US Government Replaces AI With Super Intelligence: તમે અવારનવાર 'AI' એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ હવે યુએસ સરકારના સત્તાવાર કામકાજમાં આ શબ્દની જગ્યાએ એક નવો શબ્દ જોવા મળશે. યુએસ સરકારે તમામ સરકારી દસ્તાવેજો અને સંચારમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' ના બદલે 'સુપરઇન્ટેલિજન્સ' અથવા 'SI' શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે એક વિશેષ એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરીને તમામ સરકારી એજન્સીઓને પોતાના નવા કમ્યુનિકેશનમાં આ નવો શબ્દ વાપરવાની સૂચના આપી દીધી છે.
AI ના બદલે SI શબ્દ પસંદ કરવાનું મુખ્ય કારણ
યુએસ સરકારના જણાવ્યા મુજબ, એઆઈ ટેકનોલોજી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. આજના મોડેલો માત્ર સવાલ-જવાબ કરવા કે ટેક્સ્ટ ટાઇપ કરવા પૂરતા મર્યાદિત નથી રહ્યા. તેઓ કોડિંગ, જટિલ સંશોધન, ડેટા વિશ્લેષણ અને નિર્ણયો લેવા જેવા અદ્યતન કાર્યો પણ કરી રહ્યા છે. ટેકનોલોજીના આ અભૂતપૂર્વ વિકાસને ધ્યાનમાં રાખીને જ અમેરિકાએ પોતાની સત્તાવાર ભાષામાં 'AI' ને સ્થાને 'સુપરઇન્ટેલિજન્સ' શબ્દને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
'સુપર ઇન્ટેલિજન્સના યુગની શરૂઆત'
"સુપર ઇન્ટેલિજન્સનો યુગ શરૂ કરવો" શીર્ષક ધરાવતા આ નવા આદેશ હેઠળ તમામ ફેડરલ વિભાગો અને એજન્સીઓએ પોતાની વેબસાઇટ્સ, અહેવાલો, જાહેર સંદેશાવ્યવહાર અને નવા દસ્તાવેજોમાં 'AI' ની જગ્યાએ 'SI' કે 'સુપર ઇન્ટેલિજન્સ' લખવું ફરજિયાત બનશે. જોકે, આ આદેશથી જૂના સરકારી દસ્તાવેજો, અગાઉના નિયમો કે જૂના કરારો પર કોઈ અસર પડશે નહીં અને તેને બદલવાની જરૂર રહેશે નહીં.
સામાન્ય નાગરિકો માટે શું બદલાશે?
સામાન્ય રીતે ટેકનોલોજીની દુનિયામાં 'સુપરઇન્ટેલિજન્સ' શબ્દનો ઉપયોગ માનવીય ક્ષમતા કરતાં વધુ બુદ્ધિમત્તા ધરાવતી સિસ્ટમ માટે થાય છે. પરંતુ યુએસ સરકાર આ શબ્દનો ઉપયોગ હાલની તમામ એઆઈ સિસ્ટમ્સ માટે સત્તાવાર ટર્મ તરીકે કરશે. ભવિષ્યમાં સરકાર સુપરઇન્ટેલિજન્સની સત્તાવાર વ્યાખ્યા પણ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ ફેરફાર માત્ર યુએસ સરકારના સત્તાવાર કામકાજ પૂરતો સીમિત છે, એટલે કે ChatGPT જેવા ખાનગી AI ટૂલ્સ કે પ્લેટફોર્મના નામોમાં હાલ કોઈ ફેરફાર થયો નથી.