250 વર્ષ માટે દાટી દેવાશે અમેરિકાની ટાઈમ કેપ્સ્યુલ
ભવિષ્યની પેઢી માટે iPhone 17 થી લઈને AI સુધીની યાદગાર વસ્તુઓ ટાઈમ કેપ્સ્યુલમાં દફનાવાઈ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
America's unique time capsule to be opened after 250 years: અમેરિકા પોતાની આઝાદીના 250 વર્ષની ઉજવણીને ઐતિહાસિક બનાવવા માટે અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. આજે એટલે કે 4 જુલાઈ 2026ના રોજ ફિલાડેલ્ફિયાના ઇન્ડિપેન્ડન્સ નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં વિશેષ રીતે તૈયાર કરાયેલી 408 કિલોગ્રામ વજનની ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દફનાવવામાં આવશે. આ કેપ્સ્યુલ આગામી 250 વર્ષ સુધી બંધ રહેશે અને વર્ષ 2276માં ખોલવામાં આવશે. જેથી ભવિષ્યની પેઢી વર્ષ 2026ના અમેરિકાને નજીકથી સમજી શકે.
ભવિષ્ય માટે સંભાળવામાં આવી અનોખી વસ્તુઓ
આ ટાઈમ કેપ્સ્યુલમાં અમેરિકાના તમામ 50 રાજ્યો અને સામાન્ય નાગરિકો દ્વારા પસંદ કરાયેલી અનેક ઐતિહાસિક અને આધુનિક વસ્તુઓ રાખવામાં આવી છે. તેમાં iPhone 17, વ્હેલનું હાડકું, કોકાકોલાની બોટલ, વિશ્વના સૌથી મોટા જિપ્સમ રણની રેતી, રાઈટ બંધુઓના વિમાનનું કાપડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભવિષ્યવાણીઓ અને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ ભવિષ્યના લોકો માટે આજના સમયની ટેક્નોલોજી, સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતિબિંબ બનશે.

ટાઈમ કેપ્સ્યુલ એટલે શું?
ટાઈમ કેપ્સ્યુલ એ એક એવું વિશેષ કન્ટેનર છે જેમાં કોઈ ચોક્કસ સમયગાળાની વસ્તુઓ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેનો હેતુ માત્ર વસ્તુઓ સાચવવાનો નથી, પરંતુ જે તે સમયની જીવનશૈલી, વિચારસરણી, વૈજ્ઞાનિક પ્રગતિ અને સામાજિક પરિસ્થિતિઓને ભવિષ્ય સુધી પહોંચાડવાનો હોય છે. વર્ષો પછી જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તે સમયનું જીવંત દસ્તાવેજ બની રહે છે.
250 વર્ષ સુધી સુરક્ષિત રહે તે માટે ખાસ ટેક્નોલોજી
આ ટાઈમ કેપ્સ્યુલને લાંબા સમય સુધી નુકસાન ન પહોંચે તે માટે વૈજ્ઞાનિકોએ ખાસ ડિઝાઇન તૈયાર કરી છે. કેપ્સ્યુલને સિલિન્ડર આકાર આપવામાં આવ્યો છે. કારણ કે આ આકાર પાણી અને દબાણ સામે વધુ મજબૂત માનવામાં આવે છે. તેને સંપૂર્ણપણે હવા બંધ બનાવવા માટે ઇન્ડિયમ નામની વિશેષ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સૂક્ષ્મ તિરાડોને પણ સીલ કરી દે છે.
કેપ્સ્યુલની અંદર આશરે 35 ટકા ભેજનું નિયંત્રણ રાખવામાં આવ્યું છે. જેથી કાગળ, કાપડ અને અન્ય સામગ્રી વર્ષો સુધી ખરાબ ન થાય. તેને જમીનની અંદર લગભગ 10 ફૂટ ઊંડે દફનાવવામાં આવશે. જ્યાં તાપમાન અને હવામાનની અસર ઓછી રહે છે.
