કેરળ હવે ‘કેરલમ’: દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ થશે?
કેન્દ્રની કેરલમ માટે મંજૂરી મળ્યા બાદ દિલ્હીનું નામ બદલવા સાંસદની અમિત શાહને કરાઈ અપીલ

કેરળ હવે ‘કેરલમ'

કેરળ હવે ‘કેરલમ'
સેક્સપિયરે ભલે પૂછ્યું હોય કે 'નામમાં શું રાખ્યું છે?' (What’s in a name?), પરંતુ ભારતના રાજકારણ અને સાંસ્કૃતિક પુનરુત્થાનમાં નામ જ બધું જ છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલીને સત્તાવાર રીતે ‘કેરલમ’ કરવાની મંજૂરી આપી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવાયેલો આ નિર્ણય લોકોની ઈચ્છા અને મલયાલમ સંસ્કૃતિના સન્માન તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, આ સાથે જ દેશના અન્ય ભાગોમાં પણ નામ બદલવાની માંગણીઓએ જોર પકડ્યું છે.
કેરળથી કેરલમ
કેરળ વિધાનસભાએ જૂન 2024માં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરી કેન્દ્રને વિનંતી કરી હતી કે બંધારણમાં સુધારો કરી રાજ્યનું નામ ‘કેરલમ’ કરવામાં આવે. ‘કેરળ’એ અંગ્રેજી શાસન દરમિયાન પ્રચલિત થયેલું નામ છે, જ્યારે સ્થાનિક લોકો હંમેશા તેને ‘કેરલમ’ તરીકે જ ઓળખે છે.
કેન્દ્રની મંજૂરી બાદ હવે આ ફેરફાર સત્તાવાર બનશે. જોકે, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે આ અંગે કટાક્ષ કરતા પૂછ્યું છે કે, "શું નામ બદલવાથી વિકાસના કામોમાં કોઈ ફરક પડશે?" તેમણે AIIMS અને નવા પ્રોજેક્ટ્સની માંગ પર વધુ ધ્યાન આપવા પર ભાર મૂક્યો છે.
દિલ્હી બનશે ‘ઇન્દ્રપ્રસ્થ’?
કેરળના સમાચાર ગરમ છે ત્યાં જ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દેશની રાજધાની દિલ્હીનું નામ બદલીને ‘ઇન્દ્રપ્રસ્થ’ કરવાની માંગ કરી છે. ખંડેલવાલનો તર્ક છે કે ‘દિલ્હી’ નામ ઇતિહાસના પાછળના તબક્કાને રજૂ કરે છે, જ્યારે ‘ઇન્દ્રપ્રસ્થ’ આ શહેરને તેના પ્રાચીન સભ્યતાના મૂળ અને મહાભારત કાળના ગૌરવશાળી વારસા સાથે જોડે છે.
નામ બદલવાની રેસમાં પશ્ચિમ બંગાળ પણ પાછળ નથી. મમતા બેનર્જીની સરકાર વર્ષોથી રાજ્યનું નામ બદલીને ‘બાંગ્લા’ કરવા માંગે છે. બંગાળ વિધાનસભાએ આ માટે બે વાર ઠરાવ પસાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી તેને હજુ સુધી લીલી ઝંડી મળી નથી.
અગાઉ પણ બદલાયા છે નામ
નામ બદલવાની આ પ્રક્રિયા ભારત માટે નવી નથી. છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક રાજ્યોએ તેમની પ્રાદેશિક અને ભાષાકીય ઓળખ સ્થાપિત કરવા માટે નામો બદલ્યા છે:
ઓડિશા (૨૦૧૧): અગાઉ ‘ઓરિસ્સા’ તરીકે ઓળખાતું રાજ્ય સ્થાનિક ઉચ્ચારણ મુજબ ઓડિશા બન્યું.
ઉત્તરાખંડ (૨૦૦૭): ઉત્તરાંચલમાંથી નામ બદલીને પૌરાણિક ઓળખ મુજબ ઉત્તરાખંડ કરાયું.
કર્ણાટક (૧૯૭૩): મૈસુર રાજ્યને કન્નડ ભાષી લોકોની લાગણી મુજબ કર્ણાટક નામ અપાયું.
તમિલનાડુ (૧૯૬૯): મદ્રાસ સ્ટેટને તમિલ ભાષી લોકોના પ્રદેશ તરીકે તમિલનાડુ નામ મળ્યું.
ઉત્તર પ્રદેશ (૧૯૫૦): આઝાદી બાદ ‘યુનાઇટેડ પ્રોવિન્સ’ ને ભારતીય સાંસ્કૃતિક ઓળખ આપવા ઉત્તર પ્રદેશ કરાયું.
નામ બદલવાની આ કવાયત માત્ર અક્ષરોનો ફેરફાર નથી, પરંતુ તે વસાહતી માનસિકતામાંથી મુક્તિ મેળવવાની અને સ્વદેશી ઓળખને મજબૂત કરવાની એક મનોવૈજ્ઞાનિક લડાઈ પણ છે.
હવે જોવાનું એ રહેશે કે કેરલમ બાદ શું કેન્દ્ર સરકાર દિલ્હી અને બંગાળની માંગણીઓ પર કેવું વલણ અપનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની