ગુજરાતની બે કંપનીઓમાં દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ
'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયેલી બંને કંપનીઓની દવાઓનો જથ્થો બજારમાંથી પાછો ખેંચવા સૂચના

સુરેન્દ્રનગરની શેપ ફાર્મા અને અમદાવાદની રેડનેક્સ ફાર્માસ્યુટિકલમાં ફૂડ એન્ડ ડ્રગ્સની સઘન તપાસ

સુરેન્દ્રનગરની શેપ ફાર્મા અને અમદાવાદની રેડનેક્સ ફાર્માસ્યુટિકલમાં ફૂડ એન્ડ ડ્રગ્સની સઘન તપાસ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોત થતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સફાળી જાગી છે. મધ્યપ્રદેશ સરકારની તપાસ દરમિયાન ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં વાંધાજનક બાબતો મળતાં નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો હતો. તેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે બંને કંપનીઓમાં તપાસ શરૂ કરીને તાત્કાલિક અસરથી દવાઓનું ઉત્પાદન બંધ કરી દવાઓનો જથ્થો બજારમાંથી પાછો ખેંચી લેવા આદેશ કર્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં લાયસન્સ ધરાવતી 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહાર સપ્લાય કરે છે.
તેમણે ઉમેર્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરોએ 3 થી 5 ઓક્ટોબર દરમિયાન બંને પેઢીઓની જોખમ આધારિત સંયુક્ત તપાસ કરી હતી.
વધુમાં જણાવ્યું કે, સંયુક્ત તપાસ દરમિયાન કેટલીક ક્ષતિઓ જોવા મળતાં સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બંને પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 03 તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ 14 નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે.
તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલા તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રિકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એકપણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ, પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રિકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!