ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના સતત હુમલામાં પેલેસ્ટાઈનનો મૃત્યુઆંક 43 હજારથી વધુ થઈ ગયો છે. અને આ હુમલાઓને કારણે 1 લાખથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આરોગ્ય અધિકારીઓએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 48 કલાકમાં, ઇઝરાયેલી સૈન્ય હુમલામાં 96 લોકો માર્યા ગયા હતા અને 277 અન્ય ઘાયલ થયા હતા. ઘણા પીડિતો હજુ પણ કાટમાળ નીચે છે અને એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ ટીમો તેમના સુધી પહોંચી શકી નથી.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તેના સૈનિકોએ ગાઝામાં લક્ષ્યાંકિત દરોડા ચાલુ રાખ્યા છે. અગાઉ, IDFએ દાવો કર્યો હતો કે તેણે ગાઝાના જબાલિયામાં કમલ અડવાન હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન લગભગ 100 આતંકવાદીઓને પકડ્યા હતા.
IDFએ જણાવ્યું હતું કે 'આતંકવાદીઓએ પોતાને હોસ્પિટલની અંદર છૂપાવી લીધા હતા' એવી ગુપ્ત માહિતીને પગલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડાનો ઉદ્દેશ્ય 'આતંકવાદી ગતિવિધિઓને વિક્ષેપિત કરવાનો અને આતંકવાદીઓને પકડવાનો' હતો.
દરમિયાન, હોસ્પિટલના ડિરેક્ટર હુસમ અબુ સફિયાએ હોસ્પિટલ અને તેના દર્દીઓ અને સ્ટાફને વધુ ઇઝરાયેલી હુમલાઓથી બચાવવા માટે X પર ચેતવણી જારી કરી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલના 31 કર્મચારીઓને કાં તો પકડવામાં આવ્યા છે અથવા તેમની ધરપકડ કરવામાં આવી છે.
હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારથી, ઇઝરાયેલ હમાસ દ્વારા નિયંત્રિત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યું છે.
ઈઝરાયેલના હુમલાએ ગાઝામાં તબાહી મચાવી છે. તાજેતરમાં, યુએનના અધિકારી ફિલિપ લાઝારિનીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુએનના નવીનતમ અભ્યાસને ટાંકીને કહ્યું હતું કે યુદ્ધે પેલેસ્ટિનિયન અર્થતંત્રને બરબાદ કરી દીધું છે.ગાઝાની લગભગ સમગ્ર વસ્તી ગરીબીમાં જીવે છે, જેમાં આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો 70 વર્ષ પાછળ છે.