કેનેડાના લેબ્રાડોરના દરિયાકાંઠે જોવા મળેલી એક અનોખી કાળી હિમશીલાએ ઇન્ટરનેટ પર ચર્ચાનું મોજું ઉભું કર્યું છે. સામાન્ય રીતે સફેદ અને ચમકતી હિમશીલાઓથી વિપરીત, આ હિમશીલા ઘેરા કાળા રંગની છે, જે દૂરથી જાણે કોઈ વિશાળ કાળો હીરો હોય તેવું દેખાય છે. આ દુર્લભ ઘટનાને સૌપ્રથમ નજરે ચઢી હતી 64 વર્ષના અનુભવી માછીમાર હલુર એન્ટોનિયસેનને, જેમણે માછલી પકડવા નીકળ્યા ત્યારે આ આશ્ચર્યજનક દૃશ્ય જોયું. તેમણે આ હિમશીલાનો ફોટો પોતાના મોબાઇલમાં ઝડપી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે પછી વાઇરલ થઈ ગયો.
50 વર્ષના અનુભવમાં પ્રથમ અનોખું દૃશ્ય
એન્ટોનિયસેન, જેમણે 50 વર્ષથી વધુ સમયથી માછીમારીનો વ્યવસાય કર્યો છે, જણાવે છે, “મેં મારા જીવનમાં અસંખ્ય હિમશીલાઓ જોઈ છે, પરંતુ આખી હિમશીલા ટોચથી તળિયા સુધી કાળી હોય એવું મેં ક્યારેય નથી જોયું. અમુક હિમશીલાઓ પર સમુદ્રી વનસ્પતિની ગંદકી લાગેલી હોય છે, જેનાથી તે થોડી કાળી દેખાય, પરંતુ આ હિમશીલાનો રંગ તદ્દન અલગ અને રહસ્યમય છે.”
આ હિમશીલા લેબ્રાડોરના દરિયામાં તરતી હતી, જ્યાં સામાન્ય રીતે ગ્રીનલેન્ડથી આવતી હિમશીલાઓ જોવા મળે છે. આ વિસ્તારમાં હાલ 47 હિમશીલાઓ છે, પરંતુ આ એકમાત્ર હિમશીલા કાળી છે, જે તેને અનોખી બનાવે છે. એન્ટોનિયસેનની બોટ હિમશીલાથી દૂર હોવાથી તેનું ચોક્કસ કદ અંદાજવું મુશ્કેલ છે, પરંતુ તેનું વિશાળ દેખાવ સૂચવે છે કે તે ખૂબ મોટી હોઈ શકે.
વૈજ્ઞાનિકોનું અનુમાન: જ્વાળામુખીની રાખ કે પથ્થર?
કેનેડાની ‘મેમોરિયલ યુનિવર્સિટી’ના હિમશીલા નિષ્ણાત અને ભૌતિકશાસ્ત્રી લેવ તારાસોવનું કહેવું છે કે આવી કાળી હિમશીલા તેમણે પણ પહેલાં ક્યારેય જોઈ નથી. તેમનું અનુમાન છે કે, “આ હિમશીલાનો કાળો રંગ જ્વાળામુખીની રાખને કારણે હોઈ શકે. આઈસલેન્ડમાં બરફની નીચે જ્વાળામુખીઓ છે, અને ગ્રીનલેન્ડની નજીક આવેલા આ વિસ્તારોમાંથી આવી રાખ હિમશીલા સાથે આવી હોય એવું બની શકે.” તેમણે એમ પણ જણાવ્યું કે આ હિમશીલાનો બરફ 1,000થી 1,00,000 વર્ષ જૂનો હોઈ શકે છે, જે તેની ઉંમરને પણ રહસ્યમય બનાવે છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
આ તસવીર વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ છે. કેટલાક લોકો જ્વાળામુખીની રાખની થિયરીને સમર્થન આપે છે, જ્યારે અન્ય લોકો માને છે કે આ હિમશીલા પર ચોંટેલો વિશાળ ખડક હોઈ શકે. કેટલાકે તો આ તસવીરને બનાવટી ગણાવીને ચર્ચાને નકારી કાઢી છે. એક વપરાશકર્તાએ દાવો કર્યો કે જો હિમશીલા ખૂબ જૂની હોય, તો સમય સાથે તેનો રંગ કાળો થઈ ગયો હોય, પરંતુ આ થિયરી વૈજ્ઞાનિક રીતે બહુ સ્વીકાર્ય નથી.
હિમશીલાનું રહસ્ય
સામાન્ય રીતે હિમશીલાઓ સફેદ હોય છે કારણ કે બરફના સ્તરો પર દબાણ વધવાથી હવા બહાર નીકLળે છે, જેનાથી બરફ સ્ફટિકમય અને પારદર્શક બને છે. આ પ્રક્રિયા હિમશીલાને વધુ સફેદ બનાવે છે. પરંતુ આ કાળી હિમશીલા આ કુદરતી નિયમથી વિપરીત છે, જે તેના રંગનું રહસ્ય વધુ ગૂંચવે છે. હિમશીલાનો માત્ર 10% ભાગ જ પાણીની સપાટી ઉપર દેખાય છે, એટલે આ કાળી હિમશીલા નીચેના 90% ભાગમાં પણ વિશાળ હોઈ શકે.
આ કાળી હિમશીલા કુદરતનું એક અજાણ્યું રહસ્ય છે, જે વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોને એકસરખું આશ્ચર્યમાં મૂકે છે. તેનો કાળો રંગ જ્વાળામુખીની રાખ, પ્રાચીન ખડક કે કંઈક અજાણ્યું કારણ હોઈ શકે. આ ઘટના ફરી એકવાર કુદરતની વિવિધતા અને રહસ્યોને પ્રકાશમાં લાવે છે, જેનો જવાબ શોધવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે.