પાકિસ્તાન ચોતરફથી ઘેરાયુઃ બલૂચ લિબરેશન આર્મીએ પાક સેના પર વધાર્યા હુમલા
બલૂચ લોકોની આઝાદીની લડતને મળ્યો વેગઃ આઝાદ બલૂચિસ્તાનનો ધ્વજ પણ ફરક્યો

બલૂચ લેખક મીર યાર કહે છે કે બલૂચિસ્તાન હવે આઝાદીથી માત્ર બે ડગલાં દૂર!

બલૂચ લેખક મીર યાર કહે છે કે બલૂચિસ્તાન હવે આઝાદીથી માત્ર બે ડગલાં દૂર!
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર મળી રહ્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાન સેના ઉપર હુમલા શરૂ કરતાં હવે પાકિસ્તાન ચોતરફથી ઘેરાયુ છે. ભારત સાથે સંબંધો બગડ્યા થયા બાદ હવે બલૂચિસ્તાનમાં પાક સેના ઉપર હુમલા શરૂ થતાં પાકિસ્તાનના વધુ બે ટુકડા થાય તેવી શક્યતા છે. 6 થી 9 મે દરમિયાન BLA એ પાક સેના ઉપર અનેક હુમલા કરીને પોતાની વર્ષો જૂની આઝાદીની લડતને વેગ આપ્યો છે.
પાકિસ્તાની સેનાની ટુકડી બલૂચિસ્તાનમાં 6 મેના રોજ મિલિટરી ઓપરેશન પર હતી. ત્યારે રસ્તામાં કાફલા પર રિમોટ કંટ્રોલથી IED બ્લાસ્ટ થતાં 12 જવાનોના ફૂરચા ઉડી ગયા હતા. આ હુમલો બલૂચ લિબરેશન આર્મી (BLA)એ કર્યો હતો. તે રાત્રે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પ ઉપર હવાઈ હુમલા કરતાં પાકિસ્તાની સેના ફસાઈ ગઈ હતી. BLA સતત 4 દિવસથી પાકિસ્તાની સૈનિકો અને તેમના કેમ્પ ઉપર હુમલાઓ કરી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાની ધ્વજ હટાવીને સ્વતંત્ર બલૂચિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
9 મેના રોજ, બલૂચ બળવાખોરોએ ક્વેટાના ફૈઝાબાદ વિસ્તારમાં પાક સેના ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સિબીમાં આર્મી કેમ્પ ઉપર ઇસ્લામાબાદ સુરક્ષા દળોને હેન્ડ ગ્રેનેડથી નિશાન બનાવાયા હતા. 8 મે ના રોજ અજાણ્યા હુમલાખોરોએ ક્વેટામાં પાકિસ્તાની દળો પર ચાર હુમલા કર્યા હતા. ક્વેટામાં વિસ્ફોટો અને ભારે ગોળીબાર થઈ રહ્યા છે. બલૂચ લિબરેશન આર્મીના બળવાખોરોએ કેચ, માસ્તુંગ અને કાચીમાં 6 હુમલા કરી પાક સેનાને નિશાન બનાવી હતી.
બલૂચ લેખક મીર યાર બલોચે ટ્વિટર ઉપર એક વીડિયો અપલોડ કરી લખ્યુ છે કે, બલૂચ લોકોએ પોતાના ધ્વજ ફરકાવવાનું અને પાકિસ્તાની ધ્વજ ઉતારવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનમાંથી રાજદ્વારી મિશન પાછા ખેંચવાનો અને નવા ઉભરતા દેશ બલુચિસ્તાનમાં સ્થણાંતરિત કરવાનો દુનિયા માટે સમય આવી ગયો છે. ગુડબાય પાકિસ્તાન, બલુચિસ્તાનમાં આપનું સ્વાગત છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું છે કે પાક સરકાર અને સેના બલુચિસ્તાન પ્રાંત પરથી નિયંત્રણ ગુમાવી રહી છે. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ હવે સુરક્ષા ગાર્ડ વિના બલુચિસ્તાનમાં ફરી શકતા નથી.
કેવી રીતે મોહમ્મદઅલી ઝીણાએ ખેલ પાડ્યો?
