બિહારમાં સમ્રાટ ચૌધરી કેબિનેટનું ભવ્ય વિસ્તરણ
નીતિશ કુમારના પુત્ર નિશાંત સહિત 32 મંત્રીઓએ ગાંધી મેદાનમાં લીધા શપથ

ઇન્ટરનેટ

ઇન્ટરનેટ
Bihar Cabinet Expansion: બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવા પ્રકરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની એનડીએ (NDA) સરકારના મંત્રીમંડળનું ગુરુવારે ભવ્ય વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાના 22 દિવસ બાદ યોજાયેલા આ મેગા શપથગ્રહણ સમારોહમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
નવી કેબિનેટનું પક્ષવાર ગણિત
નવા મંત્રીમંડળમાં સહયોગી પક્ષો વચ્ચે સત્તાની સંતુલિત વહેંચણી જોવા મળી છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 15, જેડીયુ (JDU) માંથી 13, એલજેપી (રામવિલાસ) ના 2 તેમજ હિન્દુસ્તાની અવામ મોરચા (HAM) અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના એક-એક મંત્રીનો સમાવેશ કરાયો છે.
1. ભાજપ (BJP) ના મંત્રીઓની યાદી:
રામ કૃપાલ યાદવ
કેદાર ગુપ્તા
નીતિશ મિશ્રા
મિથિલેશ તિવારી
રામા નિષાદ
વિજય કુમાર સિંહા
દિલીપ જયસ્વાલ
પ્રમોદ ચંદ્રવંશી
લખેન્દ્ર પાસવાન
સંજય વાઘ (ટાઈગર)
ઈજનેર કુમાર શૈલેન્દ્ર
નંદ કિશોર રામ
રામચંદ્ર પ્રસાદ
અરુણ શંકર પ્રસાદ
શ્રેયસી સિંહ
2. જનતા દળ યુનાઇટેડ (JD-U) ના મંત્રીઓની યાદી:
નિશાંત કુમાર
શ્રવણ કુમાર
અશોક ચૌધરી
લેશી સિંહ
મદન સાહની
સુનિલ કુમાર
જામા ખાં (લઘુમતી ચહેરો)
ભગવાન સિંહ કુશવાહા
શીલા મંડળ
દામોદર રાઉત
બુલો મંડળ
રત્નેશ સદા
શ્વેતા ગુપ્તા
3. લોક જનશક્તિ પાર્ટી - રામવિલાસ (LJP-R):
સંજય પાસવાન
સંજય સિંહ
4. હિન્દુસ્તાની અવામ મોરચા (HAM):
સંતોષ કુમાર સુમન (માંઝી)
5. રાષ્ટ્રીય લોક મોરચા (RLM):
દીપક પ્રકાશ
નિશાંત કુમારનું શપથગ્રહણ આકર્ષણનું કેન્દ્ર
આ મંત્રીમંડળ વિસ્તરણમાં જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તે છે જેડીયુના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર. તાજેતરમાં જ સક્રિય રાજકારણમાં પગ મૂકનારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ૪૫ વર્ષીય નિશાંત કુમારે પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા છે. જેડીયુના કાર્યકરોની ભારે માંગ અને સમજાવટ બાદ તેઓ સરકારમાં સામેલ થવા સંમત થયા હતા. શપથ લીધા બાદ નિશાંત કુમારે મંચ પર હાજર પોતાના પિતા નીતિશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. જેડીયુમાંથી નિશાંત ઉપરાંત શ્વેતા ગુપ્તા અને બુલો મંડલ નવા ચહેરા તરીકે મંત્રીમંડળમાં સામેલ થયા છે. બીજી તરફ, ભાજપ તરફથી સામેલ કરાયેલા નવા ચહેરાઓમાં મિથિલેશ તિવારી, રામચંદ્ર પ્રસાદ, અરુણ શંકર પ્રસાદ, નંદ કિશોર રામ અને એન્જિનિયર શૈલેન્દ્રનો સમાવેશ થાય છે. આ નવી કેબિનેટમાં મહિલા પ્રતિનિધિત્વને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં કુલ ૫ મહિલા મંત્રીઓનો સમાવેશ કરાયો છે, જેમાંથી ૩ જેડીયુના ક્વોટામાંથી છે.
જૂના જોગીઓ અને અનુભવી નેતાઓ પર ફરી ભરોસો
રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાને પણ ફરી એકવાર કેબિનેટમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. લખીસરાયના વતની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા સિંહાનો વહીવટી અનુભવ અને ગૃહમાં તેમની પકડને કારણે પક્ષે તેમના પર સતત વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ ઉપરાંત જેડીયુના રત્નેશ સદા અને રાષ્ટ્રીય લોક મોરચાના દીપક પ્રકાશનો પણ પુનરાવર્તન થયું છે. દીપક પ્રકાશ હાલમાં વિધાનસભા કે વિધાન પરિષદ બંનેમાંથી કોઈ પણ ગૃહના સભ્ય નથી, તેમ છતાં તેમને મંત્રી પદના શપથ લેવડાવાયા છે.
કેબિનેટનું સામાજિક અને જાતિગત સમીકરણ
બિહારના રાજકારણમાં હંમેશા મહત્વનું પરિબળ ગણાતા જાતિગત સમીકરણોને સમ્રાટ ચૌધરી સરકારે આ કેબિનેટમાં ખૂબ જ સુંદર રીતે સાંકળ્યા છે. સમગ્ર મંત્રીમંડળનું વિશ્લેષણ નીચે મુજબ છે:
અતિ પછાત વર્ગ (EBC): 10 મંત્રી
સવર્ણ (જનરલ): 9 મંત્રી
દલિત: 7 મંત્રી
પછાત વર્ગ (OBC): 6 મંત્રી
લઘુમતી (મુસ્લિમ): 1 મંત્રી
રાષ્ટ્રગીત પર પ્રોટોકોલનો વિવાદ
ગાંધી મેદાન ખાતે આયોજિત આ મેગા ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પટના એરપોર્ટથી ગાંધી મેદાન સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. આ કાર્યક્રમ માટે ખાસ ૩ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન એક નાનો વિવાદ પણ સામે આવ્યો છે. બિહાર સરકારના તાજેતરના પરિપત્ર મુજબ, કોઈપણ સરકારી કાર્યક્રમની શરૂઆતમાં પહેલા રાષ્ટ્રગીત 'વંદે માતરમ', ત્યારબાદ 'રાષ્ટ્રગાન' અને છેલ્લે 'બિહાર ગીત' વગાડવું અનિવાર્ય છે. પરંતુ આજના કાર્યક્રમમાં પ્રોટોકોલથી વિપરીત સીધું જ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વડાપ્રધાન મોદીએ ખાસ નીતિશ કુમારને પોતાની પાસે બોલાવ્યા હતા અને મંચ પર ઉભા રહીને તેમની સાથે ઉષ્માભેર હાથ મિલાવ્યા હતા. ભાજપ બિહારમાં પ્રથમ વખત પોતાના પક્ષના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં સરકાર ચલાવી રહી હોવાથી પટનામાં ચારેય તરફ ભગવા રંગના હોર્ડિંગ્સ અને ભજન-કીર્તન સાથે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?