અમેરિકામાં યુ વિઝા ફ્રોડમાં 11 ગુજરાતીઓ ઝડપાયા
ખોટી લૂંટ કરાવી અમેરિકામાં લીગલ થવાના પ્રયાસમાં 11 ગુજરાતીઓ સામે કાર્યવાહી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
અમેરિકામાં ગેરકાયદે રહેલા કેટલાક ગુજરાતીઓ પર યુ વિઝા મેળવવા માટે ખોટી લૂંટ કરાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અમેરિકાની તપાસ એજન્સીઓએ આ મામલે 11 ગુજરાતીઓને આરોપી બનાવ્યા છે. તપાસ મુજબ આ લોકો બોસ્ટન અને તેની આસપાસના વિસ્તારોમાં નકલી લૂંટની ઘટનાઓ ગોઠવીને યુ વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ કેસમાં જિતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, દીપિકા પટેલ, રમેશ પટેલ, અમિતા પટેલ, રોનક પટેલ, સંગીતા પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલના નામ સામે આવ્યા છે. આ પૈકી દીપિકા પટેલને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો હજુ અમેરિકામાં છે. તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના લોકો મેસાચ્યુસેટ્સ રાજ્યમાં રહે છે અને તેમની પાસે હાલમાં કોઈ કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ નથી.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર 13 માર્ચે જિતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, અમિતા પટેલ, સંગીતા પટેલ અને મિતુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને ફેડરલ કોર્ટમાં રજૂ કરીને શરતી જામીન આપવામાં આવ્યા હતા. બીજી તરફ રમેશ પટેલ, રોનક પટેલ, સોનલ પટેલ અને મિંકેશ પટેલને કન્ટકી, મિસૌરી અને ઓહાયો રાજ્યમાંથી ધરપકડ કરીને બોસ્ટન સ્થિત ફેડરલ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તપાસમાં ખુલ્યું છે કે માર્ચ 2023 દરમિયાન ન્યૂયોર્કમાં રહેતા રામ પટેલ અને તેના સાથીદારોએ મેસાચ્યુસેટ્સ સહિત અનેક સ્થળોએ કન્વિનિયન્સ સ્ટોર, લીકર શોપ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં નકલી લૂંટની ઘટનાઓ ગોઠવી હતી. આ તમામ ઘટનાઓનો મુખ્ય હેતુ લૂંટના ભોગ બનનાર તરીકે દર્શાવીને યુ વિઝા મેળવવાનો હતો.
આ કૌભાંડમાં લૂંટની ઘટનાને વિશ્વસનીય બનાવવાની ખાસ ગોઠવણ કરવામાં આવતી હતી. નક્કી કરાયેલા સ્થળે હથિયાર બતાવીને રોકડ રકમ લઈ ભાગી જતો હતો. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. ત્યારબાદ થોડા સમય પછી સ્ટોરના માલિક અથવા કર્મચારી પોલીસને જાણ કરતા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ખોટી લૂંટ ગોઠવવા માટે રામ પટેલને મોટી રકમ ચૂકવી હતી. આ પૈસામાંથી જ લૂંટની ઘટના ગોઠવનાર અને સ્ટોર માલિકોને પણ ચૂકવણી કરવામાં આવતી હતી. રામ પટેલ અગાઉ પણ આ કેસમાં ધરપકડાઈ ચૂક્યો છે અને તેને ઓગસ્ટ 2025માં જેલ સજા ફટકારવામાં આવી હતી. હાલ તે સજા પૂરી કરીને બહાર આવ્યો છે.
અમેરિકી કાયદા મુજબ વિઝા ફ્રોડ ગંભીર ગુનો ગણાય છે. આ પ્રકારના ગુનામાં પાંચ વર્ષ સુધીની જેલ સજા, ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ રહેવાની સજા તેમજ 2.5 લાખ ડોલર સુધીનો દંડ પણ થઈ શકે છે. જોકે ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક આરોપીઓને સ્વૈચ્છિક રીતે દેશમાં પરત જવાની તક આપવામાં આવી શકે છે.
