પશ્ચિમ બંગાળમાં ‘કેસરીયો’ સૂર્યોદય
શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
Suvendu Adhikari Oath Ceremony: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે નવમી મે, 2026ના રોજ એક નવો અધ્યાય લખાયો છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના કદાવર નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ ભવ્ય સમારોહ સાથે જ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. સવારે 11 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આર.એન. રવિએ શુભેન્દુ અધિકારીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
શક્તિ પ્રદર્શન અને VVIP મહેમાનોનો જમાવડો
આ શપથવિધિ સમારોહ માત્ર સત્તા પરિવર્તનનું પ્રતીક નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એક પ્રચંડ શક્તિ પ્રદર્શન પણ બની રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એનડીએ શાસિત ૨૦ જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કોલકાતા પહોંચ્યા હતા. મહેમાનોની યાદીમાં મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, રાજસ્થાનના પ્રેમચંદ બૈરવા, અને હરિયાણાના નાયબ સિંહ સૈનીનો સમાવેશ થતો હતો. પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ પેમા ખાંડુ, નેફિયુ રિયો અને હિમંતા બિસ્વા સરમાએ પણ હાજરી આપી હતી. વડાપ્રધાન મોદી જ્યારે પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા ત્યારે શુભેન્દુ અધિકારીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને સ્ટેજ પર પહોંચતાની સાથે જ 98 વર્ષીય વરિષ્ઠ ભાજપ કાર્યકર માખનલાલ સરકારનું શાલ ઓઢાડી અને પગે લાગીને સન્માન કર્યું, જે ક્ષણે સૌના દિલ જીતી લીધા હતા.
‘સોનાર બાંગ્લા’ની થીમ અને ભાવુક ક્ષણો
સમારોહને ‘સોનાર બાંગ્લા’ ની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો. મંચ પરથી રવીન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સમારોહની સૌથી ભાવુક ક્ષણ એ હતી જ્યારે મંચ પર એ ૨૦૦ પરિવારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું જેમના સભ્યોએ પાછલા વર્ષોમાં રાજકીય હિંસામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આ પરિવારોને આમંત્રિત કરીને સંદેશ આપ્યો કે આ નવી સરકાર તેમના બલિદાનને ભૂલી નથી.
શુભેન્દુ સાથે પાંચ મંત્રીઓએ લીધા શપથ
શુભેન્દુ અધિકારીએ ભગવાનના નામે બંગાળી ભાષામાં શપથ લીધા હતા. તેમની સાથે અન્ય પાંચ મજબૂત નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, જેઓ આગામી સમયમાં બંગાળના વિકાસનું સુકાન સંભાળશે:
1. દિલીપ ઘોષ: ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મેદિનીપુરના પૂર્વ સાંસદ. તેઓ સંગઠન ક્ષમતા માટે જાણીતા છે.
2. અગ્નિમિત્ર પોલ: આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અને જાણીતા ફેશન ડિઝાઈનર, જેઓ લાંબા સમયથી મહિલા સુરક્ષાના મુદ્દે સક્રિય છે.
3. અશોક કીર્તનિયા: બાણગાંવ ઉત્તરના ધારાસભ્ય અને માટુઆ સમુદાયના અગ્રણી નેતા.
4. ખુદીરામ ટુડુ: રાણીબંધ બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજનો અવાજ. તેઓ વ્યવસાયે શિક્ષક છે.
5. નિશીથ પ્રામાણિક: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૂચ બિહારના જાણીતા યુવા નેતા.
આધ્યાત્મિકતાથી રાજકારણ સુધીની સફર
મુખ્યમંત્રી બનેલા શુભેન્દુ અધિકારીનું જીવન અનેક રસપ્રદ વળાંકોથી ભરેલું છે. 1970માં પૂર્વ મેદિનીપુરના કોંટાલી ગામમાં જન્મેલા શુભેન્દુ બાળપણથી જ અત્યંત ધાર્મિક વલણ ધરાવતા હતા. તેઓ દર શનિવારે રામકૃષ્ણ મિશનની મુલાકાત લેતા અને ઘરમાં રહેલા સિક્કા પણ ગુપ્ત રીતે દાન કરી દેતા હતા. તેમના પરિવારને ડર હતો કે તેમનો પુત્ર કદાચ સાધુ બની જશે. જોકે, શુભેન્દુએ જનસેવા માટે રાજકારણનો માર્ગ પસંદ કર્યો અને આજીવન લગ્ન ન કરવાનો અને અવિવાહિત રહીને બંગાળની સેવા કરવાનો નિર્ણય લીધો. 1980ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણથી શરૂ થયેલી તેમની સફર આજે રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે.
સુરક્ષા અને તૈયારીઓ
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને સુરક્ષાના કારણોસર છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આશરે 1000 VVIP અને 9000 ખાસ મહેમાનો સહિત લાખોની મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ૫૦,૦૦૦થી વધુ ખુરશીઓ અને ૨૦થી વધુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા હતા. આખું કોલકાતા જાણે કેસરીયા રંગે રંગાઈ ગયું હતું. બંગાળની જનતાએ જે પરિવર્તનની અપેક્ષા રાખી હતી, તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. શુભેન્દુ અધિકારી સામે હવે કાયદો અને વ્યવસ્થા સુધારવી, બેરોજગારી દૂર કરવી અને રાજ્યમાં ઉદ્યોગોને પાછા લાવવા જેવા મોટા પડકારો છે. જોકે, વડાપ્રધાન મોદીના સમર્થન અને ‘ડબલ એન્જિન’ સરકારના જોરે બંગાળમાં વિકાસના નવા યુગની આશા સેવાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?