાં આવ્યા છે.
ધર્મેન્દ્ર ચાવડા અને જગદીશ જોશીએ શ્વેતલ સૂતરિયાને 75-75 લાખ રૂપિયા ન આપતાં તેણે 31 ઓક્ટોબર 2024ના રોજ બંને વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી હતી. ખર્ચ તથા આવક અંગેનો વિગતવાર અહેવાલ માગી બંનેને ધમકી આપી હતી કે, આ ફરિયાદમાં તે તપાસ કમિટી બનાવશે. તેઓ તપાસ કમિટીના સભ્ય રહેશે તથા અન્ય લોકોને પણ સાથે રાખશે. અગાઉની જેમ સીએમઓ અને પીએમઓમાં ફરિયાદ કરી યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી ઘર ભેગા કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં MSWનો કોર્સ ચાલી રહ્યો હતો. આ કોર્સમાં વિવાદ થતાં યુનિવર્સિટી દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. કોર્સ બંધ કરવામાં આવ્યા બાદ તેની ભલામણથી તેઓ જે ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી છે એ ઇન્સ્ટિટયૂટમાં ખાનગી કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં ગુજરાત યુનિવર્સિટીએ 60 બેઠકની મંજૂરી આપી છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે કોર્સ ચાલી રહ્યો હતો તે હવે ખાનગી ઇન્સ્ટિટયૂટમાં ચાલી રહ્યો છે. એમાં એક વિદ્યાર્થી દીઠ 15 હજાર ફી પણ લેવામાં આવે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.