ભાજપના સાંસદના ગામના રસ્તા માટે AAPની પદયાત્રા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના માદરે વતન જૂનારાજ ગામના ડામર રોડ માટે કરી પદયાત્રા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકરો સાથે જૂનારાજથી જીતગઢ સુધી કરી પદયાત્રા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકરો સાથે જૂનારાજથી જીતગઢ સુધી કરી પદયાત્રા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂનારાજ ગામને જોડતા રસ્તાનું કામ વન વિભાગ દ્વારા બંધ કરાયુ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું માદરે વતન હોવા છતાં રોડનું કામ બંધ કરાતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. ડામર રોડનું કામ અટકાવી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જૂનારાજ ગામ સુધી પદયાત્રા યોજીને રોડનું કામ સત્વરે ચાલુ કરવા માગણી કરી હતી. 15 દિવસમાં ડામર રોડની કામગીરી નહી કરવામાં આવે તો 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા કેવડિયા પહોંચવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે.
ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જૂનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવવાની માંગ સાથે સોમવારે (6 ઓક્ટોબર) પદયાત્રા યોજી હતી. આઝાદીના 78 વર્ષ પછી પણ જૂનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલા ડામર રોડનું કામ વન વિભાગ દ્વારા અટકાવી દેવાતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જૂનારાજના રોડનું કામ શરૂ કરાવવા જૂનારાજ ગામથી પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં ગ્રામજનો, AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જૂનારાજ, ઉપલા જૂનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા, દેવહાત્રાને જોડતા રસ્તાની માગ સાથે પદયાત્રા કરી નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.
ચૈતર વસાવાએ જણાવ્યું કે, જીતગઢથી જૂનારાજને જોડતો 14 કિલોમીટર ડામર રોડ મંજૂર થયેલો છે અને તેના સ્ટ્રક્ચરની કામગીરી 12 માર્ચ, 2024ના રોજથી શરૂ કરવામાં આવી હતી. બાદમાં વન વિભાગ (કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક) દ્વારા 'ફોરેસ્ટ NOC-પરવાનગી નથી મળી'નું કારણ આપીને વાહનો જપ્ત કરી કામગીરી અટકાવી દીધી હતી.
ચૈતર વસાવાએ તંત્રના વલણ સામે સવાલ ઉઠાવી આક્ષેપ કર્યો કે, મનસુખ વસાવાએ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકાવતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપના સાંસદની વાત પણ તંત્ર સાંભળતું નથી. જ્યારે નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઇકો ટુરીઝમ જેવા પ્રોજેક્ટોમાં રાતોરાત મંજૂરી આપવામાં આવે છે. પરંતુ, લોકોની મૂળભૂત સુવિધાઓ માટેના રસ્તાઓ માટે ફોરેસ્ટ ક્લિયરન્સની માગણી શા માટે? આ વલણ ગેરવ્યાજબી છે.
ચૈતર વસાવાનું અલ્ટીમેટમ
ચૈતર વસાવાએ વહીવટીતંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપતાં ચેતવણી ઉચ્ચારી છે કે, તાત્કાલિક અસરથી જીતગઢથી જૂનારાજના ડામર રોડની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો અસરકરતાં તમામ ગામના લોકો ભેગા મળીને આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે કેવડીયા પહોંચશે.
છેવાડાના ગામડાં પાયાની સુવિધાઓથી વંચિત
ચૈતર વસાવાએ જણાવ્યું કે, એકતરફ દેશના દરેક જિલ્લામાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વપરાય છે અને નર્મદા જિલ્લો SOU જેવા પ્રોજેક્ટને કારણે ગૌરવ લઇ રહ્યો છે. બીજી તરફ જિલ્લાના અનેક ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. રસ્તા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે. ઘણા કિસ્સાઓમાં ડિલિવરી માટે લઈ જતી વખતે રસ્તામાં બાળક કે મહિલાનું મોત નિપજે છે. ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા.
ઐતિહાસિક ગામ છે જૂનારાજ
જૂનારાજ ગામનો 500 વર્ષ જૂનો ઇતિહાસ છે. જેમાં 1834માં બનેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ગોહિલ વંશના રાજાઓના મહેલ અને 750 વર્ષ જૂના દેવહાતિયા ભીલના નિવાસસ્થાનના અવશેષો છે. ગામના લોકોએ કરજણ ડેમના નિર્માણમાં સહકાર આપીને મોટું યોગદાન આપ્યું હોવા છતાં આજે તેઓ મૂળભૂત રસ્તા માટે વહીવટી તંત્રને આજીજી કરી રહ્યા છે.
રાજપીપળા રાજ્યનું મુખ્ય મથક હોવાના કારણે ગામનું નામ જૂનારાજ પડ્યું છે. જેની સાક્ષીરૂપે અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર તેમજ પ્રાચીન કિલ્લાના અવશેષો અહીં જોવા મળે છે. ચોમાસા દરમિયાન કરજણ બંધમાં પાણી ભરાય ત્યારે મંદિર અને કિલ્લો પાણીમાં ડૂબી જાય છે.
વર્ષ 1987 સુધી રાજપીપળાથી જૂનારાજ ગામ જવાનો પાકો રસ્તો હતો. રાજ્ય પરિવહન નિગમની બસ પણ દિવસમાં ત્રણ વખત આવતી હતી. કરજણ નદી પર બંધ બંધાયા બાદ ગામની ત્રણેય બાજુ પાણી ભરાઈ જાય છે. તેના કારણે ગામમાં પાયાની સુવિધા મળતી નથી. હાલમાં કરજણ બંધના જળાશયની ફરતેથી કાચા રસ્તે નાનાં વાહનો ગામમાં પહોંચતાં થયાં છે. પરંતુ એસટી બસ હજુ સુધી આવતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?