દેશમાં અત્યાર સુધી કેટલાં NEET UG પેપર લીક થયાં?
વર્ષ 2015 થી 2024 સુધી NEET પેપર લીક કાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે શું કાર્યવાહી થઈ?

AI જનરેટેડ

AI જનરેટેડ
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG ફરી એકવાર વિવાદોમાં આવી છે. પેપર લીક અને ગેરરીતિના આરોપોને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના બનાવોએ સમગ્ર પરીક્ષા પ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 2015થી લઈને 2024 સુધીના અનેક કૌભાંડો બાદ હવે લોકો પણ જાણવા માંગે છે કે આ કેસોના આરોપીઓ સામે શું કાર્યવાહી થઈ અને તપાસ ક્યાં સુધી પહોંચી છે.
NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં પેપર લીકની સમસ્યા નવી નથી. વર્ષ 2026 પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેમાં 2024નો વિવાદ સૌથી મોટો હતો. છેલ્લા 7 વર્ષમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંદાજે 70 જેટલા પેપર લીક થયા છે. જેના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે.
AIPMT 2015 પેપર લીક
NEET અમલમાં આવી તે પહેલા AIPMT (ઑલ ઈન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ) લેવાતી હતી. વર્ષ 2015માં હરિયાણામાં તેનું પેપર લીક થયું અને આન્સર-કી વોટ્સએપ પર વાયરલ થઈ. આ કૌભાંડ ખૂબ જ હાઈટેક હતું. આરોપીઓએ કાપડમાં સીવેલા બ્લૂ ટૂથ ડિવાઇસ અને માઇક્રો ઇયર ફોનની મદદથી પરીક્ષા હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓને જવાબો લખાવ્યા હતા. એક વિદ્યાર્થી પાસેથી ₹ 15 થી 20 લાખ વસૂલાયા હતા.
હરિયાણા પોલીસે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ રૂપસિંહ ડાંગી અને તેની સાથે જોડાયેલા ડોક્ટરો અને એમબીબીએસ વિદ્યાર્થીઓની ગેંગને ઝડપી પાડી હતી. આ લોકો સામે છેતરપિંડી, ગુનાઇત કાવતરું અને આઈટી એક્ટ હેઠળ ગંભીર ગુના નોંધવામાં આવ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું કે, પેપર ફોડીને આરોપીઓએ કરોડોની કમાણી કરી હતી. તેથી પોલીસ અને ઇડીએ મુખ્ય આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું.
આ પરીક્ષાની આન્સર કી વોટ્સએપ પર વાયરલ થતા સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરી ફરીથી લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે એકપણ વિદ્યાર્થી ખોટી રીતે એડમિશન મેળવે તો તે પરીક્ષાની પવિત્રતાને નુકસાન પહોંચાડે છે. આ પેપરનો લાભ લેનારા 44 વિદ્યાર્થીની ઓળખ થઈ હતી. જેમના પર કોઈપણ તબીબી પરીક્ષા આપવા પર કાયમી પ્રતિબંધ મૂકાયો હતો
હાલમાં કેસનું સ્ટેટસ
આ કેસ હરિયાણાની સ્થાનિક અદાલતોમાં સુનાવણીના તબક્કે છે. કોર્ટ કાર્યવાહીની ધીમી ગતિને કારણે ઘણાં આરોપીઓ હાલ જામીન પર બહાર છે. પરંતુ તેમની સામેના કેસો હજુ બંધ નથી. આ કેસના કારણે CBSE (જે તે સમયે પરીક્ષા લેતી હતી) એ ડ્રેસ કોડ અને કડક તપાસના નિયમો દાખલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને આજે પણ 2024 અને 2026ના વિવાદોમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.
NEET UG 2021 પેપર લીક
12 સપ્ટેમ્બર 2021ના રોજ જયપુરના કનકપુરા વિસ્તારની રાજસ્થાન ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (RIET) નામના પરીક્ષા કેન્દ્ર પર NEET યુજીનું પેપર લીક થયું હતું. પરીક્ષા ચાલુ થયાના અડધો કલાકમાં કેન્દ્રના વહીવટી એકમના ઇન્ચાર્જ મુકેશે પેપરનો ફોટો પાડી વોટ્સએપ દ્વારા બહાર મોકલ્યો હતો. આ ફોટો સિકરના બે સોલ્વર્સને મોકલાયો હતો. જેમણે આન્સર-કી તૈયાર કરીને પાછી મોકલી હતી. ધનેશ્વરી કુમારી નામની એક વિદ્યાર્થીની માટે આ કામ કરાયું હતું. જે માટે ₹36 લાખ ભાવ નક્કી કરાયો હતો. આ માટે ₹10 લાખ એડવાન્સ અપાયા હતા.
