શાળાઓમાં ફ્રી સેનેટરી પેડ ફરજિયાત: સુપ્રીમ કોર્ટ
ધોરણ 6થી 12ની વિદ્યાર્થિનીઓ માટે શાળામાં મફત સેનેટરી પેડ અને અલગ શૌચાલયનો આદેશ

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સરકારી અને ખાનગી બંને પ્રકારની શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે મફત સેનેટરી પેડની સુવિધા શાળામાં ફરજિયાત રીતે ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર માસિક ધર્મ સંબંધિત સ્વાસ્થ્ય જીવનના મૂળભૂત અધિકારનો ભાગ છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, માસિક ધર્મ સ્વચ્છતા બંધારણના અનુચ્છેદ 21 હેઠળના જીવનના અધિકાર સાથે સીધો સંબંધ ધરાવે છે. જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા સુધી સીમિત નથી. પરંતુ તેમાં આરોગ્ય, સમાનતા, શિક્ષણ અને માનવીય ગરિમાનો પણ સમાવેશ થાય છે. માસિક ધર્મ દરમિયાન જરૂરી સુવિધાઓનો અભાવ બાળકીઓની ગરિમાનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટે તમામ શાળાઓમાં ફરજિયાત રીતે વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય બનાવવા નિર્દેશ પણ કર્યો છે. આ ઉપરાંત સરકારી અને સરકાર સંચાલિત શાળાઓમાં દિવ્યાંગજનોને અનુકૂળ શૌચાલય ઉપલબ્ધ કરાવવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
ન્યાયાલયે ચેતવણી આપી છે કે, કોઈ ખાનગી શાળા મફત સેનેટરી પેડ અને જરૂરી સ્વચ્છતા સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેશે તો તેની માન્યતા રદ કરી શકાય છે. જ્યારે સરકારો અથવા શાસકીય તંત્ર દ્વારા આ વ્યવસ્થા અમલમાં ન મૂકવામાં આવે તો તેમને જવાબદાર ગણવામાં આવશે.
જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની પીઠે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની દરેક શાળામાં વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ શાળાઓ તે સરકારી હોય, સરકાર દ્વારા સંચાલિત હોય તેમાં દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલય પણ ઉપલબ્ધ કરાવે.
સુપ્રીમ કોર્ટએ નોંધ્યું કે, શાળામાં યોગ્ય શૌચાલય અને સેનેટરી પેડની ઉણપને કારણે અનેક બાળકીઓ શાળાએ જવાનું ટાળે છે અથવા અભ્યાસ છોડી દેવા મજબૂર થાય છે. આ સ્થિતિ સીધે જ શિક્ષણના અધિકારનું હનન કરે છે અને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
ગોપનીયતા બાબતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નોંધ કરી છે. દરેક રાજ્યની ફરજ છે કે તે વિદ્યાર્થિનીઓની ગોપનીયતાનું રક્ષણ કરે અને માસિક ધર્મ દરમિયાન તેમને સન્માનજનક અને સુરક્ષિત વાતાવરણ પૂરુ પાડે. આ ચુકાદો માત્ર કાનૂની આદેશ નહીં પરંતુ સમાજની વિચારસરણી બદલવાનો મજબૂત સંદેશ છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને બાળકીના સ્વાસ્થ્ય, શિક્ષણ અને આત્મસન્માન તરફનો એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી ભવિષ્યમાં શાળાઓમાં સમાનતા અને સંવેદનશીલતા વધશે.
સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા પૂરતો સીમિત નથી પણ તેમાં ગરિમા, સ્વાસ્થ્ય, સમાનતા અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માસિક ધર્મ, સ્વાસ્થ્યના એ જ અધિકારનો ભાગ છે. કોર્ટે એ પણ માન્યું કે માસિક ધર્મ સાથે જોડાયેલી આરોગ્ય સુવિધાઓની ઉણપને કારણે બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. કારણકે ગરિમાનો અર્થ અપમાન, ભેદભાવ અને બિનજરૂરી દુઃખ વિના જીવન જીવવું છે.
આ મામલો કેન્દ્ર સરકારની 'શાળા જતી સગીર બાળકીઓના માસિક ધર્મ સ્વચ્છતા નીતિ' સાથે જોડાયેલો છે. કોર્ટ સામે સવાલ હતો કે, શાળામાં અલગ અલગ શૌચાલયની ઉણપ, સેનેટરી પેડ કે અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવી એ શિક્ષણના અધિકાર અને સન્માનજનક જીવનનું ઉલ્લંઘન છે? આ મુદ્દા પર કોર્ટે સાફ કહ્યું કે, આ સુવિધાઓનો અભાવ બાળકીઓને શાળા છોડવી અથવા તે દિવસોમાં હાજરી ન ભરવી તેના માટે મજબૂર કરે છે. જે સીધો જ શિક્ષણના અધિકારનું હનન કરે છે.
આ નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગોપનીયતા પણ ગરિમા સાથે જોડાયેલી છે. દરેક રાજ્યની જવાબદારી છે કે તે ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરે પણ તેના રક્ષણ માટે નક્કર પગલાં પણ લે. બાર એન્ડ બેન્ચ મુજબ કોર્ટે કહ્યું 'સમાન અવસર ત્યારે જ સંભવ છે જ્યારે તમામને જરૂરી સંસાધન અને જાણકારી મળે'.
આ ચુકાદામાં કોર્ટે સમાજને પણ સંદેશ આપતાં કહ્યું કે, આ નિર્દેશ એવી બાળકીઓ માટે છે જે ખચકાટને કારણે મદદ માંગી શકતી નથી. એ શિક્ષક માટે છે જે મદદ કરવા માંગે છે પણ સુવિધાના અભાવે તેના હાથ બાંધી રાખ્યા છે. તે માતા પિતા માટે છે જે મૌનના અસરને નથી સમજી શકતા. માસિક ધર્મના કારણે કોઈ બાળકી શાળાએ ન જઈ શકતી હોય તો તે તેની ભૂલ નથી પણ વ્યવસ્થા અને વિચારની ભૂલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની