ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહ્યું છે. રવિવારના દિવસે બંને દેશોએ પરસ્પર એકબીજા પર મિસાઈલ હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓના પગલે બંને તરફથી મોટું નુકસાન થયું છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ ઘટનાને લઈને ગંભીર સંકેત આપતા કહ્યું છે કે, હવે ઈરાને આ તબાહીની ભારે કિંમત ચૂકવવી પડશે.
બટ યામ શહેરમાં થયેલી તબાહી
ઈઝરાયલના બટ યામ શહેર, જે તેલ અવીવના નજીક આવેલું છે, ત્યાં ઈરાની મિસાઈલ હુમલાના કારણે ભારે નુકસાન થયું છે. નેતન્યાહૂએ આ શહેરની મુલાકાત લેતાં ત્રાસદાયક દ્રશ્યો જોઈને કહ્યું કે, “મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનો આ પ્રયાસ અક્ષમ્ય છે.” તેમણે દાવો કર્યો કે, ઈરાન હવે નિશાનસીર રીતે ઈઝરાયલના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યો છે.
પરમાણુ ખતરો અને ગંભીર ચેતવણી
નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે, "જો આજે તેમની પાસે પરમાણુ બોમ્બ હોત, તો શું સ્થિતિ સર્જાઈ હોત?" તેમનું કહેવું છે કે, ઈઝરાયલ માટે આ યુદ્ધ માત્ર યુદ્ધ નથી, પણ અસ્તિત્વની લડાઈ છે. તેમણે સંકેત આપ્યો કે, દેશના રક્ષણ માટે હવે કોઇ પણ પગલું લેવા તૈયાર છે.
અન્ય નેતાઓની મુલાકાત
ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઈથમાર બેન ગ્વીર પણ બટ યામ શહેરની મુલાકાતે ગયા હતા અને સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
યુદ્ધ શરૂ કેવી રીતે થયું?
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શરૂઆત 13 જૂનથી થઈ છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેણે 13 જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, ખાસ કરીને ઈરાનના ઉત્તર-પૂર્વી ભાગમાં આવેલા મશહદ એરપોર્ટ પર. બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે, તેણે 3 ઈઝરાયલી ફાઇટર વિમાનોને તોડી પાડ્યા છે અને 2 પાઇલટને બંદી બનાવ્યા છે.