30 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનની બારી તૂટી
મુસાફર હવામાં ફેંકાવા લાગ્યો, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ

30 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનની બારી તૂટી

30 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનની બારી તૂટી
Greece Flight Window Mishap: ગ્રીસના આકાશમાં હવામાં જ એક મોટી વિમાની દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ છે. રાયનએર (Ryanair) એરલાઇન્સની એક ફ્લાઇટ જ્યારે 30 હજાર ફૂટની અધધ ઊંચાઈ પર ઉડી રહી હતી, ત્યારે અચાનક વિમાનની એક બારી તૂટી ગઈ હતી. બારી તૂટવાના કારણે કેબિનની અંદર હવાનું દબાણ અચાનક ખૂબ જ ઓછું થઈ ગયું હતું, જેને તબીબી અને તકનીકી ભાષામાં ડિકમ્પ્રેશન કહેવામાં આવે છે. આ હબકાવી દેનારી ઘટના ગ્રીસના થેસાલોનિકીથી જર્મનીના મેમિંગેન જઈ રહેલી ફ્લાઇટમાં મેસેડોનિયાના આકાશની ઉપર બની હતી. હવાનું દબાણ ઘટતાં જ બારીની નજીક બેઠેલા 61 વર્ષીય વૃદ્ધ મુસાફર તીવ્ર વેગ સાથે વિમાનની બહાર ખેંચાવા લાગ્યા હતા અને તેમનું માથું તથા ખભાનો ભાગ બારીની બહાર નીકળી ગયો હતો, જેનાથી પ્લેનમાં સવાર અન્ય મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સામાન્ય રીતે વિમાનમાં મુસાફરી દરમિયાન, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધી બારીઓ અને દરવાજા સંપૂર્ણપણે હવાચુસ્ત રીતે બંધ રાખવામાં આવે છે. જોકે, આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હવામાં જ બારી તૂટી જતાં એક અત્યંત ખતરનાક અકસ્માત સર્જાયો હતો. આકાશમાં આટલી ઊંચાઈ પર હવાનું દબાણ પૃથ્વીના વાતાવરણ કરતાં ઘણું ઓછું હોય છે, જેથી પ્લેનની અંદર કૃત્રિમ રીતે દબાણ જાળવવામાં આવે છે. પરંતુ બારી તૂટતાં જ અંદરની હવા પૂરપાટ વેગે બહાર નીકળવા લાગી હતી, જેના સકંજામાં આ વૃદ્ધ મુસાફર આવી ગયા હતા.
સીટ બેલ્ટ અને પત્નીની સતર્કતાએ વૃદ્ધને મોતના મુખમાંથી બહાર કાઢ્યા
બારી તૂટતાં જ સર્જાયેલી અરાજકતા વચ્ચે એક ચમત્કારિક અને રોમાંચક બચાવ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ અને એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભયાનક પવનના કારણે વૃદ્ધ જ્યારે બારીની બહાર ફેંકાઈ રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલી તેમની પત્નીએ અત્યંત બહાદુરી પૂર્વક અને સમયસૂચકતા વાપરીને તેમના પગ જોરથી પકડી રાખ્યા હતા. સદનસીબે, પીડિત મુસાફરે પોતાનો સીટ બેલ્ટ બાંધેલો રાખ્યો હતો અને તેણે આ અકસ્માત દરમિયાન પણ બેલ્ટ ખોલ્યો ન હતો, જેના કારણે તેમનું આખું શરીર વિમાનની બહાર ગયું ન હતું અને તેઓ નીચે પડી જવાથી બચી ગયા હતા. પોતાની નજર સામે આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસ બેઠેલા સાથી પ્રવાસીઓ પણ તુરંત વહારે આવ્યા હતા અને તેમણે વૃદ્ધને જોરથી પકડીને પાછા પ્લેનની અંદર ખેંચી લીધા હતા. ઘાયલ મુસાફર સર્બિયાનો પ્રવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોકે તે વિમાનમાંથી બહાર પડતાં બચી ગયો હતો, પરંતુ હવામાં તીવ્ર ઘર્ષણ થવાના કારણે તેને શરીર પર દાઝી જવા જેવી ગંભીર ઇજાઓ થઈ છે. ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની હાલત સંપૂર્ણપણે સ્થિર છે.
ટાયર ફાટવા જેવો જોરદાર અવાજ અને કેબિનમાં ઓક્સિજન માસ્ક નીચે આવ્યા
આ કાળઝાળ ઘટના શુક્રવારે વહેલી સવારે ઘટી હતી, જ્યારે વિમાને ગ્રીસના સમય મુજબ સવારે 5.55 વાગ્યે થેસાલોનિકીથી જર્મની જવા માટે સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. ફ્લાઇટમાં સવાર એક મહિલા મુસાફરે રેડિયો થેસાલોનિકીને આપેલા ઇન્ટરવ્યુમાં તે ડરામણી ક્ષણો યાદ કરતાં જણાવ્યું હતું કે, ઘટના સમયે ફ્લાઇટમાં હાજર મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા અને તેમની આંખો બંધ હતી. ત્યારે જ અચાનક વિમાનનું ટાયર ફાટ્યું હોય તેવો એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો અને તેની સાથે જ ચારેય બાજુથી લોકોની ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી.
'પ્લેનની અંદર ડિકમ્પ્રેશન થયું'
મહિલાએ ઉમેર્યું કે, અમને તરત જ ખ્યાલ આવી ગયો કે પ્લેનની અંદર ડિકમ્પ્રેશન થયું છે. ચીસો સાંભળીને થોડીવાર માટે તો મને એવું લાગ્યું કે કોઈ મુસાફરે ભૂલથી વિમાનનો ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો છે. આ અકસ્માત બાદ તરત જ પ્લેનમાં ઇમરજન્સી ઓક્સિજન માસ્ક આપોઆપ નીચે આવી ગયા હતા અને આખી કેબિનમાં એક અજાણી તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી લોકો વધુ ભયભીત થઈ ગયા હતા. તે જ સમયે અમે જોયું કે એક મુસાફરનું માથું અને ખભા બારીની બહાર હતા, જેને લોકોએ પકડી રાખ્યો હતો.
એન્જિનના કાટમાળથી બારી તૂટવાની આશંકા
ગ્રીક મીડિયાના પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાન હવામાં હતું ત્યારે તેના એન્જિનમાંથી કોઈ કાટમાળનો ટુકડો છૂટો પડીને બારી સાથે અથડાયો હોઈ શકે છે, જેના કારણે બારીની શીટ તૂટીને અલગ થઈ ગઈ હતી. જોકે, રાયનએર એરલાઇન્સ કે નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આ કારણની હજુ સુધી કોઈ સત્તાવાર અને આખરી પુષ્ટિ કરવામાં આવી નથી. આયરિશ એરલાઇન્સ રાયનએરે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મુસાફર વાળી બારી તૂટી જવાના કારણે પાયલોટે નિયમો અનુસાર તુરંત જ વિમાનને પાછું થેસાલોનિકી તરફ વાળી દીધું હતું.
પ્લેનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ
ત્યારબાદ વિમાનનું એરપોર્ટ પર સામાન્ય અને સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને ટર્મિનલ પર સુરક્ષિત રીતે પરત ખસેડાયા હતા. એરલાઇને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, બાકીના મુસાફરોને જર્મનીના મેમિંગેન ખાતે તેમના નિયત સ્થળે પહોંચાડવા માટે તાત્કાલિક અન્ય બીજા વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં આ ગંભીર તકનીકી ખામી અને ઘટના પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ રાખવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?