‘હું અહીંનો નરેન્દ્ર મોદી છું’-BJP MLAની ફિશિયારી!
સુરતના મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા અને તેમના પુત્રએ વાલોડના બુહારીમાં હોબાળો કર્યો

સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સહિતના આગેવાનોએ મોવડી મંડળને લેખિત રજૂઆત કરી

સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સહિતના આગેવાનોએ મોવડી મંડળને લેખિત રજૂઆત કરી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં. પ્રમુખે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. ભાજપના મોવડી મંડળને લખેલા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો આંતરિક જૂથવાદ જાહેર થયો છે. ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
વાલોડ તાલુકા ભાજપનો જૂથવાદની લડાઈ જાહેરમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા અને બુહારી ગ્રામ પંચાયતના હોદ્દેદારોનો ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. જેના કારણે બુહારી ગામમાં ભાજપના કે સરકારી કાર્યક્રમમાં વિવાદો થઈ રહ્યા છે. આ વિવાદો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો જૂથવાદ સાર્વજનિક થઈ રહ્યો છે.
તાજેતરમાં બુહારી ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રથના સ્વાગતનો કાર્યક્રમ પંચાયત તરફથી યોજાયો હતો. ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી અને ભાજપ આગેવાન અમિત પટેલ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોડીયા અને તેમના પુત્ર દિગેન્દ્રએ હોબાળો કર્યો હતો. બુહારી ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરપંચ વનિતાબેન ગામીત, તા.પં. સભ્ય દર્શના પરમાર તથા જિ.પં.ના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ તૃપ્તિ પટેલે ભાજપ મોવડી મંડળને કરેલી લેખિત ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય મોહન ઢોડીયા વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મોહન ઢોડીયાના પુત્ર દિગેન્દ્રએ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી અટકાવી ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં કરવા અને શરૂ કરશો તો દોડતા કરી દઈશું તેવી ધમકી આપી હંગામો મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
આ કાર્યક્રમમાં બુહારીના સરપંચ, ઉપસરપંચ સંબોધન કરવાના હતા. કાર્યક્રમ દરમિયાન બુહારીના ઉપસરપંચ સુરજ દેસાઈ ઉદ્બોધન કરશે તેમ જણાવતાં મંચ ઉપરથી ધારાસભ્ય મોહન ઢોડીયાએ હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું. તેવી શેખી મારી ગ્રામજનોનું અપમાન કર્યું હતું.
બુહારીમાં વિકાસ રથના કાર્યક્રમ સમયે ભાજપના એકપણ આગેવાન બાજીપુરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હોવાનું જણાવ્યું હતું. આ પત્ર બુહારી પંથકના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો આંતરિક જૂથવાદ જાહેરમાં આવ્યો છે. બુહારી ગ્રામ પંચાયતના ભાજપના હોદ્દેદારોએ ભાજપના જ ધારાસભ્યનો વિરોધ શરૂ કરતાં આંતરિક વિખવાદ ઘટવાના બદલે વધે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?