Flydubai Flight FZ1073: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટ FZ1073માં થયેલી ખતરનાક ઘટના બાદ મધ્યપૂર્વનું ભૂરાજકીય તણાવ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. 30 સપ્ટેમ્બરે ફ્લાઈટમાં સહ-પાઈલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વિમાન લગભગ 14,000 ફૂટ નીચે આવી ગયું હતું. કેપ્ટને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલી મદદ માટે સંકેત આપ્યો અને મુસાફરો તથા ક્રૂએ મળીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
ફ્લાઈટમાં શું થયું હતું?
રિપોર્ટ મુજબ, ફ્લાઈટમાં ઓમાનનો હોવાનું જણાવાયેલો સહ-પાઈલટ કોકપિટમાં કેપ્ટન પર હુમલો કરીને વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે હુમલા બાદ પણ કોકપિટનો દરવાજો ખોલ્યો, જેના કારણે મુસાફરો અંદર પહોંચી શક્યા અને સહ-પાઈલટને કાબૂમાં લેવામાં આવ્યો. ઈઝરાયેલી મુસાફરોમાંથી એક વ્યક્તિએ પણ વિમાનને સ્થિર કરવામાં મદદ કરી હતી. આ ઘટનાને કારણે વિમાનમાં સવાર 170થી વધુ મુસાફરો પર મોટું જોખમ ઊભું થયું હતું. UAE સત્તાવાળાઓએ હવે તપાસ શરૂ કરી છે કે આ ઘટનામાં આતંકવાદી હેતુ અથવા પૂર્વયોજિત કાવતરું હતું કે નહીં.
ઈરાન સાથે કનેક્શન છે? ટ્રમ્પે શું કહ્યું?
ઘટના બાદ સૌથી મોટો ભૂરાજકીય સવાલ ઈરાનની સંભવિત સંડોવણીને લઈને ઊભો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને મળતી માહિતીના આધારે ફ્લાઈટ હુમલા અને ઈરાન વચ્ચે કોઈ કનેક્શન હોવાની શક્યતા છે. જોકે ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે તપાસ હજુ ચાલી રહી છે અને તેમણે કોઈ પુરાવા જાહેર કર્યા નથી. ટ્રમ્પે વધુમાં ચેતવણી આપી કે જો ઈરાન આ ઘટનામાં જવાબદાર હોવાનું સાબિત થશે તો અમેરિકા તરફથી કડક કાર્યવાહી થઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ ભારે તણાવ ચાલી રહ્યો છે.
નેતન્યાહૂએ પણ ઈરાન કનેક્શન પર સાવચેતી રાખી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સહ-પાઈલટને કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત અને આત્મઘાતી મિશન પર હોવાની વાત કરી છે. જોકે ઈરાન સીધી રીતે આ ઘટનામાં સામેલ હતું કે નહીં તે નક્કી કરવા માટે તપાસ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ઈઝરાયલી અને UAE તપાસ એજન્સીઓ હાલ ઘટનાની પૃષ્ઠભૂમિ, સહ-પાઈલટનો હેતુ અને કોઈ સંભવિત સંગઠન અથવા બાહ્ય કનેક્શનની તપાસ કરી રહી છે. અત્યાર સુધી ઈરાન સાથે સીધો સંબંધ સાબિત કરતો જાહેર પુરાવો સામે આવ્યો નથી.
ઈરાનના સરકારી મીડિયા રિપોર્ટમાં નેતન્યાહૂ પર આરોપ
આ વચ્ચે ઈરાનના સરકારી મીડિયા Press TVમાં એક અહેવાલ પ્રકાશિત થયો, જેમાં એક અજાણ્યા પ્રાદેશિક સૂત્રને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો કે ફ્લાઈટની ઘટના પાછળ નેતન્યાહૂની કથિત ભૂમિકા હોઈ શકે છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ ઘટનાનો ઉપયોગ ઈરાન સામે અમેરિકી કાર્યવાહી માટે વાતાવરણ ઊભું કરવા થઈ શકે છે.
અમેરિકાએ મધ્યપૂર્વમાં 9,000 સૈનિકો મોકલ્યા
ફ્લાઈટ ઘટનાના વિવાદ વચ્ચે અમેરિકા મધ્યપૂર્વમાં પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે. અમેરિકી સત્તાવાળાના જણાવ્યા મુજબ લગભગ 9,000 સૈનિકોને જહાજોના જૂથ સાથે મધ્યપૂર્વ તરફ મોકલવામાં આવી રહ્યા છે. આ તૈનાતીમાં USS Theodore Roosevelt એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અને USS Makin Island એમ્ફિબિયસ રેડીનેસ ગ્રુપ સામેલ છે. આ તૈનાતી બાદ ઓક્ટોબરના અંત સુધીમાં મધ્યપૂર્વ વિસ્તારમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર હોવાની શક્યતા છે.
ઈરાન પર નવા હુમલાની શક્યતા?
અમેરિકી સૈન્યની નવી તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પે ઈરાન સામે ફરી હુમલાની શક્યતા નકારી નથી. તાજેતરના અહેવાલો મુજબ ટ્રમ્પે નવેમ્બરની અમેરિકી મધ્યાવધી ચૂંટણી બાદ ઈરાન પર ફરી સૈન્ય કાર્યવાહી વધારવાની સંભાવના અંગે વાત કરી છે. આ સ્થિતિમાં ફ્લાયદુબઈ ફ્લાઈટની ઘટના માત્ર એક ઉડ્ડયન સુરક્ષા કેસ રહી નથી. ઈરાન-અમેરિકા તણાવ, ઈઝરાયલની સુરક્ષા અને મધ્યપૂર્વમાં વધી રહેલી અમેરિકી સૈન્ય હાજરીને કારણે આ ઘટનાના આંતરરાષ્ટ્રીય અને ભૂરાજકીય પરિણામો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
હાલ તપાસ ચાલુ છે
ફ્લાયદુબઈ FZ1073 ઘટનામાં સહ-પાઈલટનો હેતુ, સંભવિત આતંકવાદી કનેક્શન અને કોઈ બાહ્ય સંગઠન અથવા દેશની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને મુસાફરોની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ઈરાન કનેક્શન કે કોઈ પૂર્વયોજિત આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનો અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ આવી શકે છે.