તુલસી ગબાર્ડનું ટ્રમ્પ કેબિનેટમાંથી રાજીનામું
જાણો કેમ લીધો આ મોટો નિર્ણય

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Tulsi Gabbard Resigns US Intelligence Dept: અમેરિકાના રાજકારણ અને વૈશ્વિક સ્તરે રણનીતિક ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. તેમણે આ આકસ્મિક અને મોટો નિર્ણય કોઈ રાજકીય મતભેદોના કારણે નહીં, પરંતુ તેમના પતિ અબ્રાહમ વિલિયમ્સની ગંભીર બીમારીને કારણે લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્રાહમ વિલિયમ્સને હાડકાના કેન્સરના ખૂબ જ દુર્લભ સ્વરૂપનું નિદાન થયું છે, જેના કારણે ગબાર્ડે પોતાના પરિવારને પ્રાથમિકતા આપી જાહેર જીવનમાંથી અસ્થાયી રૂપે દૂર થવાનો માર્ગ પસંદ કર્યો છે.
I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half.
— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026
Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd
ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત અને જાહેરાત
અહેવાલો અનુસાર, શુક્રવારે વ્હાઇટ હાઉસની પ્રતિષ્ઠિત ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની એક અંગત મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડે પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 30 જૂન, 2026 તેમનો ગુપ્તચર વડા તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ રહેશે, ત્યાં સુધી તેઓ વહીવટી વડા તરીકેની પોતાની જવાબદારીઓ સંભાળશે જેથી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.
રાજીનામા પત્રમાં છલકાઈ પતિ માટેની સંવેદના
ગબાર્ડના ઔપચારિક રાજીનામા પત્રમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે, "તમે મારા પર મૂકેલા વિશ્વાસ અને છેલ્લા દોઢ વર્ષથી રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના કાર્યાલય (ODNI) નું નેતૃત્વ કરવાની તક આપવા બદલ હું ખૂબ આભારી છું. જોકે, કમનસીબે, કૌટુંબિક સંજોગોના કારણે મને 30 જૂન, 2026 થી મારું રાજીનામું આપવાની ફરજ પડી છે." તેમણે પત્રમાં આગળ ખુલાસો કર્યો કે તેમના પતિ અબ્રાહમને તાજેતરમાં જ હાડકાના કેન્સર (Bone Cancer) ના એક અત્યંત દુર્લભ પ્રકારનું નિદાન થયું છે અને આગામી સમયમાં તેમનો પરિવાર ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા જઈ રહ્યો છે. ગબાર્ડે ભારપૂર્વક જણાવ્યું કે, "આ મુશ્કેલ અને પીડાદાયક યુદ્ધમાં મારા પતિની સાથે અડગ ઊભા રહેવા અને તેમને સંપૂર્ણ નૈતિક તેમજ શારીરિક ટેકો આપવા માટે આ સમયે જાહેર સેવાથી દૂર રહેવું મારા માટે અનિવાર્ય અને સર્વોપરી છે." પોતાના 11 વર્ષના લગ્નજીવનને યાદ કરતાં તુલસી ગબાર્ડે પતિ માટે એક ભાવનાત્મક સંદેશમાં લખ્યું કે, "અબ્રાહમ હંમેશા મારો સૌથી મજબૂત સ્તંભ રહ્યો છે. પૂર્વ આફ્રિકામાં જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ મિશનમાં મારી લશ્કરી નિમણૂકથી લઈને અસંખ્ય જટિલ રાજકીય ઝુંબેશો સુધી, અને હવે ગુપ્તચર એજન્સીના સર્વોચ્ચ પદ પર સેવા આપવા સુધીના દરેક કપરા ચઢાણમાં તેમણે મને અવિરત સમર્થન આપ્યું છે. હું સારા અંતરાત્માથી એવી અપેક્ષા રાખી શકતી નથી કે જ્યારે તેઓ પોતાના જીવનની સૌથી મોટી લડાઈ લડી રહ્યા હોય, ત્યારે હું આટલી મોટી વૈશ્વિક જવાબદારી સંભાળીને તેમને આ યુદ્ધમાં એકલા છોડી દઉં."
દોઢ વર્ષનો ઐતિહાસિક અને સપાટાબંધ કાર્યકાળ
તુલસી ગબાર્ડે પોતાના ટૂંકા પરંતુ અત્યંત પ્રભાવશાળી કાર્યકાળ દરમિયાન અમેરિકન ગુપ્તચર તંત્ર (US Intelligence Community) નો ચહેરો બદલી નાખ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. તેમણે ગુપ્તચર એજન્સીઓમાં બિનજરૂરી ખર્ચ પર મોટો કાપ મૂક્યો હતો, જેના કારણે અમેરિકન કરદાતાઓ માટે વાર્ષિક $700 મિલિયન (આશરે 70 કરોડ ડોલર) થી વધુની ઐતિહાસિક બચત થઈ હતી. આ ઉપરાંત, તેમણે સરકારી તંત્રમાંથી વિવાદાસ્પદ DEI (વિવિધતા, સમાનતા અને સમાવેશ) કાર્યક્રમોને સંપૂર્ણપણે નાબૂદ કર્યા હતા. પારદર્શિતાના આગ્રહી ગબાર્ડે તેમના કાર્યકાળ દરમિયાન ભૂતકાળની વિવાદાસ્પદ ટ્રમ્પ-રશિયા તપાસ, જોન એફ. કેનેડી (JFK) હત્યાકાંડ અને રોબર્ટ એફ. કેનેડીની હત્યાઓ સંબંધિત અડધા મિલિયન (5 લાખ) થી વધુ અતિ-ગોપનીય સરકારી દસ્તાવેજો જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા હતા.
ક્રોસફાયર હરિકેન અને વેપનાઇઝેશન વર્કિંગ ગ્રુપ
તેમણે ક્રોસફાયર હરિકેન તપાસના દસ્તાવેજો સાર્વજનિક કરીને સળગતો દાવો કર્યો હતો કે 2016 ની ચૂંટણી વખતે ઓબામા પ્રશાસનના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ જીતને નબળી પાડવા માટે રશિયન હસ્તક્ષેપ સંબંધિત ગુપ્ત માહિતીનો દુરુપયોગ કર્યો હતો. આ સાથે જ તેમણે બાઈડેન વહીવટીતંત્ર દ્વારા સરકારી એજન્સીઓના કથિત દુરુપયોગની તપાસ કરવા માટે 'વેપનાઇઝેશન વર્કિંગ ગ્રુપ' ની પણ સ્થાપના કરી હતી. તેમના સીધા માર્ગદર્શન હેઠળ, નેશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટર (NCTC) એ વર્ષ 2025 માં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. એજન્સીએ નાર્કો-ટેરરિઝમ (નશીલા પદાર્થો અને આતંકવાદનું નેટવર્ક) સાથે સંકળાયેલા 10,000 થી વધુ શંકાસ્પદોને અમેરિકાની સરહદમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને 85,000 થી વધુ ખતરનાક વ્યક્તિઓને વૈશ્વિક આતંકવાદી વોચલિસ્ટમાં મૂક્યા હતા. તુલસી ગબાર્ડનું આ રીતે અચાનક કેબિનેટમાંથી બહાર જવું એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળ માટે એક મોટો વહીવટી આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ ટ્રમ્પના સૌથી ભરોસાપાત્ર અને આક્રમક સાથીદારોમાંના એક ગણાતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.