રવિવારે બ્રેમ્પટનમાં 'હિન્દુ સભા મંદિર' અને શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે રાજકારણીઓને મંદિરની સુવિધાઓનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.જ્યાં સુધી તેઓ ખાલિસ્તાની ઉગ્રવાદ સામે નક્કર પગલાં નહીં ભરે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.
કેનેડિયન નેશનલ હિંદુ કાઉન્સિલ (CNCH) અને હિંદુ ફેડરેશન, મંદિરના નેતાઓ અને કેટલાક હિંદુ હિમાયતી જૂથોએ આ જાહેરાત કરી હતી.
કેનેડિયન સમય મુજબ રવિવારે સાંજે, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો.આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ઘણા કેનેડિયન નેતાઓ સહિત વિશ્વભરમાંથી તેની નિંદા થઈ હતી.
CNCHએ જણાવ્યું હતું કે બ્રામ્પટનમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાએ કેનેડાના હિંદુ સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
એક નિવેદન મુજબ, "કથિત રીતે વિરોધ કરનારાઓ મંદિરના મુખ્ય દ્વાર પર એકઠા થયા હતા,બળજબરીથી પરિસરમાં ઘૂસીને મંદિરના સભ્યો અને દર્શનાર્થીઓ પર હુમલો કર્યો.આ ઘટનાથી સમુદાય આઘાતમાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે હિંદુ કેનેડિયનોએ તાજેતરના વર્ષોમાં હિંસાના વધતા બનાવોનો સામનો કરવો પડ્યો છે.હિન્દુ ધર્મસ્થળો પર મજબૂત સુરક્ષા માટે સમુદાયના નેતાઓ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી હતી. છતાં રાજકીય નેતાઓ વધતી દુશ્મનાવટને દૂર કરવા માટે નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા છે.
નિવેદનમાં જણાવાયું છે "સમગ્ર કેનેડામાં હિન્દુ મંદિરો અને સંસ્થાઓ હવે રાજકારણીઓને મંદિરની સુવિધાઓનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.રાજકારણીઓ ભલે તેઓ ગમે તે પક્ષના હોય, એક ભક્ત તરીકે મંદિરની મુલાકાત લઈ શકે છે.પરંતુ જ્યાં સુધી તેઓ ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દાને ઉકેલવા માટે નક્કર પ્રયાસો નહીં કરે, ત્યાં સુદી તેઓને મંદિરની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્દેશ હિંદુ સમુદાયના પવિત્ર સ્થળોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તમામ કેનેડિયનોની સલામતી અને ગૌરવની ખાતરી કરવા પગલાં લેવાની તેમની માંગને દર્શાવે છે.