વી.ડી. સતીસન બનશે કેરળમના નવા મુખ્યમંત્રી
રાજ્યમાં 10 દિવસના સસ્પેન્સનો અંત, કે.સી. વેણુગોપાલ રેસમાંથી બહાર

કેરળમના મુખ્યમંત્રી

કેરળમના મુખ્યમંત્રી
Kerala CM VD Satheesan: કેરળમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 10 દિવસ બાદ આખરે મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી મડાગાંઠ અને રાજકીય સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરીને વરિષ્ઠ નેતા અને પરાવુરના ધારાસભ્ય વી.ડી. સતીસનને કેરળમના આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટી કાઢ્યા છે. આ જાહેરાત સાથે જ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા કોંગ્રેસના શક્તિશાળી મહાસચિવ કે.સી. વેણુગોપાલનું પત્તું કપાઈ ગયું છે.
હાઈકમાન્ડની લાંબી કવાયત બાદ આખરી નિર્ણય
કેરળમમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધનને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ મુખ્યમંત્રીના ચહેરાને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી હતી. 4 મેના રોજ ચૂંટણી પરિણામો આવ્યા બાદથી જ દિલ્હીથી લઈને તિરુવનંતપુરમ સુધી બેઠકોનો દોર ચાલુ હતો. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ પરામર્શ કર્યો હતો. આ બેઠક બાદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના કેરળમના પ્રભારી દીપા દાસમુંશી, વરિષ્ઠ નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને વી.ડી. સતીસનના નામ પર મહોર મારી હતી. આ નિર્ણય પ્રક્રિયામાં રાહુલ ગાંધી પણ સીધા સામેલ હતા અને તેમણે કોંગ્રેસ અધ્યક્ષ તેમજ કે.સી. વેણુગોપાલ સાથે અલગ-અલગ તબક્કે લાંબી ચર્ચાઓ કરી હતી.
ધારાસભ્યોની પસંદગી છતાં સતીસન કેમ જીત્યા?
આ આખી પસંદગી પ્રક્રિયા અત્યંત રસપ્રદ અને નાટ્યાત્મક રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ યોજાયેલી કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષની બેઠકમાં લગભગ 75 થી 80 ટકા ધારાસભ્યોએ કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવા માટે સમર્થન આપ્યું હતું, જ્યારે વી.ડી. સતીસનની તરફેણમાં માત્ર 6 ધારાસભ્યો હતા. જોકે, ત્યારબાદ રાજ્યના ત્રણ ભૂતપૂર્વ પ્રમુખો સતીસનની વહારે આવ્યા હતા. આ ઉપરાંત, UDF ગઠબંધનના મુખ્ય સાથી પક્ષો જેવા કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને કેરળમ કોંગ્રેસ (જોસેફ) એ પણ ખુલ્લેઆમ વી.ડી. સતીસનના નામની ભલામણ કરી હતી. ગઠબંધનની એકતા અને લાંબા ગાળાના રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે લોકશાહી ઢબે તમામ પક્ષોના મંતવ્યો સાંભળ્યા બાદ આખરે સતીસન પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
કોણ છે વી.ડી. સતીસન?
61 વર્ષીય વી.ડી. સતીસન કેરળમ કોંગ્રેસના એક મજબૂત અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. તેઓ વર્ષ 2001 થી સતત એર્નાકુલમ જિલ્લાની પરાવુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વ્યવસાયે વકીલ એવા સતીશને તિરુવનંતપુરમની સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ કેરળમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ અત્યંત પ્રભાવશાળી ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની વહીવટી કુશળતા અને સાથી પક્ષો સાથે તાલમેલ સાધવાની ક્ષમતાને કારણે તેમને આ સર્વોચ્ચ પદ મળ્યું છે.
UDF નો ભવ્ય વિજય
કેરળમની 140 સભ્યોની વિધાનસભામાં UDF ગઠબંધને બે તૃતીયાંશથી વધુ બહુમતી મેળવીને શાનદાર વાપસી કરી છે. ગઠબંધને કુલ 102 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસે 63 બેઠકો જીતી છે. આ સિવાય સાથી પક્ષોમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ને 22, કેરળમ કોંગ્રેસ (KEC) ને 8 અને રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (RSP) ને 3 બેઠકો મળી છે. કોટ્ટાયમના ધારાસભ્ય રાધાકૃષ્ણન સહિતના નેતાઓએ જણાવ્યું હતું કે, લોકશાહી પક્ષમાં બહુવિધ નામો સામે આવે ત્યારે મૂંઝવણ થવી સ્વાભાવિક છે, પરંતુ હવે પક્ષ એક થઈને સતીસનના નેતૃત્વમાં કેરળમમાં નવી સરકારની રચના કરશે. આજે મોડી રાત્રે સત્તાવાર રીતે કેરળમ કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષની બેઠક મળીને પ્રક્રિયા પૂર્ણ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?