વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ગુરુવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 3 વાગ્યે) પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા. આ દરમિયાન, બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને ટ્રમ્પે સ્વીકાર્યું કે તેઓ પીએમ મોદીને યાદ કરે છે. ટેરિફ મુદ્દે પીએમ મોદીની પ્રશંસા કરી અને તેમને એક કઠોર વાટાઘાટકાર ગણાવ્યા.
આ બેઠકમાં ભારત-અમેરિકા વેપાર, સંરક્ષણ સહયોગ, આતંકવાદ વિરોધી વ્યૂહરચના અને ઊર્જા ભાગીદારી જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં તેમના પરસ્પર વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સંમત થયા હતા
વિશ્વના 2 દેશોના નેતાઓની એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઇ હતી જેમાં એક પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુદ્દે સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત એક લોકશાહી દેશ અને અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુધૈવ કટુંમ્બકમની છે. અમે સમગ્ર વિશ્વને પરિવાર માને છે.દરેક ભારતીયને હું પોતાનો માનું છું...બીજી વાત એ છે કે આવા વ્યક્તિગત મામલા માટે બે દેશના વડા ક્યારેય મળતા નથી કે ક્યારેય બેસતા નથી કે ક્યારેય વાત પણ કરતા નથી.
ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે અમેરિકામાં, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની લાંચનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્નીની ઓફિસનું કહેવું છે કે અદાણીએ યુએસમાં સૌર ઊર્જા કરાર મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન (લગભગ રૂ. 2,200 કરોડ)ની લાંચ આપી હતી અથવા આપવાની યોજના બનાવી રહી હતી