કેનેડામાં હિંદુઓની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તેમને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો મામલો બ્રામ્પટનનો છે, જ્યાં ખાલિસ્તાનીઓએ બ્રામ્પટનના હિન્દુ સભા મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે બ્રામ્પટનના હિન્દુ સભા મંદિરમાં જે હિંસાની ઘટનાઓ બની તે અસ્વીકાર્ય છે.તેમણે કહ્યું કે, કેનેડામાં રહેતા તમામ નાગરિકો તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. હું પીલ પ્રાદેશિક પોલીસનો હિંદુ સમુદાયના રક્ષણ અને આ ઘટનાની તપાસ કરવા માટે તેમના ત્વરિત પ્રતિભાવ બદલ આભાર માનું છું.
આ મામલે હવે ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બાજુમાં કોન્સ્યુલર કેમ્પની બહાર ભારત વિરોધી તત્વો દ્વારા હિંસક પ્રવૃત્તિઓ જોવા મળી હતી."
ભારતે કેનેડાની જસ્ટિસ ટ્રુડો સરકારને સ્પષ્ટપણે કહ્યું કે "કેનેડામાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે, કેનેડિયન સત્તાવાળાઓને પહેલાથી જ આ કાર્યક્રમો માટે મજબૂત સુરક્ષા પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી, જે નિયમિત કોન્સ્યુલર કાર્યો છે."
બ્રેમ્પટનના મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વીડિયોમાં ખાલિસ્તાન તરફી લોકો મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ અચાનક આ લોકોએ હુમલો કર્યો. ખાલિસ્તાન સમર્થકોએ હિંદુઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો અને મંદિરમાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો. મામલો વણસતા પોલીસે સ્થળ પર પહોંચીને આ લોકોને શાંત પાડ્યા હતા.
કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક મામલા સામે આવ્યા છે. કેનેડામાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક મંદિરોની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવે છે.
હકીકતમાં, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર અચાનક હુમલો કર્યો. વિજય જૈન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે કેનેડાની પીલ પોલીસને જાણ કરી હતી. જૈને કહ્યું પોલીસ ક્યાં છે? હિંદુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ ભક્તો પર હુમલો કરી રહ્યા છે. જૈને ટ્વિટમાં કેનેડાના પીએમને પણ ટેગ કર્યા છે. આ પછી તરત જ પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો.
નેપિયન સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આજે ખાલિસ્તાની સમર્થકોએ રેડ લાઈન ક્રોસ કરી છે. હિન્દુ સભા મંદિરની અંદર હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પરનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો ઊંડો બની ગયો છે. ખાલિસ્તાનીઓએ અમારી કાયદાકીય એજન્સીઓમાં સંપૂર્ણપણે ઘૂસણખોરી કરી છે.
તેમણે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને કેનેડામાં મુક્તિ મળી રહી છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે આપણા સમુદાયની સુરક્ષા માટે હિંદુ-કેનેડિયનોએ આગળ આવવું પડશે અને તેમના અધિકારોનો દાવો કરવો પડશે અને રાજકારણીઓને જવાબદાર ઠેરવવા પડશે.