અમેરિકામાં યુ વિઝા તેવા ઇમિગ્રન્ટ્સ માટે બનાવવામાં આવ્યા છે જે કોઈ ગુનાના ભોગ બનેલા હોય અને પોલીસ તપાસમાં સહકાર આપે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ નિયમનો દુરુપયોગ વધ્યો હોવાના કેસ સામે આવ્યા છે. ખાસ કરીને કેટલાક લોકો નકલી લૂંટ કે અન્ય બનાવો ગોઠવીને યુ વિઝા મેળવવાનો પ્રયાસ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
માહિતી મુજબ ખોટી લૂંટ ગોઠવવા માટે 15 થી 20 હજાર ડોલર સુધીની રકમ લેવામાં આવતી હતી. એકવાર યુ વિઝા માટે અરજી કર્યા પછી વ્યક્તિને વર્ક પરમિટ મળી શકે છે અને ત્યારબાદ પરિવારના સભ્યોને પણ અમેરિકામાં બોલાવવાની તક મળે છે. આ કારણે ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે આ રસ્તો આકર્ષક બન્યો હતો.
પરંતુ અમેરિકી એજન્સીઓ હવે આવા કેસોની કડક તપાસ કરી રહી છે. લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપી ઝડપાઈ જાય તો તેની સાથે જોડાયેલા તમામ લોકો સુધી તપાસ પહોંચી શકે છે. કેટલાક કેસોમાં વર્ષો પછી પણ લાભાર્થીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા રહે છે.
વિશેષજ્ઞોના મતે યુ વિઝા મેળવવા માટે ફેક રોબરીનો રસ્તો જોખમી બની રહ્યો છે. કૌભાંડ પકડાઈ જાય તો જેલ સજા સાથે ડિપોર્ટ થવાનો ખતરો પણ ઉભો થાય છે. તેથી આવા ગેરકાયદેસર રસ્તાઓથી બચવા માટે ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું જરૂરી છે.
U Visaનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કોઈ સિંગલ વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહેતો હોય અને તેના U Visa અપ્રુવ થઈ જાય તો તે ઈન્ડિયાથી પોતાના ફેમિલી મેમ્બર્સને પણ અમેરિકા બોલાવી શકે છે. આ રીતે ઘણા ગુજરાતીઓ અમેરિકા પહોંચી હાલ ત્યાંના સિટીઝન પણ થઈ ચૂક્યા છે અને તેમાંય શિકાગો તો તેના માટે ખાસ્સું જાણીતું છે.
જોકે, તેના માટે એપ્લાય કર્યા બાદ વર્ક પરમિટ મેળવી શકાય છે અને વિઝા ના આવે ત્યાં સુધી આ પરમિટને રિન્યૂ પણ કરાવી શકાય છે. આમ તો U Visaનો હેતુ ક્રાઈમનો ભોગ બનેલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ પોલીસ પાસે જતા ડરે નહીં તેવો હતો પરંતુ ગુજરાતીઓએ તેનો ભરપૂર ગેરફાયદો ઉઠાવ્યો છે અને કેટલાક લોકોએ તો તેમાં લાખો ડોલરની કમાણી પણ કરી લીધી છે.
એક સમય હતો કે જ્યારે ગુજરાતીઓ કાયદાનો જરાય ડર રાખ્યા વિના ફેક રોબરી કરાવી લેતા હતા, પરંતુ હવે અમેરિકાની સરકાર પણ આ ખેલ સારી રીતે જાણી ગઈ હોવાથી આવા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હજુ ગયા વર્ષે જ શિકાગોની નજીકના એક ટાઉનમાં એક ગુજરાતી માટે ફેક રોબરી કરાવાઈ હતી જેમાં લૂંટારો અડધો કલાક મોડો આવ્યો હતો.
આ મામલો જ્યારે પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે એવો સવાલ ઉઠાવ્યો હતો કે કસ્ટમર તરીકે ગેસ સ્ટેશન પર ગયેલો વિક્ટિમ અડધો કલાક સુધી ગેસ સ્ટેશન પર શું કરતો હતો? આ મુદ્દો ઉપસ્થિત થતાં રોબરી કરાવનારાએ U Visa માટે એપ્લાય કરવાનું માંડી વાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો શિકાગોમાં આજે પણ મોટાપાયે ફેક રોબરી થઈ જ રહી છે અને તેનો લાભ લેનારા મોટાભાગના ગુજરાતીઓ જ હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?