કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ બની શકે છે સંઘ પ્રમુખ
સંઘમાં અને ભવિષ્યમાં SC કે ST વર્ગનો વ્યક્તિ યોગ્યતાના આધારે સંઘ પ્રમુખ બની શકે છે

મોહન ભાગવત

મોહન ભાગવત
મુંબઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના અવસર પર આયોજિત કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સંઘની કાર્યપ્રણાલી અને સામાજિક માળખા પર મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. મોહન ભાગવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સંઘ પ્રમુખ કોણ બની શકે તે માટે કોઈ જ્ઞાતિનું બંધન નથી; જે વ્યક્તિ નિષ્ઠાથી કામ કરે છે તેને જ જવાબદારી સોંપવામાં આવે છે.
લોહીના છેલ્લા ટીપા સુધી સમાજ સેવા ચાલુ રાખશે
તેમણે ઉમેર્યું કે, સંઘનો પ્રમુખ કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હોવો જરૂરી નથી, પરંતુ જે સૌથી વધુ યોગ્ય હોય તેને જ આ પદ મળે છે. તેમણે ભવિષ્યની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે, આગળ જતાં SC કે ST વર્ગનો વ્યક્તિ પણ સરસંઘચાલક બની શકે છે. પોતાની ઉંમરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 75 વર્ષ પછી નિવૃત્તિનો નિયમ હોવા છતાં સાથીઓના આગ્રહથી તેઓ અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ લોહીના છેલ્લા ટીપા સુધી સમાજ સેવા ચાલુ રાખશે.
લાલચ કે બળજબરીથી ધર્માંતરણ ન થવું જોઈએ
સામાજિક સમરસતા અને લઘુમતી સમુદાય વિશે વાત કરતા સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ પણ આપણા જ સમાજનો એક હિસ્સો છે. તેમણે ઉદાહરણ આપ્યું કે, જો દાંતની વચ્ચે જીભ આવી જાય તો આપણે દાંત તોડી નાખતા નથી, તેવી જ રીતે સ્વયંસેવકો મુસ્લિમ સમુદાયની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. ધર્માંતરણ મુદ્દે તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, દરેકને પોતાનો ભગવાન પસંદ કરવાની છૂટ છે, પરંતુ લાલચ કે બળજબરીથી ધર્માંતરણ ન થવું જોઈએ અને તેનો એકમાત્ર ઉપાય ‘ઘર વાપસી’ છે. વર્ષ 2047 સુધીમાં અખંડ ભારતની કલ્પના કરતા તેમણે કહ્યું કે, ભારતને તોડવાનું સપનું જોનારા પોતે જ તૂટી જશે, હવે ભારતના વિરોધીઓના મનસૂબા ક્યારેય સફળ નહિ થાય.
નવી પેઢી આપણા કરતા વધુ પ્રામાણિક
બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ભાગવતે કહ્યું કે, ત્યાંના સવા કરોડ હિંદુઓએ ભાગવાને બદલે ત્યાં રહીને લડવાનો નિર્ણય કર્યો છે અને ભારત સરકાર પણ તેમની તમામ પ્રકારે મદદ કરી રહી છે. જ્ઞાતિવાદ અને અનામતના મુદ્દે તેમણે સ્પષ્ટ સમર્થન આપતા કહ્યું કે, બંધારણ મુજબની તમામ અનામતોને સંઘનું સમર્થન છે. જે વર્ગ સામાજિક વિષમતાના કારણે ‘ખાડામાં’ છે તેમને ઉપર લાવવા એ સૌની ફરજ છે. યુવા પેઢી વિશે તેમણે કહ્યું કે, નવી પેઢી આપણા કરતા વધુ પ્રામાણિક છે અને આપણે તેમની ભાષામાં તેમને પ્રેમથી સમજાવવાની જરૂર છે, જેથી તેઓ ભટકી ન જાય.
આર્થિક નીતિ અને રોજગાર મુદ્દે ચિંતા વ્યક્ત કરી
આર્થિક નીતિ અને રોજગાર મુદ્દે મોહન ભાગવતે ચિંતા વ્યક્ત કરી કે, આજે હિંદુ સમુદાયના લોકો ઓછી આવકવાળી કે શારીરિક શ્રમવાળી નોકરીઓ છોડી રહ્યા છે અને માત્ર ઊંચા પગારવાળી નોકરીઓ પાછળ ભાગી રહ્યા છે, જેના કારણે અન્ય ક્ષેત્રોમાં ઘૂસણખોરોનો કબજો થઈ રહ્યો છે. તેમણે AI જેવી નવી ટેકનોલોજીને આવકારવાની સાથે ચેતવણી આપી કે તેનાથી રોજગાર ખતમ ન થવા જોઈએ. તેમણે ‘માસ પ્રોડક્શન’ને બદલે ‘પ્રોડક્શન બાય માસીસ’ પર ભાર મૂકતા કહ્યું કે, જો હજારો સ્થળોએ ગુણવત્તાયુક્ત ચીજો બનશે તો વિદેશમાં પણ ભારતીય પ્રોડક્ટ્સની માંગ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે. તેમણે શારીરિક શ્રમ કરનારા લોકોનું સન્માન વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની