વડોદરા શહેરમાં બોગસ જન્મદાખલાનું મસમોટું રેકેટ ફરી એકવાર સપાટી પર આવ્યું છે. વોર્ડ 4 ઓફિસ ખાતે પોતાની બાળકીનું આધારકાર્ડ કઢાવવા આવેલી એક મહિલા બોગસ જન્મના દાખલા સાથે રંગે હાથે ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ પાલિકાના આધારકાર્ડ વિભાગની સતર્કતા ઉજાગર કરી છે, પરંતુ સાથે જ શહેરમાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ કેટલું વ્યાપક બન્યું છે તે પણ છતું થયું છે. આશ્ચર્યજનક રીતે, છેલ્લા એક જ મહિનામાં બોગસ જન્મદાખલાનો આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
પ્રાથમિક વિગતો મુજબ, સુરત કોર્પોરેશનનો એક સાચો અને એક બોગસ જન્મદાખલો લઈને આ મહિલા વોર્ડ 4 ઓફિસ પર પહોંચી હતી. બાળકીનું નવું આધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલી પડતાં, મહિલાએ કોઈ ખાનગી ઓફિસમાંથી માત્ર ₹500 રૂપિયામાં આ બોગસ જન્મદાખલો કઢાવ્યો હોવાનું કબૂલ્યું છે. જોકે, આધાર કાર્ડ ઓપરેટરની તીક્ષ્ણ નજરથી આ બોગસ દાખલો પકડાઈ ગયો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ પાલિકાના આધારકાર્ડ વિભાગના અધિકારી શમિક જોશીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "કોર્પોરેશન ત્રણ લેયરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટની તપાસ કરે છે, જેના કારણે આવા બોગસ દસ્તાવેજો પકડાઈ જાય છે." તેમણે સામાન્ય નાગરિકોને 'શોર્ટ કટ' ન અપનાવવા અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ન ફસાવા માટે વિનંતી કરી છે. જોશીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, "સરકારી ઓફિસમાંથી જન્મનો દાખલો કે અન્ય કોઈ ડોક્યુમેન્ટમાં સુધારો થાય જ છે, નાગરિકોએ સાચી પ્રક્રિયા અપનાવવી જોઈએ."
આ પણ વાંચો : Ahmedabad : નકલી દસ્તાવેજો, અસલી છેતરપિંડી, AMC માં નોકરીના નામે ઠગ દંપતીએ લાખો ખંખેર્યા!
એક મહિનામાં બોગસ જન્મદાખલાના ત્રણ કિસ્સા સામે આવતા પોલીસ અને પાલિકા તંત્ર વધુ સક્રિય બન્યું છે. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે શહેરમાં નકલી દસ્તાવેજો બનાવવાનું એક મોટું નેટવર્ક સક્રિય છે. તંત્ર દ્વારા આવા દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કડક હાથે કામગીરી કરવાની અને આવા ગુનેગારો સામે દાખલો બેસાડતી કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.
આ પણ વાંચો : રાજકીય માહોલ તંગ, વિસાવદરમાં AAP ની સભામાં ધાંધલ, ધમકીભર્યા ફોનથી સનસનાટી!