ઝોહરાન મમદાની ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર
ઝોહરાન મમદાનીને પ્રથમ મુસ્લિમ અને સૌથી યુવા મેયર તરીકે ચૂટ્યા

ઝોહરાન મમદા

ઝોહરાન મમદા
ન્યૂયોર્ક સિટીએ 34 વર્ષીય ઝોહરાન મમદાનીને તેના મેયર તરીકે ચૂંટીને ઈતિહાસ રચ્યો છે. મમદાની માત્ર પ્રથમ મુસ્લિમ અને સૌથી યુવા મેયર જ નથી બન્યા, પરંતુ 1892 પછી પ્રથમ વખત કોઈ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઉમેદવારે આ પદ જીત્યું છે. તેમની આ જીત ન્યૂયોર્કની બદલાતી રાજકીય વિચારસરણી અને સામાજિક વિવિધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જીત પરંપરાગત રાજનીતિની સામે જનસમર્થન અને આમ લોકોના મુદ્દાઓ પર આધારિત એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવે છે, જ્યાં મોંઘવારી, ઘરનું ભાડું અને સમાનતા જેવા મુદ્દાઓ અગ્રણી છે.
મમદાનીને કુલ 10.3 લાખથી વધુ મત મળ્યા
ઝોહરાન મમદાની એ ન્યૂયોર્ક સિટી મેયરની ચૂંટણીમાં પૂર્વ ગવર્નર એન્ડ્રુ ક્યુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવીને મોટી જીત મેળવી છે. 97% મતોની ગણતરી પછી, મમદાનીને કુલ 10.3 લાખથી વધુ મત મળ્યા, જે બાકીના 2 ઉમેદવારોના કુલ મતો કરતાં પણ વધુ છે. ન્યૂયોર્ક સિટી તેની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે. અહીં લગભગ 48% લોકો ખ્રિસ્તી, 11% યહૂદી અને લગભગ 9% (અંદાજે 10 લાખ) મુસ્લિમ વસ્તી છે. રાજકીય રીતે, આ શહેર ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ છે, જ્યાં લગભગ 70-75% મતદારો ડેમોક્રેટ્સને ટેકો આપે છે.
મુસ્લિમ મતદારોમાં 2021ની સરખામણીમાં 60% વધારો
અમેરિકન-ઈસ્લામિક રિલેશન કાઉન્સિલના અંદાજ મુજબ, ન્યૂયોર્ક સિટીમાં લગભગ 10 લાખ મુસ્લિમોમાંથી લગભગ 3.5 લાખ લોકો મતદાર તરીકે નોંધાયેલા છે. 2021ની મેયર ચૂંટણીમાં માત્ર 12% મુસ્લિમોએ મતદાન કર્યું હતું, પરંતુ 2025ની મેયર પ્રાઈમરીમાં તેમની મતદાનની ટકાવારી 2021ની સરખામણીમાં લગભગ 60% વધુ રહી હતી, જે ઝોહરાન મમદાનીની જીતમાં નિર્ણાયક સાબિત થઈ. ક્વીન્સના રહેવાસી 34 વર્ષીય ઝોહરાન મમદાની એ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પ્લેટફોર્મ પરથી ચૂંટણી લડી. તેમનો મુખ્ય ફોકસ કામકાજી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે સસ્તું જીવન અને સામાજિક ન્યાય પર રહ્યો. તેમના મુખ્ય એજન્ડામાં ભાડાને સ્થિર કરવું જેથી સામાન્ય લોકો માટે ઘર સસ્તા થાય, ફ્રી બસ ટ્રૅન્ઝિટ જેવી જાહેર સેવાઓ વધારવી, અને ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી મળી શકે તે માટે સિટી-સંચાલિત ગ્રોસરી સ્ટોર્સ બનાવવાનો સમાવેશ થતો હતો.
અસમાનતાને અભિયાનનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું
આ ઉપરાંત, તેમણે મૂડીવાદના વધતા પ્રભાવ અને કોર્પોરેટ વર્ગના એકાધિકારને પડકાર્યો, અને સ્પષ્ટ કર્યું કે. શહેરની નીતિઓ "અમુક લોકો માટે નહીં, પરંતુ બધા માટે" બનવી જોઈએ. ન્યૂયોર્કમાં 70,000થી વધુ બેઘર લોકો છે અને અમીરી-ગરીબી વચ્ચેની ખાઈ પણ ઊંડી છે, આ અસમાનતાને મમદાનીએ પોતાના અભિયાનનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું. વિવિધતાવાળા શહેરમાં મમદાનીએ દરેક સમુદાયને જોડવાની રણનીતિ અપનાવી. તેમને એશિયન મતદારોમાં લગભગ 58% સમર્થન મળ્યું. 36% શ્વેત મતદારો અને 30% હિઝપેનિક સમુદાયના મતો પણ તેમને મળ્યા. તેમનું ધ્યાન યુવા, પ્રગતિશીલ અને કામકાજી વર્ગ પર હતું.
મમદાની પરિવર્તન ઝંખતા મતદારોને એકત્રિત કરવામાં સફળ
આ ચૂંટણીમાં મમદાનીએ માત્ર રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને જ નહીં, પરંતુ પૂર્વ ગવર્નર એન્ડ્રુ ક્યુઓમોને પણ હરાવ્યા, જેમને ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળ્યું હતું. ક્યુઓમોની જૂની રાજકીય છબી અને વિવાદોએ તેમને નબળા પાડ્યા, જ્યારે મમદાની યુવાનો અને પરિવર્તન ઝંખતા મતદારોને એકત્ર કરવામાં સફળ રહ્યા. ઈસ્લામોફોબિયા અને 9/11ના આઘાત વચ્ચે મમદાનીની સફળતા એક મોટી વાત દર્શાવે છે. 9/11 પછીના ભયજનક માહોલ અને વધતા ઇસ્લામોફોબિયાનો સામનો કરીને, શહેરના મુસ્લિમ સમુદાયે ધીમે ધીમે પોતાની રાજકીય તાકાત ઊભી કરી.
લાખો લોકો માટે પરિવર્તનની આશા
ભારતીય મૂળના ઝોહરાન મમદાની એ સ્થાનિક સ્તરે રાજકીય સંસ્થાઓનું નિર્માણ કર્યું અને એવી રાજનીતિ અપનાવી જે તેમની ઓળખને સ્વીકારવાની સાથે સમાજમાં સમાનતા અને ન્યાયની વાત કરે. વર્ષોથી ચાલેલા આ પ્રયાસનું પરિણામ ઝોહરાન મમદાની છે, જેઓ આજે આ આંદોલનની સૌથી સફળ ઓળખ બની ગયા છે, અને લાખો લોકો માટે પરિવર્તનની આશા લઈને આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?