વર્ષ 1946માં નક્કી થયું કે અંગ્રેજો ભારત છોડી રહ્યા છે. તે સમયે બલુચિસ્તાન પર કલાત રજવાડું શાસન કરતું હતું. પાકિસ્તાનની માફક તેમણે સ્વતંત્ર દેશની માંગણી કરી હતી. અંગ્રેજો સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા માટે મોહમ્મદઅલી ઝીણાને તેમના સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા હતા.
4 ઓગસ્ટ 1947ના રોજ દિલ્હીમાં બલુચિસ્તાનને અલગ દેશ બનાવવા એક બેઠક બોલાવવામાં આવી હતી. કલાત રાજ્યના મીર અહેમદખાન સાથે ઝીણા અને જવાહરલાલ નેહરુએ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ઝીણાએ કલાતની સ્વતંત્રતાની હિમાયત કરીને સૂચન કર્યું હતું કે કલાત, ખારાન, લાસ બેલા અને મકરાન જિલ્લાઓને જોડીને સ્વતંત્ર બલૂચિસ્તાન બનાવવામાં આવે.
12 ઓગસ્ટ 1947ના રોજ બલુચિસ્તાન અલગ દેશ બન્યો હતો. તેમાં એક ગૂંચ પડી કે બલૂચિસ્તાનની સુરક્ષા પાકિસ્તાનના હાથમાં હતી. સ્વતંત્રતાની ઘોષણા કર્યાના એક મહિના પછી 12 સપ્ટેમ્બરના રોજ બ્રિટને ઠરાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે બલુચિસ્તાન અલગ દેશ બનવાની સ્થિતિમાં નથી. તે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવી શકે તેમ નથી. ઓક્ટોબર-1947માં કલાતના ખાન પાકિસ્તાન ગયા હતા. તેમને આશા હતી કે ઝીણા તેમને મદદ કરશે. પરંતુ ઝીણાએ બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવવાની વાત કરીને કલાત ખાનને ના પાડી દીધી હતી.
ઝીણાએ બલૂચ સરદારોને પોતાના પક્ષમાં લઈ 26 માર્ચ 1948ના રોજ પાકિસ્તાની સેના બલુચિસ્તાનમાં ઘૂસાડી દીધી હતી. ખાન પાસે હવે ઝીણાની શરતો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ બલૂચ વસતીના મોટા ભાગના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે નફરત પેદા કરી હતી. બલુચિસ્તાન ફક્ત 227 દિવસ માટે સ્વતંત્ર દેશ બની શક્યો હતો.
સેનાના અત્યાચારના કારણે પાકિસ્તાન સામે નફરત વધી
બલુચિસ્તાન આજે પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. જે તેના 44 ટકા વિસ્તારને આવરી લે છે. તેમ છતાં પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર 6 ટકા લોકો અહીં રહે છે. બલુચિસ્તાન ઓઈલ, સોનું, તાંબુ અને અન્ય ખાણોથી સમૃદ્ધ છે. પાકિસ્તાન આ સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેમ છતાં આ વિસ્તાર સૌથી વધુ પછાત છે. પાકિસ્તાની સેના સતત અત્યાચાર કરતી બલૂચ લોકોમાં પાકિસ્તાન સામે નફરત વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 15 વર્ષમાં પાકિસ્તાની સેનાએ 5 હજારથી વધુ બલોચ આગેવાનોને ગાયબ કર્યા છે. તેઓ માર્યા ગયા છે અથવા કેદ કરવામાં આવ્યા છે તેના વિશે કોઈ સમાચાર મળ્યા નથી.
બલૂચ લોકોએ ચાર વખત બળવો કર્યો
બલૂચ રાજ્યના પ્રિન્સ કરીમખાને બલૂચ રાષ્ટ્રવાદીઓનું એક જૂથ બનાવીને 1948માં પાકિસ્તાન સામે પહેલો બળવો શરૂ કર્યો હતો. પાકિસ્તાને 1948ના બળવાને કચડી નાખી કરીમખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. તે સમયે બળવો દબાઈ ગયો હતો. પરંતુ અત્યાર સુધી સમાપ્ત થયો નથી. બલુચ લોકોએ સ્વતંત્રતા માટે શરૂ થયેલા બળવાને નવા નેતાઓ મળતા રહ્યા. તેઓ 1950, 1960 અને 1970ના દાયકા દરમિયાન પાકિસ્તાન સરકાર માટે પડકાર ઉભો કરતા રહ્યા હતા. વર્ષ 2000 સુધીમાં પાકિસ્તાન સામે ચાર બલૂચ બળવા થયા હતા.
2005માં બનેલી ઘટનાથી પાંચમો બળવો શરૂ
2005માં બનેલી એક ઘટનાના કારણે બળવાખોરી સતત ચાલુ રહી છે. 2 જાન્યુઆરી 2005ની રાત્રે. બલુચિસ્તાનના સુઈ વિસ્તારમાં પાકિસ્તા આર્મી કેપ્ટન દ્વારા શાઝિયા ખાલિદ નામની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાન સરકાર ઊલટું ડોક્ટર પર દોષારોપણ કરતાં શાઝિયા અને તેના પતિને પાકિસ્તાન છોડીને બ્રિટન જવાની ફરજ પડી હતી. આ ઘટના બલુચિસ્તાનમાં બની ત્યારે બુગતી જનજાતિના વડા નવાબ અકબરખાન બુગતીએ કબીલાના બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. બુગતી અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન પણ હતા. તે સમયે તેઓ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના નેતા બની ગયા હતા અને બલુચિસ્તાનના અધિકારો માટે લડી રહ્યા હતા. તેમણે કોઈપણ ભોગે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. બલૂચ બળવાખોરોએ સુઇ ગેસ ફિલ્ડ પર રોકેટથી હુમલો કર્યો. ઘણા પાક સૈનિકો માર્યા ગયા. જવાબમાં પાકિસ્તાને લડાઈ માટે 5 હજારથી વધુ સૈનિકો મોકલ્યા હતા. તેના કારણે બલૂચ લોકોએ પાંચમા બળવાની શરૂઆત કરી હતી.
શું છે બલૂચ લિબરેશન આર્મી?
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે લડતું આતંકવાદી સંગઠન છે. તેની સ્થાપના વર્ષ 2000ના દાયકામાં થઈ હતી. ઘણા દેશો દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. BLAનો દાવો છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનોનું શોષણ કરી બલુચ લોકોના અધિકારો છીનવાઈ ગયા છે. આ સંગઠન પાકિસ્તાની સેના, સરકાર અને CPEC જેવા ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. BLA તેની ગેરિલા યુદ્ધ શૈલી માટે જાણીતું છે. પહાડી વિસ્તારોમાં છુપાઈને સેના પર હુમલો કરવો અને તરત જ પાછા ફરવું એ તેની મોડસ ઓપરેન્ડી છે. BLA માં બે મુખ્ય બ્રિગેડ છે. એક મજીદ બ્રિગેડ, તેને કામિકાઝે યુનિટ પણ કહેવામાં આવે છે કારણ કે તેના સભ્યો આત્મઘાતી હુમલા માટે તૈયાર હોય છે. બીજી ફતેહ સ્ક્વોડ, જે એક નાનું પણ સચોટ હુમલો કરનારું એકમ છે. તાજેતરના પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા હુમલામાં તેનું નામ સામે આવ્યું છે.
આઝાદી પછી ભારતે બલુચિસ્તાનના મુદ્દા પર બોલવાનું ટાળ્યું છે. તે કોઈપણ દેશના આંતરિક મામલામાં દખલ કરવા માંગતા નથી. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ તેમના ભાષણમાં બલુચિસ્તાનના ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. પાક સરકાર બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને ભારત પ્રાયોજિત ગણાવે છે.
બલૂચિસ્તાન પાકિસ્તાનથી અલગ થઈ જશે?
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં કહ્યું હતું કે બલુચિસ્તાનમાં ફક્ત 1500 લોકોના કારણે અશાંતિ ફેલાઈ છે અને તેઓ લાખોની સંખ્યામાં પાકિસ્તાનની વ્યાવસાયિક સેનાને નુકસાન પહોંચાડી શકે નહીં. બલૂચ લેખક મીર યાર કહે છે કે બલૂચિસ્તાન હવે આઝાદીથી માત્ર બે ડગલાં દૂર છે. 1971માં બાંગ્લાદેશની પરિસ્થિતિ સાથે સરખામણી કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન સેના અને ગુપ્તચર એજન્સીઓ વાસ્તવિકતા સ્વીકારી રહી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?