હિમાચલમાં ગમખ્વાર અકસ્માત, ભાવનગરના 5 લોકોના મોત
સિંધી સમાજના એક જ પરિવારના 5 લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોક, 4 લોકો ઇજાગ્રસ્ત

AI જનરેટેડ

AI જનરેટેડ
Himachal Pradesh Accident: ઉનાળાના વેકેશનમાં મન પ્રફુલ્લિત કરવા માટે હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા ભાવનગરના સિંધી પરિવાર માટે આ પ્રવાસ જીવલેણ સાબિત થયો છે. હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગરના ફતનાની અને ભોપાણી પરિવારના 5 સભ્યો અને એક સ્થાનિક ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે સર્જાયો અકસ્માત: વરસાદ અને ખરાબ હવામાન બન્યું કારણ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરનો આ સિંધી પરિવાર ઇનોવા ક્રિસ્ટા કારમાં મનાલીથી ડેલહાઉસી તરફ જઈ રહ્યો હતો. શુક્રવારે વહેલી સવારે 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં ચંબા નજીકના હાઈવે પર ભારે વરસાદને કારણે રસ્તાઓ લપસણા બન્યા હતા. અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારીને રોડ પરથી સીધી ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માત સમયે કારમાં બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય 4 મુસાફરોને માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી ખાઈમાંથી તમામ મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
મૃતકોની યાદી: ભાવનગરના સેવાભાવી અગ્રણીએ પણ જીવ ગુમાવ્યો
આ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજમાં જાણીતા અને સેવાભાવી વડીલ લલિતભાઈ ફતનાની સહિત તેમના પરિવારના સભ્યોના મોતથી ઘેરો શોક વ્યાપી ગયો છે. મૃતકોના નામ નીચે મુજબ છે:
લલિતભાઈ ફતનાની (ભાવનગર)
સોનિયાબેન લલિતભાઈ ફતનાની (પત્ની)
પ્રિયંકભાઈ ભોપાણી (જમાઈ)
કાજલબેન ભોપાણી (દીકરી)
દિવ્યાંશુ ભોપાણી (પૌત્ર)
જશવંત કુમાર (સ્થાનિક ડ્રાઈવર, રહે. મંડી)
સારવાર હેઠળના ઇજાગ્રસ્તો:
દુર્ઘટનામાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, ફોરમબેન મયંકભાઈ ફતનાની, જિયાંશ મયંકભાઈ ફતનાની અને પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ ચારેય વ્યક્તિઓ ખતરાથી બહાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભાવનગરમાં શોકનું મોજું: સિન્ધુ સેના અને પ્રશાસન હરકતમાં
દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા જ સિંધી સમાજ અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સિન્ધુ સેનાના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ જણાવ્યું હતું કે, રાત્રે અંદાજે 3:30 વાગ્યે ઇજાગ્રસ્ત મયંકભાઈનો ફોન આવ્યો ત્યારે આ ભયાનક ઘટનાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક હિમાચલ પ્રદેશના ડિઝાસ્ટર વિભાગ અને સ્થાનિક તંત્ર સાથે સંપર્ક સાધ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે. કમલેશ ચંદાણીએ વધુમાં ઉમેર્યું કે, "લલિતભાઈ ફતનાની સમાજના ખૂબ જ સક્રિય સેવાભાવી હતા. તેમના સમગ્ર પરિવાર પર આવેલી આ આફતથી અમે સૌ સ્તબ્ધ છીએ. ગુજરાત સરકારના મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યો અને શહેર અધ્યક્ષો સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી મળી છે."
મૃતદેહોને વતન લાવવાની પ્રક્રિયા તેજ
મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તેમને ભાવનગર પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સિંધી સમાજના ત્રણ અગ્રણીઓ અને પરિવારના સભ્યો વિમાન માર્ગે હિમાચલ પ્રદેશ પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યાંની સરકારી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, આવતીકાલે શનિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહો ભાવનગર લાવવામાં આવે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશના પહાડી રસ્તાઓ પર વહેલી સવારે મુસાફરી કરવી અને તેમાં પણ વરસાદી વાતાવરણ હોય ત્યારે વાહન ચલાવવું જોખમી સાબિત થતું હોય છે, અને આ કિસ્સામાં પણ કુદરતી આપદા અને વહેલી સવારની ગાઢ નિદ્રા અકસ્માતનું કારણ બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ભાવનગરના આ પરિવારે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો આનંદદાયક પ્રવાસ આટલા કરુણ અંતમાં પરિણમશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?