પાણી અને કાટથી બચાવવા ડબલ સુરક્ષા વ્યવસ્થા
જમીનની અંદર પાણી સૌથી મોટું જોખમ માનવામાં આવે છે. તેથી મુખ્ય કેપ્સ્યુલની બહાર વધુ એક સ્ટીલ સિલિન્ડર મૂકવામાં આવશે. બંને વચ્ચે રહેલી હવાની પરત બહારનું પાણી અંદર પ્રવેશતું અટકાવશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ ડિઝાઇનના કારણે ભૂગર્ભ જળસ્તર વધે અથવા પૂર આવે તો પણ કેપ્સ્યુલ સુરક્ષિત રહી શકે છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ કેપ્સ્યુલ સુધી પાણી પહોંચી જશે તો તેનો અર્થ એ થશે કે સમગ્ર વિસ્તાર ગંભીર કુદરતી સંકટનો સામનો કરી રહ્યો હશે.
ટાઈમ કેપ્સ્યુલ પાછળનો મુખ્ય હેતુ
આ પ્રોજેક્ટનો હેતુ માત્ર ઐતિહાસિક દસ્તાવેજો સાચવવાનો નથી. અમેરિકા ઇચ્છે છે કે 250 વર્ષ પછીની પેઢી વર્ષ 2026ની ટેક્નોલોજી, સમાજ, જીવનશૈલી અને લોકોની વિચારસરણીને મૂળ સ્વરૂપમાં જોઈ શકે. આ કારણસર તેમાં સરકારી દસ્તાવેજો ઉપરાંત સામાન્ય નાગરિકોની પસંદગીની વસ્તુઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતમાં પણ ટાઈમ કેપ્સ્યુલનો ઇતિહાસ
ભારતમાં પણ ટાઈમ કેપ્સ્યુલનો ઇતિહાસ રહ્યો છે. વર્ષ 1973માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા નજીક 'કલ્પપાત્ર' નામની ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દફનાવી હતી. તેમાં સ્વતંત્રતા પછીના 25 વર્ષના દેશના ઇતિહાસ અને વિકાસનો રેકોર્ડ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. ઇન્દિરા સરકારનું કહેવું હતું કે, તેમાં આઝાદી પછી દેશની 25 વર્ષની સિદ્ધિઓ લખેલી છે. જ્યારે વિરોધીઓએ કહ્યું કે, તેમાં ફક્ત નેહરુ-ઇન્દિરા પરિવારનું મહિમા મંડન છે. વર્ષ 1977માં મોરારજી દેસાઈની સરકાર બન્યા પછી તેને જમીનમાંથી કાઢી લેવામાં આવ્યું હતું. જો કે, તેમાં શું લખેલું હતું તે જાણી શકાયું નથી.
વિશ્વની સૌથી પ્રસિદ્ધ ટાઈમ કેપ્સ્યુલો
વિશ્વમાં અનેક ટાઈમ કેપ્સ્યુલો જાણીતી છે. અમેરિકાની ઓગલેથોર્પ યુનિવર્સિટીમાં આવેલી 'ક્રિપ્ટ ઓફ સિવિલાઈઝેશન' સૌથી લાંબા ગાળાની એટલે કે 6 હજાર વર્ષ સુધીની ટાઈમ કેપ્સ્યુલ માનવામાં આવે છે. તેને અમેરિકાના એટલાન્ટા રાજ્યની ઓગલેથોર્પ યુનિવર્સિટીના પરિસરમાં જમીનની નીચે દફનાવી તે જ દિવસે સ્ટેનલેસ સ્ટીલનો દરવાજો વેલ્ડ કરીને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમાં તે સમયની પુસ્તકો, ફિલ્મો, ઓડિયો રેકોર્ડિંગ્સ, ઘરનો સામાન, અખબારો, વૈજ્ઞાનિક સાધનો અને રોજિંદી વસ્તુઓ રાખવામાં આવી છે. તેને વર્ષ 8113માં ખોલવામાં આવશે.
તેવી જ રીતે ન્યૂયોર્કમાં વેસ્ટિંગહાઉસ ટાઈમ કેપ્સ્યુલને 1939માં દફનાવવામાં આવ્યું હતું. તેમાં પણ તે સમયની રોજિંદી વસ્તુઓ રાખવામાં આવી છે. તેને વર્ષ 6939માં ખોલવાની યોજના છે. આવા પ્રોજેક્ટ્સ માનવ સંસ્કૃતિ અને ઇતિહાસને ભવિષ્ય માટે સાચવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?