આ કેસમાં જયપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 8 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 18 વર્ષીય ધનેશ્વરી કુમારી, એક્ઝામ સેન્ટરનો એડમિન ઇન્ચાર્જ મુકેશ, કોચિંગ સેન્ટરનો ડાયરેક્ટર અને માસ્ટર માઇન્ડ નવરત્ન સ્વામી, પરીક્ષા ખંડનો સુપરવાઇઝર રામસિંહ તેમજ સુનીલ યાદવ અને અનિલ નામના વચેટિયા સામેલ છે. આ લોકો પાસેથી પોલીસે રોકડ ₹ 10 લાખ અને ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
હાલમાં કેસનું સ્ટેટસ
4 ઓક્ટોબર 2021 રોજ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે આ ઘટના સ્થાનિક કક્ષાએ થયેલી છેતરપિંડી હતી અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા રદ કરી શકાય નહીં. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ ઘટનાને ‘વ્યાપક પેપર લીક’ માનવાનો ઇનકાર કર્યો અને તેને માત્ર એક વ્યક્તિગત છેતરપિંડીનો કિસ્સો ગણાવ્યો હતો. મુખ્ય આરોપીઓ અને સેન્ટર ઇન્ચાર્જ હાલમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. સંડોવાયેલા વિદ્યાર્થીને બ્લેકલિસ્ટ કરી ભવિષ્યની પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. કેસ હજુ પણ કોર્ટમાં છે અને આરોપીઓ જામીન મેળવવા પ્રયત્નશીલ છે. તપાસ એજન્સીઓ દ્વારા ચાર્જશીટ રજૂ કરાઈ છે.
NEET UG 2024 પેપર લીક
બિહારના પટણા અને ઝારખંડના હજારીબાગમાં NEET UG નું પેપર લીક થયું હતું. અત્યાર સુધીનો સૌથી મોટો NEET પેપર લીક વિવાદ હતો. જૂન 2024માં કોર્ટે પેપર લીક થયાનું સ્વીકાર્યું. પરંતુ સમગ્ર પરીક્ષા ફરીથી લેવાનો (Re-NEET) આદેશ આપવાનો ઇનકાર કર્યો. કોર્ટનું માનવું હતું કે પેપર લીક 'વ્યવસ્થિત' (systemic) નહોતું. એટલે કે તે આખા દેશમાં ફેલાયેલું નહોતું પણ પટણા અને હજારીબાગ જેવા ચોક્કસ કેન્દ્રો પૂરતું મર્યાદિત હતું. આ પરીક્ષામાં 67 વિદ્યાર્થીને પૂરેપૂરા 720 માર્ક્સ મળ્યા હતા અને ગ્રેસ માર્ક્સને લઈને પણ મોટો વિવાદ થયો હતો.
CBI એ અત્યાર સુધી આશરે 49 લોકોની ધરપકડ કરી છે. જે પૈકી 45 સામે 5 અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરાઈ છે. ચાર્જશીટમાં જેમનો ઉલ્લેખ છે તે તમામ 45 આરોપી હાલમાં જેલમાં છે. તેમની જામીન અરજી કોર્ટે વારંવાર નકારી છે. કારણ કે, આ ગુનાની ગંભીરતા વધુ છે. આ કૌભાંડના માસ્ટર માઇન્ડ પંકજકુમાર (જેણે પેપર ચોર્યું હતું) અને હજારીબાગની ઓએસિસ સ્કૂલના આચાર્ય અહસાનુલ હક અને ઉપાચાર્ય ઇમ્તિયાઝ આલમ પણ જેલમાં છે. તેમની સામે પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરાઈ છે.
હાલમાં કેસનું સ્ટેટસ
તમામ ચાર્જશીટ પટણાની વિશેષ CBI કોર્ટમાં રજૂ કરાઈ છે. ટૂંક સમયમાં સુનાવણી શરૂ થવાની શક્યતા છે. CBI એ 155 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે. જેમણે લીક પેપર માટે પૈસા ચૂકવ્યા હતા. વિદ્યાર્થીઓના નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સોંપાયા છે. જેથી તેમના એડમિશન રદ કે બ્લેક લિસ્ટની કાર્યવાહી થઈ શકે. તપાસમાં પુષ્ટિ થઈ છે કે હજારીબાગની સ્કૂલના કંટ્રોલ રૂમમાંથી પંકજ કુમારે પેપર ચોર્યું હતું. ત્યારબાદ તેના ફોટો પાડીને ફરીથી સીલ કરી દીધું હતું.
60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો
બિહારમાં NEET પરીક્ષામાં પૈસા લઈ ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. NEET 2026 પેપર લીક સમયે બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ઉમેદવાર પાસેથી બેઠક અપાવવા માટે રૂપિયા 50 થી 60 લાખ વસૂલતી હતી. 2 મેના રોજ નાલંદા પોલીસે પાવાપુરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બે લક્ઝરી ગાડીઓમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર VIMS મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી છે. તેના મોબાઈલ તપાસતા આખું નેટવર્ક સામે આવ્યું હતું. ત્યારબાદ મુઝફ્ફરપુર સહિત અન્ય જિલ્લાઓમાં દરોડા પાડીને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઉજ્જવલ હજુ ફરાર છે. જે પાવાપુરી મેડિકલ કોલેજનો 2022 બેચનો વિદ્યાર્થી છે.
કઈ રીતે ચાલતું હતું કૌભાંડ?
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગ ઉમેદવારો પાસેથી રૂપિયા 1.5 થી 2 લાખ એડવાન્સ પેમેન્ટ લેતી હતી. ત્યારબાદ અસલ ઉમેદવારની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર પર 'સોલ્વર' (બીજી વ્યક્તિ)ને બેસાડવાની તૈયારી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટરનો પુત્ર હર્ષરાજ અને અન્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને 5 મેના રોજ કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?