પાકિસ્તાનમાં ઈંધણ સંકટ: પગાર કાપ અને શાળાઓ બંધ
મિડલ ઈસ્ટ તણાવની અસર, પેટ્રોલ મોંઘું અને સરકારી ખર્ચ ઘટાડવા કડક નિર્ણય

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસરો હવે વૈશ્વિક સ્તરે દેખાવા લાગી છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી તેલ અને ગેસનો પુરવઠો ખોરવાતા વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે, પરંતુ પડોશી દેશ પાકિસ્તાનની હાલત સૌથી વધુ કફોડી બની છે. આર્થિક રીતે પહેલેથી જ નબળા પાકિસ્તાનમાં ઈંધણની એવી અછત સર્જાઈ છે કે સરકારે દેશને બચાવવા માટે કટોકટી જેવા આકરા પગલાં લેવાની ફરજ પડી છે.
પેટ્રોલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો :
શાહબાઝ શરીફ સરકારે દેશમાં ઈંધણના વપરાશને નિયંત્રિત કરવા માટે રાતોરાત પેટ્રોલના ભાવમાં 55 પાકિસ્તાની રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે અને પરિવહન ખર્ચમાં અનેકગણો વધારો થયો છે.
શિક્ષણ અને સરકારી કચેરીઓ પર નિયંત્રણો :
ઈંધણ બચાવવા માટે સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારો કર્યા છે. આગામી 31 માર્ચ સુધી દેશની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હવે ઓનલાઈન ક્લાસ લેવાની સૂચના અપાઈ છે જેથી વાહનોનો વપરાશ ઘટાડી શકાય.
સરકારી વિભાગોમાં પણ 50 ટકા કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવામાં આવ્યું છે. બેંકો સિવાયની તમામ સરકારી કચેરીઓ હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે. મંત્રાલયો અને સરકારી કચેરીઓમાં ફર્નિચર, એસી કે નવી ગાડીઓની ખરીદી પર જૂન મહિના સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં કાપ :
આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર પણ તરાપ મારી છે. પાકિસ્તાનના તમામ મંત્રીઓને આગામી બે મહિના સુધી પગાર અને કોઈપણ પ્રકારના ભથ્થાં આપવામાં આવશે નહીં. આ સાથે જ ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો કાપ મુકાયો છે.
ઉચ્ચ અધિકારીઓ જેઓ 3 લાખથી વધુ વેતન મેળવે છે, તેમના બે દિવસનો પગાર કાપવામાં આવશે. સરકારી વાહનોના પેટ્રોલ-ડીઝલ ભથ્થામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 60 ટકા સરકારી વાહનોને હાલ પૂરતા થંભાવી દેવાયા છે.
ખર્ચ કાપ માટે અન્ય કડક પગલાં :
સરકારે સરકારી ખર્ચે થતી ઈફ્તાર પાર્ટીઓ, ઓફિશિયલ ડિનર અને સેમિનાર પર પણ રોક લગાવી દીધી છે. એટલું જ નહીં, મંત્રીઓ અને સરકારી બાબુઓના વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ પગલાં સૂચવે છે કે પાકિસ્તાન હાલમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?