જમીન સંપાદન કામગીરીમાં રૂપિયા 219 કરોડનું કૌભાંડ?
ઓલપાડ પાવરગ્રીડના સબ સ્ટેશન માટે જમીન સંપાદનથી સરકારને 219 કરોડનું નુકશાન

જમીન એનએ કૌભાંડ મામલે SITની રચના કરી તપાસ કરવા કોંગ્રેસના તુષાર ચૌધરીની માંગ

જમીન એનએ કૌભાંડ મામલે SITની રચના કરી તપાસ કરવા કોંગ્રેસના તુષાર ચૌધરીની માંગ
ગુજરાતના સરકારી પ્રોજેક્ટોમાં જમીન સંપાદનના કિસ્સામાં ભાજપના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરીને કરોડો રૂપિયા પડાવી લેવાનો કારસો રચાતો હોવાનો વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે. સુરતના ઓલપાડ તાલુકામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીએના સબ સ્ટેશનની જમીન સંપાદન સંપાદન કામગીરીમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
પાવરગ્રીડ કોર્પોરેશનના સિનિયર જનરલ મેનેજરે તા. 6-8-2024ના રોજ મામલતદાર, ઓલપાડને પત્ર લખી ઓલપાડ તાલુકાના ટકારમા, ગોલા અને રાજનગરની જમીન સંપાદન કરવા તાકીદ કરવામાં આવી હતી. ત્રણેય ગામોની જગ્યાએ ઓલપાડ ગામ ખાતે પાવરગ્રીડનું સબ સ્ટેશન સ્થાપવા માટે તા. 20-8-2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જ્યારે તા. 6-8-2024ના રોજ ત્રણ ગામોની જમીન સંપાદન પ્રક્રિયા અંગે મામલતદાર, ઓલપાડને પત્ર લખ્યા પછી તા. 20-8-2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
પ્રક્રિયા દરમિયાન કેટલી જમીન ખરીદી અને કેટલી એનએ થઈ? તે તપાસનો વિષય
તુષાર ચૌધરીએ જણાવ્યું કે, પહેલા જે ત્રણ ગામો પસંદ કરવામાં આવ્યા હતા. એ ગામોમાંથી શા માટે જમીન સંપાદન કરવામાં ન આવી? અગાઉ આ ત્રણેય ગામો પસંદ કરાયા હતા. જે સરકારી રેકર્ડ પર છે, પછી એવું તો શું થયું કે ઓલપાડમાં સબસ્ટેશન નક્કી કરવાની ફરજ પડી? મોજે ટકારમા, ગોલા અને રાજનગરની જગ્યાએ સબસ્ટેશન બાંધવા માટે ઓલપાડ ગામની જમીન સંપાદન કરવા માટે શા માટે જાહેરનામું કરવામાં આવ્યું? ઓકટોબર-નવેમ્બર, 2024થી જાહેરનામાની તારીખ સુધી કેટલા નવા ખરીદ વેચાણ થયા? ઓલપાડની બ્લોક નં. પૈકી કેટલી જમીન ઓકટોબર-નવેમ્બર 2024 પછી બિનખેતી કરવામાં આવી?
તેમણે ઉમેર્યુ કે, ચાલુ વર્ષે જમીન ખરીદ કરીને એન.એ. કરાવી દીધી હોય એવા મોટા માથાઓનો સમાવેશ થાય છે. આ તમામ મોટા માથાઓ રાજકીય વગ ધરાવે છે અથવા તો રાજકીય વગ ધરાવતા પરિવારના લોકો છે. આ તમામ નામો 7-12માં સામેલ છે. પાવર ગ્રીડ લાઈન સ્થપાવાની છે એની જાણ તેઓને અગાઉથી થઈ ગઈ હોવાથી ચાલુ વર્ષે જ જમીન ખરીદીને તે જમીન એન.એ પણ કરી દેવામાં આવી. જેના કારણે ગુજરાત સરકારે રૂપિયા 219 કરોડ વધુ ચૂકવવા પડે એમ છે. સરકારની તિજોરીને રૂપિયા 219 કરોડનું નુકશાન પહોંચાડનાર સરકારનો ભાગ કઈ રીતે હોઈ શકે ? તાત્કાલિક અસરથી સરકારમાંથી તેઓને બરખાસ્ત કરી દેવા જોઈએ.
વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરી છે કે કેમ ? એક સમયે નાના સીમાંત ખેડૂત ગણાતા આજે કરોડોના આસામી કઈ રીતે થઈ ગયા? એ પણ તપાસનો વિષય છે. આ સમગ્ર જમીન એન.એ. કૌભાંડ મામલે તપાસ કરવા માટે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવે અને સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી આપવામાં આવે છે. લગભગ પાંચથી સાત હજાર જેટલી કોટેજ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર અને આજુબાજુના ગામો કે જેનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે એમાં આપવામાં આવે છે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટની સાઈઝ હોય છે 1700 સ્ક્વેર ફુટ. જે મંજૂરી હોય છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન અને કાર પાર્કિંગ તેમજ ચાર માળની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ પાંચ માળની જગ્યાએ સાત માળ બનાવવામાં આવે છે. પાર્કિંગનું પ્રોવિઝન કરવાનું હોય છે. પણ પાર્કિંગની પણ સુવિધા રાખવામાં આવતી નથી. ઈમ્પેક્ટના નિયમ મુજબ ખૂટતા પાર્કિંગની ફી પેટે પ્રતિ ચો.મી. 15 હજાર રૂપિયા ચાર્જ ભરપાઈ કરવાનો થાય એ પણ ચુકવણી થતી નથી. આવા અંદાજે 7 હજારથી વધુ ગેરકાયદે બાંધકામોમાં અંદાજે રૂપિયા 3475 કરોડ જેટલી રકમનું નુકસાન મહાનગરપાલિકાની તિજોરીને થઈ રહ્યું છે.
આવી ઈન્ડસ્ટ્રીઝ રહેણાંક વિસ્તારમાં ધમધમી રહી છે. તેના કારણે સામાન્ય લોકો જે રહેણાંક વિસ્તારમાં રહેતા હોય એને માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અમે શહેરી વિકાસ વિભાગના મંત્રીને રજૂઆત કરી છે અને તકેદારી આયોગને પણ પત્ર લખ્યો છે. તેમ છતાં પણ 7 હજાર ગેરકાયદે કોટેજ ઈન્ડસ્ટ્રીઝ સુરતમાં ચાલી રહી છે એની સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. કારણ કે આમાં ખૂબ મોટી રકમનો ભ્રષ્ટાચાર પરવાનગી આપવામાં આવે છે અને પછી મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપીને એમાં પણ પૈસા કઢાવીને લોકોને લૂંટવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?