“અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોએ કહ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપોઆપ ખતમ થઈ જશે. જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે તે હકીકત છે. આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે આપણે ક્યાં નથી જાણતા? , વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે.” પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ લખેલો 7 પાનાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ‘પાર્ટી વીથ ડિફરન્સ’ ગણાતા પક્ષ ભાજપની વર્તમાન પરિસ્થિતિ અંગે પત્રમાં તેમણે આકરા શબ્દો લખતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
ભાજપની આંતરિક પરિસ્થિતિ અંગે નિવેદન કરવું કે પત્ર લખવો અગાઉના સમયમાં શિસ્તભંગ ગણાતો હતો. કેટલાક સમયથી ભાજપના નેતાઓમાં લેટર બોંબ ફોડવાનું સામાન્ય બની ગયુ છે. ભાજપ શિસ્ત બાબતે ‘પાર્ટી વીથ ડિફરન્સ’ ગણાય છે. પરંતુ હવે પક્ષમાંથી દબાયેલા અવાજ ધીમે ધીમે બહાર આવી રહ્યાં છે. સુરત ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ લેટર બોમ્બ ફોડીને ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યાં હોવાનું વિસ્ફોટક નિવેદન કર્યુ છે.

નાનુ વાનાણીએ પત્રમાં લખ્યું છે કે, ભાજપના વૈચારિક અને કાર્યપદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે જે કહ્યું તે જ કરવું, કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી, મારાની નહીં સારાની પસંદગી કરવી, રાષ્ટ્રને પહેલી પસંદગી આપવી, ચારિત્ર્ય શુદ્ધ રાખવું, કરેલા કામનું વાસ્તવિક રિપોર્ટિંગ કરવું, કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું, ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવી, સરકીટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં, પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો, સખત મહેનત કરવી, પૈસાને નહીં પ્રજાને જ પરમેશ્વર સમજવી, શો બાજી ન કરવી જેવાં ગુણો ભાજપના મૂળભૂત સંસ્કારો હતા.

ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકીય સંસ્કારના વિકૃત લક્ષણોનાં દર્શન ગુજરાતમાં થઈ રહ્યાં હોય ત્યારે ચિંતા વધે છે. ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે? રેડીમેઈડ લોકોની ભરતીનો આત્મઘાતી ટૂંકો રસ્તો અપનાવવો, નેતાઓના તામઝામ ભર્યા પ્રદર્શનો, પોતાની પ્રસિદ્ધિ માટે મીડિયામાં જાહેરાતો આપવી, ભય બિન પ્રીત નહીંની નીતિ, લોકોમાં ભય ઊભો કરવો, ચૂંટણીમાં અઢળક ખર્ચ કરવા, ખુશામતખોરોને પ્રોત્સાહન, જી હજૂરી, સાચું સાંભળવાની ક્ષમતા ગુમાવવી જેવાં વિકૃત લક્ષણો ગુજરાતમાં ક્યારેય ન હતાં. જેના હવે દર્શન થવા લાગ્યાં છે.

નાનુ વાનાણીએ ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દો લખ્યાં છે. સાત પેજમાં લખેલા પત્રમાં તેમણે ભાજપ માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. પત્રમાં તેમણે કહ્યું કે, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો હતો. તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપમેળે ખતમ થઈ જશે. જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે, તે સિદ્ધાંત ભાજપને તેટલો જ લાગુ પડે છે. આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે સૌ જાણે છે. નાનુ વાનાણીએ પત્રમાં ભાજપની નીતિ સામે ઘણાં કટાક્ષ કર્યા છે.

આ પત્ર અંગે નાનુ વાનાણીએ કહ્યું કે, હું ભાજપનો સમર્પિત કાર્યકર્તા છું. સમર્પિત કાર્યકર્તા હોવાના નાતે પાર્ટીની ચિંતા હોય તે સ્વાભાવિક છે. થોડાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે. વિકૃત પરિવર્તન કહેવું વધુ વ્યાજબી કહેવાશે. વિકૃત પરિવર્તનના લક્ષણો ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહ્યા છે. જે ગુજરાતની જનતા સમક્ષ મેં રજૂ કર્યુ છે. આ પત્રના માધ્યમથી મુદ્દા પાર્ટી અને રાજ્યના હિત માટે મૂક્યા છે. વિકૃત પરિવર્તન પાર્ટીમાં ચાલુ રહ્યું તો ભાજપ સત્તામાં ટકી રહે તેવી શક્યતા ઓછી છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં પણ નાનું વાનાણીએ લેટર બોંબ ફોડ્યો હતો. 2022 માં વિધાનસભાની ચૂંટણી સમયે ઓછા મતદાન વચ્ચે ભાજપે ઐતિહાસિક 156 બેઠક મેળવી પ્રચંડ જીત મેળવી હતી. ત્યારે નાનુ વાનાણીના લેટરથી ખળભળાટ મચ્યો હતો. તેમણે લખ્યું હતું કે, આપણે ભાજપની હાલત આજે એ કરી છે કે, નરેન્દ્રભાઈ વગરનું ભાજપ જાણે ‘‘એકડાં વગરનું મીંડુ હોય.’’ તેમાં દોષ નરેન્દ્રભાઈનો નહીં, આપણા સૌનો છે. કાર્યકર્તાઓનું મનોબળ ઓછું કરવા માટે નથી. આ વિશ્લેષણ દેવોને પણ દુર્લભ એવા ભાજપના સમર્પિત કાર્યકરોનું મનોબળ કે મોરલ ઓછું કરવા માટે નથી. ગુજરાત ભાજપના સંગઠનને અરીસા સામે મૂકી વર્તમાનની વાસ્તવિક જાણકારી મળી રહે તે માટે છે.

