શ્રીલંકાની નેગોમ્બો જેલમાં કેદીઓ વચ્ચે અથડામણ
ડ્રગ્સ મામલે બે જૂથો આમને-સામને થતાં 25 ના મોત, 100 થી વધુ ઘાયલ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Sri Lanka Jail Riot: શ્રીલંકાના પશ્ચિમી દરિયાકાંઠાના શહેર નેગોમ્બોની સેન્ટ્રલ જેલમાંથી હિંસા અને સામસામે ગોળીબારની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલંબોથી આશરે 35 કિલોમીટર ઉત્તરમાં આવેલી આ ગીચ જેલમાં કેદીઓના બે હરીફ જૂથો વચ્ચે શરૂ થયેલી સામાન્ય અથડામણે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આખીય હિંસા અને અંધાધૂંધીમાં અત્યાર સુધીમાં 1 જેલ અધિકારી સહિત આશરે 25 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 100 થી વધુ કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે સ્થાનિક પોલીસ ઉપરાંત દેશની સેના અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને ઓપરેશન માટે બોલાવવાની ફરજ પડી છે.
રવિવારે શરૂ થયેલો ઝઘડો સોમવારે હથિયારો સાથે લોહિયાળ જંગમાં ફેરવાયો
શ્રીલંકાના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, નેગોમ્બો જેલમાં રવિવારે કોઈ બાબતે સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ અને કાચા કામના કેદીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોમવારે આ હિંસા ફરીથી ભડકી ઉઠી હતી. આ વખતે ઉશ્કેરાયેલા તોફાની કેદીઓએ જેલના સુરક્ષા ગાર્ડ્સ પર હુમલો કરીને જેલની અંદર રહેલી બંદૂકો અને ઓટોમેટિક હથિયારો પોતાના કબજામાં લઈ લીધા હતા. કેદીઓના હાથમાં હથિયારો આવી જતાં જેલ પરિસર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું અને અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધીને 25 સુધી પહોંચી ગયો હતો.
જેલની અંદર ચાલતા ડ્રગ્સ નેટવર્કના કારણે ફાટી નીકળી હિંસા
તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ ભયાનક રમખાણો પાછળ જેલની અંદર સક્રિય ગેરકાયદેસર ડ્રગ્સ (માદક પદાર્થો) નું નેટવર્ક જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જેલની અંદર પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી અને હેરાફેરીની પ્રવૃત્તિઓને કથિત રીતે સમર્થન આપતા એક શક્તિશાળી જૂથ અને આ કાળા કારોબારનો સખત વિરોધ કરતા બીજા જૂથ વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી. આ ડ્રગ્સ વોર સોમવારે ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ હતી અને બંને જૂથો એકબીજાના ખૂનના પ્યાસા બન્યા હતા.
પોલીસ બસોમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
શ્રીલંકાની સ્થાનિક ટેલિવિઝન ચેનલ 'ડેરાના' અને અન્ય ન્યૂઝ નેટવર્ક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં જેલની અંદરની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયેલા અસંખ્ય કેદીઓને પોલીસ બસોના ફ્લોર પર પડેલા જોઈ શકાય છે, જેમને ભારે સુરક્ષા વચ્ચે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. જેલની બહાર પણ કેદીઓના પરિવારજનો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત હોવાથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ ઘાયલોમાંથી પણ ઘણાની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
એન્ટી-રાઇટ યુનિટ્સ સાથે શ્રીલંકન આર્મી સ્ટેન્ડબાય મોડ પર
જેલના કેટલાક સંવેદનશીલ ભાગોમાં કેદીઓનો કબજો હોવાના કારણે શ્રીલંકન સેનાના પ્રવક્તા બ્રિગેડિયર વરુણા ગામગેએ જણાવ્યું કે, પોલીસને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે સેનાને બોલાવી લેવામાં આવી છે અને સૈનિકો હાલમાં હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ખાસ રમખાણ નિયંત્રણ એકમો (Riot Control Units) ને જેલની અંદર સફાઈ અને સર્ચ ઓપરેશન માટે ઉતારવામાં આવ્યા છે. વધુ અશાંતિ અટકાવવાના એક ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 3 મુખ્ય તોફાની કેદીઓને પલ્લનસેના જેલ કેમ્પમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
ન્યાય મંત્રીએ માંગ્યો વિગતવાર રિપોર્ટ
આટલી મોટી સંખ્યામાં થયેલી જાનહાનિને પગલે શ્રીલંકા સરકાર સંપૂર્ણપણે હરકતમાં આવી ગઈ છે. દેશના ન્યાય મંત્રી હર્ષના નાનયક્કારાએ આખી ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને નેગોમ્બો જેલના વહીવટીતંત્ર પાસે ચોવીસ કલાકની અંદર વિગતવાર અહેવાલ માંગ્યો છે. બીજી તરફ, જેલ વિભાગના સત્તાવાર મીડિયા પ્રવક્તા એ.સી. ગજનનાયકે જણાવ્યું હતું કે, જેલ કમિશનર જનરલના સીધા નિર્દેશો હેઠળ એક વિશેષ હાઈ-લેવલ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ અલગથી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચલાવી રહી છે, જે અંતર્ગત જેલની સુરક્ષામાં ખામી, કેદીઓ સુધી હથિયારો કેવી રીતે પહોંચ્યા અને જેલ સ્ટાફની કોઈ સંડોવણી છે કે નહીં તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?